‘તે બોલો સાંભળતાં શિરીન વોર્ડન બીજી વાર ચમક ઉઠી. આ છેલ્લી શાંત પલોમાં કેમજ કરી તેણી તે વ્હાલા બાપને જણાવી શકે કે તેમનો બેટો ચોર લુંટારૂં હોવાથી તેને પોતાના ખાનદાનની ઈજ્જતને દુબાડી હતી!
તેણી ધપકતાં જીગર સાથ મૂંગી બેસી જ રહી કે ફરી વિકાજી વોર્ડને જ હાંફતા દમે કહી સંભળાવ્યું.
‘ખુદા માલમ કે… કેરસી હાલમાં કયાં ભટકતો હશે. શિરીન એને..એને શોધવાની કોશિશ કરી તું એને મદદ કરજે.’
‘પપ્પા, મારા પપ્પા, એને માટે હું તમોને વચન આપુંછ.’
‘એને…એને જણાવજે કે તારા પપ્પાએ તુંને માફ કીધો હતો, ને..ને શિરીન, મારા બચ્ચાં સુખી રહેજે.’
તે હાંફી આવતો જીવ અંતે બોલતા બંધ પડી ગયો. તે નાતવાન માથું ઝુમઈ ગયું ને તે ગમગીની ભરી આંખો હમેશને માટે વિચાઈ ગઈ કે શિરીન વોર્ડને ભયની એક ચીસ પાડી દીધી.
‘પપ્પા…ઓ પપ્પા!’
અફસોસ, પોતાની આખી જિંદગીજ વાઘ માફક બરાડ મારતો તે જીવ અંતે મોતની ઘડીએ એક નાના પંખેડા મિશાલ તે ખોખામાંથી ઉડી જઈ, આ જગતની જંજાળોમાંથી મુક્તિ પામી અંતે પણ સદાની શાંતિમાં જઈ સુતો!
વિકાજી વોર્ડનનું ચાહરમ વિતતાં શિરીન વોર્ડન દુ:ખી જીગરે ફરી ‘ડરબી કાસલ’માં આવી પોતાની ડયુટી પર લાગી ગઈ.
અરે ખુદા, જે એક જીવ તેણીને આ દુનિયામાં ચાહતો હતો તેને પણ અંતે ગુમાવ્યાથી તે ગરીબ બાળાનું દીલજ જાણે તૂટી ગયું.
અફસોસ, તે કોણ આગળ હવે તેણી પોતાનું દુ:ખ રડી શકે?
એમ તો કાસલમાં સર્વેજ તેણીને વિવેકને ખાતર બે ચાર દિલાસાના બોલો કહી સંભળાવ્યા હતા ને પહેલીજ મુલાકાતમાં ઝરી જુહાકે તેણીને સધ્યારો આપી દીધો. ‘પોરી, એમ ગુજરેલાં પાછળ આંખ પાણી નહીં કર્યા કર્યેે, સમજી? તારા પિતા પેલી જહાનમાં સુખીજ હશે, ને મુવું આ દુનિયામાં ઘણો વખત જીવીનેબી શું કરવાનું છે?’
ને ત્યારે તે દુ:ખી બાળા રડયાજ કીધી.
રાતનાં પણ સુવા જવા આગમજશિરીન વોર્ડન પોતાનાં રૂમની ગેલેરી પર ઉભી ઉભી ઉપર આસમાન તરફ નીહાળી રહેતી, જાણે તે સુંદર ફરગેટમી નોટ જેવી આંખો પોતાના પિતાને ત્યાં શોધતી હોય તેમ આમતેમ ડોળા ખાતી માલમ પડતી ને પછી પોતાના બન્ને હાથોમાં માથું નાખી દઈ તેણી રડીને રૂદન કરી નાખતી.
‘ઓ પપ્પા…તમો તમારા બચ્ચાંને આ દુનિયાની તકલીદી માયા ને દયા પર છોડી અંતે પણ ચાલી ગયા, મારા પપ્પા.’
ખરૂં દુ:ખ તો તેણીને ત્યારેજ થઈ આવતું કે જ્યારે તેણી એમ વિલાપ કરતી ત્યારે તેણીનો વહાલો જવાન મોલી કામાની સાથ લવ કરતો જણાઈ આવતો ને ત્યારે તે નાજુક જીગર વધુ જ વિંધાઈ જતું.
ફકત હમણાં જો તેણીના દુ:ખના વખતમાં તે જવાન તેણીને પોતાનાં હાથોમાં પકડી, તેના પહોળા ખભા પર તેણીનું માથું ટેકવી શકતે, તો તેણીને મનથી પોતાનું અડધુ અડધ દુ:ખ નાબુદ થયેલું જણાઈ આવતે.
શિરીન વોર્ડન ફરી કાસલમાં આવ્યા પછી બીજે દિવસે સાંજનાજ પોતાના ભાઈ આગળ તે મંદિરની મુલાકાતે જઈ પૂગી.
તેણીને એમ પોકે પોકે રડતી જોઈ તે સંત પુરૂષે તેણીનું માથું પસવારી શીખામણનાં બે બોલ કહી સંભળાવ્યા.
‘મારી બેટી, મોત ઉપર વિલાપ કરવો એ મૂર્ખાઈ છે, કારણ આત્મા કદી મરણ પામતો નથી. ફકત આપણું ખાખી શરીર આપણે બદલ્યા કરીએ છીએ, જ્યારે આત્મા તો સદા અમર રહેશે ને તેથી જ હું કહું છું કે આતમનું સુખ તેજ ખરૂં અમર સુખ આ જગતમાં છે.’
(વધુ આવતા અંકે)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024