‘શું…શું તા..રો ભઈ હ..તો?’
‘હા ફિલ.’
ઉડ ઉડ થતાં હોથો સાથ થર થર ધ્રુજતી તેણીએ ફરી જવાબ આપ્યો કે તેજ ઘડીએ મોલી કામાએ પોતાનાં રૂમનું બારણું ખોલી તેનું નામ પુકાર્યુ કે તે જવાન પોતાની બેભાન જેવી હાલતમાંથી ફરી સાવધ બની ગયો.
તેણે ઝડપમાં બારણું ખોલી શિરીનને એક નરમ હડસેલા સાથ બહાર કાઢી કે મોલી કામાની આંખો તેણી પર પડતાં અદેખાઈની આગથી વિકરાળ બની ગઈ તેણી પોકારી ઉઠી.
‘શિરીન વોર્ડન, તું મારા ફિઆન્સેનાં બેડરૂમમાં આટલી મોડી રાતે શું કરતી હતી?’
તેનો તે કમનસીબ બાળા કશો જવાબ આપી શકીજ નહીં, પણ ફિરોઝ ફ્રેઝરે સમો સમાલીને તરત કહી સભળાવ્યું.
‘મંમાની તબિયત પાછી એકાએક બગડી આવવાથી શિરીન મને બોલાવા આવી હતી, મોલી’
એ સાંભળતાંજ મોલી કામાનો અરધો ગુસ્સો સમી ગયો. કારણ તેણીને ખબર હતી કે થોડા દિવસ આગમ એમજ તેવણની તબિયત રાતના વધુ બગડી આવવાથી તેવણે શિરીન વોર્ડનને પોતાના દીકરાને તેડાવી મંગાવા મોકલાવી હતી, પણ તે છતાં તેણીએ કરડાઈથી જણાવી નાખ્યું. ‘શિરીન વોર્ડન, હવે પછીથી જ્યારે પણ મંમાની તબિયત બગડી આવે તો મને ઉઠાડજે, હું ફિરોઝને ઈન્ફોર્મ કરશ.’ અને તેનાં જવાબમાં ફિરોઝ ફ્રેઝર સડસડાટ દાદર ઉતરી જઈ જાણે ખરેજ તે પોતાની માતા આગળ જઈ રહ્યો હોય તેમ દેખાડી દીધુું, કે મોલી કામાએ જોસથી પોતાનું બારણું બંધ કરી ફરી પોતાનાં પલંગ પર જઈ સુતી.
પેલી સબીની તકરાર પછી મોલી કામાએ કદીજ પોતાનાં ભવિષ્યનાં સાસુના રૂમમાં પગ મૂકયો નહીં હતો અને તે સાસુ-વહુ વચ્ચે કૂતરાં બીલાડાનું જ વેર જામી ગયું હતું.
તે રાત ખતમ થઈ સવારનું પહોર પણ ફાટી નીકળતાં ‘ડરબી કાસલ’ ફરી પોતાની રોજીંદી ફરજોમાં ગુંથાઈ ગયો.
મોલી કામા હમેશ કરતા જલ્દીજ ઉઠી કપડાં બદલી એક છેડાયેલા બાળક મીસાલ ફિરોઝ ફ્રેઝરની ઓફિસમાં જઈ પૂગી. પછી તેણીએ પોતાનું મોઢું ફુગાવતાં કહી સંભળાવ્યું.
‘ફિરોઝ, મને તારી કમ્પેનિયન જોઈતી નથી.’ ને ત્યારે તે જવાને અજાયબી પામતા પૂછી લીધું.
‘નથી જોઈતી એટલે?’
‘એટલે એમજ, કે મને એવી ડાકણને મારા કાસલમાં નથી રાખવી. તે દિવસે તુંને ફુસલાવીને મદ્રાસ લઈ ગઈ, ને એ કોણ આવીછ કે ગમે ત્યારે તારા રૂમમાં આવી શકે?’
એ સાંભળતાંજ તે જવાન પણ તપી ગયો.
પણ મોલી દરેક બાબદમાં તું જીદ કરે, ને તુંનેજ બધું ગમતું થાય એ કેમ બને? મંમાની તબિયતને લીધે હું કદી પણ શિરીનને મારા કાસલમાંથી કાઢી શકું નહીં.’
તે છેલ્લો વાકય મોલી કામાના કાનો પર પડતાંજ તેણી વાઘણ માફક વિકરાળ બની જઈ બોલી પડી.
‘તું જો એને રાખવા માંગતો હોય તો હું કદી પણ આંય કાસલમાં રહેવશ નહીં. તુંને બેમાંથી એકને સીલેકટ કરવી પડશે. તારી કમ્પેનિયન નહીં તો મને?’
બે પલ ફિરોઝ ફ્રેઝરે તેનો કશો જવાબ આપ્યો નહીં, પછી ડેસ્ક પર પોતાની પેન સાથ રમત કરતા તેને મજાકથી સંભળાવી દીધું.
‘તો પછી મોલી, હું મારી કમ્પેનિયનને સીલેકટ કરૂંછ.’
તે જવાન તરફનાં આવા બોલોની તો મોલી કામાએ કદી આશા રાખી હતીજ નહીં કે એક છેડાયેલાં બચ્ચા મીસાલ તેણીએ પોતાની ત્રીજી આંગળી પરથી વીંટી કાઢી તે ડેસ્ક ઉપર પટકી નાંખી.
‘ફિરોઝ ફ્રેઝર, તું જો તારી કમ્પેનિયન વધુ પસંદ કરતો હોય તો મને તારી સાથ પરણવુંજ નથી.’
ને એમ કહી તેણી ધસારાબંધ બહાર નીકળી પડી કે ફિરોઝ ફ્રેઝરે એક છુટકારાનો દમ ભરી લીધો.
(વધુ આવતા અંકે)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024