જમીનપર બેસીને જમવાના ફરમાન મુજબ જમવા અગાઉ જમવા બેસવાની જમીનને પહેલા બરાબર સાફ કરીને ઉપર સુતરાઉ સેતરંજી યા સાદરી સાથે ચાર બેવડી ઘડી કરી પાંથરી રાખવી તેમજ આશરે 1 ઈંચ ઉંચા ત્રણ નાના નવા ધોયેલા સાફ પથ્થરો (આશરે ત્રણ ઈંચ સમચોરસ) તેપર ભોનાનો ખુમચો મુકવો ત્યાં મૂકી રાખવા પછી પાદીયાવ કરી યાને હાથ મોઢું ચોખા પાણીથી ધોઈ નુછી નાખી પછી સરોશની ક્ષ્નુમનની કસ્તી કરવી. કાંઈબી બોલ્યા વગર મરદ કે ઓરતે પોતાનો જમણો હાથ ચોખ્ખા પાણીથી હાથના પહોચા સુધી ધોવો અને તેને કપડાંથી નુછયા વગર એમજ પોતાની મેળે સુકવવો. (એની મતલબ એ છે કે આપણા હાથના આંગળામાંથી ચાલુ અણદીઠ મેગ્નેટીક પ્રવાહ બહાર નીકળે છે તે પ્રવાહને હાથ ધોઈને નુછયા વગર સુકવ્યાથી પાણીમાં કાર્ય કરતી આદુ-ફ્રાદો નામની વિજળીક શક્તિ સતેજ થઈને આંગળાઓમાંથી નીકળતા મેગ્નેટીક પ્રવાહોને સ્વચ્છ કરીને જોશબંધ વહેતા કરી નાખે છે. તે બહાર નીકળતો અણદીઠ સ્વચ્છ મેગ્નેટીક પ્રવાહ જે જમવાની અવસ્તાની બાજના સ્તોતોથી ભરપુર હોય છે તે સ્તોતોની સાથે જમતી વખતે ખોરાકની સાથે હોજરીમાં દાખલ થઈ ખોરાકમાંના આપણા રૂહાની અંશોને મેળવી આપવામાં તેમજ ખોરાક હજમ કરવામાં બહુજ કીમતી મદદ આ નજીવી દેખાતી હાથ ધોઈને સુકવી નાખવાની તરીકત કરે છે. આવી રીતે જરથોસ્તી દએનની નાનામાં નાની અને નજીવી દેખાતી તરીકત રવાન-દરોસ્તીનો મહાલ બાંધવામાં કીમતી ફાળો આપે છે. પછી કલાઈ કીધેલા તાંબાના ખુમચામાં પકાવેલું ખવાય તેટલું ખાનું રોટલી વગેરે જે હોય તે મૂકી તૈયાર કરવું. સોના, રૂપા યા તાંબાની રકાબી (યા વાસણો) સીવાય બીજી કોઈબી જાતની ધાતુની રકાબીમાં ભોનુ ખાવા માટે વાપરવી ના રવા છે. બાજ ધર્યા પછી તેમજ ખાતી વખતે ઉઠવું પડે નહી તે માટે આગમચથી બધી ચીજ પહેલા તૈયાર રાખવી. ખાણાની ચીજો જોઈએ તે કરતા વધુ લઈને બગાડ નહીં થાય અને તે પકાવેલી ચીજ બારણે કે ગટરમાં ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું. હવે પેલા ત્રણ પથ્થરોને થોડા તફાવતે ગોઠવી મુકી તેનીપર જમવાનો ખુમચો પડી ન જાય તેમ સરખો ગોઠવવો. બાજ ધરવા આગમચ કુતરાને માટેનો બુક યાને પકાવેલું જરા જરા બધુ લઈને કુતરાને ખવડાવવા માટે જરૂર અલાહેદો કાઢવોજ જોઈએ. અને તે બધું હમેશા કુતરાનેજ ખવાડી દેવું જોઈએ. આવી રીતે પહેલો બુક કાઢીને ખવડાવવામાં મોટી ફીલસુફી સમાયેલી છે માટે તે બુક કાઢીને ખાઈ રહીને છેલ્લે જરૂર કુતરાને નાખવો. જો કુતરો નહીં હોય તો નાચારીએ બુક નહીં કાઢવો. પાણી પણ પીવાનું ખાણા સાથે જોઈએ તો તે તાંબાના કળસ્યામાં ભરી તૈયાર રાખવું. હવે ખાણાના ખુમચાની કીનારીને જમણા હાથની આંગળીઓ વડે પેવંદ કરી ખુમચાને આંગળી લગાડી હવે જમવાની બાજ ધરવી. હવે આંગળી ખસેડી મુંગે મોઢે કાંઈ પણ બોલ્યા વગર સંતોષથી અને તે કીરતાર તરફ ચાલુ આભારની લાગણી સહીત માત્ર જમણા જ હાથે ખાણું ખાવું. ડાબો હાથ ખાણાને લગાડવો નહી યાને રોટલી યા કાંઈ ખાવાનું ભાંગવુ મુકવું હોય તે અગાઉથી ફરી ખુમચામાં મૂકી રાખવું. હાથને જખમ હોય તોજ ચમચા વડે