બુધ્ધિશાળી ગણપતિને કોઈ ન પહોંચે
ગણપતિનો ઉત્સવ શરૂ થાય છે. મુંબઈની તમામ શેરીઓ આગામી અગિયાર દિવસ ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી ગાજી ઉઠશે. ગણેશજી બાળકોને ખૂબ પ્રિય છે. તો આજે તમને દુંદાળા દેવની બાળપણની એક કથા જણાવીએ…
ભગવાન શંકર અને માતા પાર્વતીને ગણેશ અને કાર્તિક એમ બે પુત્ર હતા. એકવાર માતાપિતાના ખોળામાં બેસવા બન્ને જીદે ચડયા. એમાંથી વાત વધીને ‘કોણ શ્રેષ્ઠ’ ત્યાં સુધી પહોંચી ગઈ. ઝઘડો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા પિતા શંકરે એક રસ્તો શોધી કાઢયો જે પહેલા પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછું ફરે તે ખોળામાં બેસે. તમને ખબર હશે કે કાર્તિકનું વાહન મોર છે અને ગણપતિનું વાહન ઉંદર છે.
પિતાએ કહ્યું એટલે કાર્તિક તો મોર પર બેસીને ઉડયા કાર્તિકને વિશ્ર્વાસ હતો કે પોતે જ જીતશે. ગણપતિ ખૂબ બુધ્ધિશાળી હતા. તેમણે વિચાર્યુ કે ઉંદર નાનો અને પોતાનું શરીર ભારે એટલે એના પર બેસીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળીશ તો કોણ જાણે કયારે પૂરી થશે. તેમણે બુધ્ધિ દોડાવીને ઉંદર પર ઉભા ઉભા માતાપિતાની સાતવાર પ્રદક્ષિણા કરી લીધી. જ્યારે છ મહિના પછી કાર્તિક પાછા ફર્યા અને ગણપતિને માતા-પિતાના ખોળામાં બેઠેલા જોતા ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. એટલે ગણપતિએ કહ્યું ‘માત્ર પૃથ્વીજ નહીં સમસ્ત બ્રહ્માંડ માતા-પિતામાં સમાયેલું છે. એ તેમનોજ એક અંશ છે. માતા-પિતાથી શ્રેષ્ઠ સમગ્ર સૃષ્ટિમાં અન્ય કોઈ નથી એટલે મે તેમની સાત વાર પ્રદક્ષિણા કરી લીધી. આખરે નારાજ થઈને કાર્તિક ત્યાંથી ચાલી ગયા અને આજે પણ ગણપતિ બાપ્પાને બુધ્ધિશાળી દેવોમાં ગણવામાં આવે છે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024