‘આબાન, પપ્પા પપ્પા કેમ છે?’
‘હજી એવણનો દમ ચાલેછ પણ ડોકટરો કહેછ કે હવે આખરી આવી લાગીછ.’
શિરીન વોર્ડન એ સાંભળી ખુદાના હઝારો શુક્રાના કરી લીધા કે તેણી મળી શકે ત્યાં વેર તેણીનો બાપ હજી જીવતો હતો.
પછી ઉતાવળે પગલે તેઓ બન્ને વોર્ડમાં દાખલ થયા તે પદડા કરી લીધેલા પલંગ આગળ જઈ ઉભાં કે દીલનાઝ જે પોતાના ધણીનું માથું પસવારતી પાસે બેઠી હતી તેણી તરત ઉભી થઈ, શિરીનનાં કાનમાં કંઈક ઈશારો કરી ત્યાંથી બહાર વિદાય થઈ ગઈ.
‘પપ્પા, મારા વહાલા પપ્પા!’
તે પિતાના પલંગ પરજ બેસી જઈ, તે નાતવાન હાથોને પસવારી લઈ શિરીન વોર્ડન હેત સાથ પોકારી ઉઠી, કે વિકાજી વોર્ડને ધીમા સ્વરે બોલવા માંડયું.
‘શિરીન…મારા બચ્ચાં, તું આયું? તું ને…તુંને મળવામાંજ મારો આખેરી દમ ટીંગાયેલો હતો.’
‘પપ્પા…મારા પપ્પા તમોને કંઈ કહેવુંછ?’ ‘ફકત…ફકત હમણાં મારા જીવનની અંતની ઘડીએ મને… મને એકજ સુખ ઉત્પન્ન થાય છ, ને..ને તે તું તારા ફિરોઝ ફ્રેઝર સાથ પરણી ડરબી કાસલ’ની અંતે પણ શેઠાણી બનનાર છે. તે..તે મને તારા લગનમાં બોલવ્યો હતો, પણ..પણ હવે હું ઉપરથી મારાં..મારાં બચ્ચાં પર મારા આશિષ મોકલાવી આપશ.’
એ સાંભળતાંજ શિરીન વોર્ડન ચમકી ઉઠી. યા ખુદા, તેણીનાં પિતાની તે છેલ્લી જ સુખની પળો વચ્ચે કેમજ કરી તેણી જણાવી શકે કે તે જવાન ટૂંક વખતમાં જ મોલી કામા સાથ પરણનાર હતો.
પછી જેમ એક હરણી પોતાનાં શિકારી સામે જુએ તેમ દયાની આરજુ કરતી તેણી તે જવાનની આંખોમાં નિહાળી રહી કે ફિરોઝ ફ્રેઝરે તે પેગામ વાંચી લઈ ચુપકીદી વચ્ચે જ ઉભો રહ્યો કે વિકાજી વોર્ડને હવે તે જવાન સામે જોઈ બોલવા માંડયું.
‘સાહેબ, જે…જે અપમાન મેં તમોને વરસોની વાત પર મારા ઘેરમાં કીધું…કીધું હતું, તે તે માટે હું માફી ચાહું છું.’
‘તે બનાવ જ ભુલી જાઓ મી. વોર્ડન.’ તે નાતવાન આકાર તરફ સેજ વાંકો વળતા ફિરોઝ ફ્રેઝરે કહી સંભળાવ્યું કે વિકાજી વોર્ડનનાં મુખ વાટે એક નિસાસો સરી પડી તેવણે ફરી આગળ ચલાવ્યું.
‘શિરીન, મને..મને તુંને કઈ કઈ વાત કહેવીછ.’ એ સાંભળતાંજ ફિરોઝ ફ્રેઝરે વિવેકને ખાતર, આય છેલ્લીજ વાર વિકાજી વોર્ડનને ફરી મળી તેઓ બન્નેને એખલાં છોડી બહાર ચાલી ગયો કે તે પિતા ફરી ધીમેથી બોલી પડયો. ‘શિરીન, મને..મને જે બરાપો થયા કરેછ તે કેરસી માટેનો છે. એ કયાં હશે ને શું કરતો હશે? ફકત આપણાં..આપણાં ખાનદાનની ઈજ્જતને ખાતર મેં મે એને ઘેરમાંથી બહાર કાઢયો.’ (વધુ આવતા અંકે)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024