ખાવું. અને ખાતી વખતે ભલી નેઆમત કુદરતે બખ્શવા માટે મનમાં પોતાના ખુદાના શુક્ર ચાલુ ગુજાર્યા કરવા અને ભલી નેઆમત અને રવાન-દરોસ્તી કરવાની ભલી તોફીક આપણો ખુદા ચાલુ જીંદગીના છેડા સુધી કાયમ પુગાડતો રહે એવા વિચારો કર્યાજ કરવા. ઉશ્કેરાયેલા જીવે કદી ખાવા બેસવું નહીં પણ ખાતી વખતે મનની શાંતિ જાળવવી. હવે મુંગે મોઢે ખાણું ખાઈ રહ્યા પછી કોગળા કરી હાથ મોઢું ધોઈ નુછી નાંખવું. દાંતમાં કાંઈ ખોરાક ભરાઈ રહ્યો હોય તો કાતરણીથી સાફ કરવો. ત્યારબાદ જમવાની બાજ મુકવી. મુંગે મોઢે કસ્તી છોડવી પછી ક્ષ્નઓથ્ર અહુરહેમજદાઓ અષેમ1 ભણી હોરમજદ ખોદાએ આખી પઢી 2 યથા, 1 અષેમ, પઢતાં કસ્તી બાંધી અને
જસ મેં અવંઘડે મજદ! મજદયસ્તો અહ્મી આખી ભણી અટકવું. એટલે જમવાની બાજ પૂરી થઈ (કોઈબી ખાણું પીણુ ખાતી પીતી વખતે પહેલા સરોશની ક્ષ્નુમનની કસ્તી જરૂર કરી પછીજ જમવાની બાજ ઉપર મુજબ લેવાનો હુકમ છે.) બાજ ધરીને ખાવા માટે પવિત્ર જ ખોરાક પકાવેલો જોઈએ. ગોશ્ત, મચ્છી, ઈંડા વગેરે અપવિત્ર ખોરાક પર બાજ ધરીને કદી ખાવુું નહીં. તેમજ ખાણું હમદીનને હાથનું પકાવેલું હોવું જોઈએ અને રાંધેલા ખાનાને જુદ્દીનોનો હાથ પણ લાગવા દેવો જોઈએ નહીં. બાજ ધરીને એઠું કરીને ખાવું નહીં. બાજ ધર્યા પછી ખાણું વધે નહી તેથી પહેલેથી ખપજોગુ થોડું લેવુ. પછી બીજુ જોઈએ તો (જો કે તેમ લેવાનો હોકમ નથી) અગાઉથી આપણી નજદીક મુકી રાખવું અને તેમાંથી ચમચાએ કરી ખપજોગુ લેવું. કદાચ બાજ ધરેલું ખાણું વધે તો તે ન છુટકે કુતરાને ખવાડી દેવું યા પશુ-પક્ષીને ખવડાવવું પણ દુરવંદને તે કદી આપવું નહીં. ખોરાકની ચીજોને રસ્તેવાટે તેમજ ગટરમાં નાખવાનો મોટો ગુનાહ છે. છતાં આપણા લોકો લગન-નવજોત-જશન-ગંભાર ખાણા વખતે આવા ગંભીર ગુનાહો કરતા અટકતાં નથી એ બહુજ અફસોસકારક છે.
હવે જો પકાવેલું ખાણું પીણું ગોશ્ત, મચ્છી વગેરેનું હોય અને દુરવંદને હાથનું યા હમદીનને હાથનું પકાવેલું હોય તો ન છુટકે તે ખાવા પીવા અગાઉ હમેશા પાદીયાવ-કસ્તી કરી ઉપર જણાવ્યા પ્રમાણે બધી ખોરાક પાણીની તૈયારી કરી જમવા બેસી જમવાની બાજ બીલકુલ નહીં ધરતા માત્ર 5) યથા, 3) અષેમ ભણી મુંગે મોઢે કાંઈપણ બોલ્યા વગર ખાણું ખાવું અને ખાતી વખતે એવા વિચારો કરવા કે આ અપવિત્ર ખાણું (ગોસ્ત, મચ્છી, ઈંડા વગેરે) મારા કેસાસને (યાને કર્મોના ભોગવટાને) કાયદે જે મેં મેળવ્યું છે તે દીની કાયદા પ્રમાણે ખાવું ગુનાહ ભરેલું છે અને ભવિષ્યમાં ખુદાના હોકમથી મને સારા સંજોગથી પવિત્રજ ખાણું મળે કે જેથી કરી મારૂ ખોરેહ પવિત્ર રાખી મારા રવાનના ભાગોને ખોરાક મારફતે મારી તરફ ખેંચવા ખુદાની મહેરથી લાયક થાઉં. ખાણું ખાઈ રહ્યા પછી કોગલા કરી હાથ મોઢું ધોઈ લુછી માત્ર 3 અષેમ વોહૂ ભણવી. માત્ર યથા અષેમ ભણવાનો હોકમ છે. ખાલી પાણી પીતી વખતે પણ પહેલા 5 યથા 3 અષેમ ભણવી અને મુંગે મોઢે નમન કરી એઠું કરવા વગર ઉંચેથી પીવું અને પી રહ્યા પછી 3 અષેમ ભણવી અને પાણીની ભલી નેઆમતના શુકર કરવા.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024