એક દિવસ દોરાબજી ઘરે આવી એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન. કોઈને પણ ખબર ન પડવા દીધી અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું. પત્ર સ્વરૂપે.
દીકરો રૂસી અને વહુ પેરિનને રૂમમાં બોલાવીને આ પત્ર આપી દીધો. ઘરમાં દીકરો અને વહુ હતા ત્રીજી વ્યક્તી દીકરી તેહમી હતી અને રૂમમાંથી પોતે બહાર નીકળી ગયા.
પત્રમાં લખ્યું હતું કે મારી પાસે જે પણ કઈ મિલકત છે તે તમે તમારી મરજી મુજબ વહેંચી લેશો, અને થોડું ઘણું અમારા ઘડપણ માટે આરક્ષીત રાખજો. કેટલું રાખજો એ હું નથી કહેતો પણ અમારે પાછલી ઉમરમાં કોઈ પાસે હાથ નહી લંબાવવો પડે એ ધ્યાન રાખજો.
બાકીની તમામ મિલકત મળી સમજી ને વહેચી લેજો. તમે જે નિર્ણય લેશો તે મને માન્ય છે. દોરાબજી અને એમી બન્ને જણે મળીને આ નિર્ણય લીધો હતો અને હવે દોરાબજી અને પત્ની એમી બહાર બેસી સંતાનોના નિર્ણયની રાહ જોતા બેસી રહ્યા. એમીને એટલું જ બોલ્યા કે મને મારા બાળકો પ્રત્યે તેમના ઉછેર અને મેં આપેલા સંસ્કાર પર ભરોસો છે, જોઈએ તારા સંસ્કાર શું કહે છે?
આ બાજુ ત્રણ જણ પત્ર વાંચી દિગ્મૂઢ થઇ ગયા. પેરિન અને તેહમીએ જે વિચાર્યું તે આશ્ચર્ય જનક હતું. પેરિન જે ઘરની વહુ હતી તેણે તેના પતિ ને કહ્યું, તમે જે નિર્ણય લેશો તે હું માથે ચઢાવીશ. તમારી પત્ની છું તમે જે નકકી કરશો તે મને માન્ય રહેશે. પેરિન નવસારીમાં રહેતી મધ્યમવર્ગના કુટુંબની દીકરી હતી. લગ્ન પછી તેણે તેના સાસુ સસરાને માબાપ તરીકે જ સંભાળ્યા હતા. સ્વભાવમાં તે સમજદાર હતી તેમજ દીકરો રૂસી પણ કુટુંબ અને જવાબદારી સમજતો હતો. તેના પિતાએ તેને ભણવાથી તે નોકરી સુધી બધીજ ફરજ એક પીતા તરીકે નીભાવી હતી. અને રૂસી પણ નમાનો દીકરો હતો. તેવી જરી તે તેમની દીકરી તેહમી જે હજુ 25 વરસની જ હતી. એના માટે મુરતીયો જોવાઈ રહ્યો હતો. પણ તેની અંદર પણ સંસ્કારો કૂટી કૂટીને ભરેલા હતા તેના માતા-પિતાએ તેની પણ બધીજ ફરજ પૂરી કરી હતી. તેહમીએ તેના ભાઈને કહ્યું, ‘ભાઈ આપણે બંને માતા-પિતાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ તું જે નિર્ણય લઇશ તે યોગ્ય જ હશે અને મને પણ માન્ય જ રહેશેે.
દિકરો, વહુ અને બહેન વહાલથી એકબીજાને ભેટી પડયા. ત્રણેયની આંખમાં ચમક આવી એક અજબ વિશ્ર્વાસથી. તેઓ ત્રણે બહાર આવ્યા.
માતા પિતાની સામે ઉભા રહ્યા. રૂસીએ પેરિનને કહ્યું, જા રસોડામાં આજે સેવ બનાવજે. હું આજે મને મળનાર મિલકતથી ખૂબ ખુશ છું અને પેરિન રસોડામાં ચાલી ગઈ. દીકરાના વેણ સાંભળી માતાપિતાના ચહેરા પર ન સમજાઈ એવી રેખા ઉપસી આવી.
પુત્ર અને બહેન માતા પિતા પાસે આવ્યા અને એમની આંખોમાં આંખ પરોવી દીધી પત્ની રસોડામાંથી પતિનો નિર્ણય સાંભળવા આતુર બની અને ભાઈ બહેન માતા પિતાને પગે પડ્યા. અને ચારેયની આંખમાં ચોમાસું
બેસી ગયું.
દીકરો ભાવુક હૃદયે બોલ્યો, ‘પપ્પા, આ સ્થૂળ મિલકત બધી જે છે તે તો સમય જતા ખૂટી જશે. પણ મારી સાચી મિલકત જે અમૂલ્ય છે જે કદી પણ ખૂટવાની નથી એ મિલકત છે તમે મારા માતા પિતા. રૂસીએ એમીને ગળે લગાડતા કહ્યું તમને તમારા સંસ્કાર પર ભરોસો નથી? તેહમી તેના પિતાના પાસામાં ભરાઈ ગઈ અને તેણે પપ્પાને કહ્યું, ‘તમને તમારા ભરોસા પર વિશ્ર્વાસ નથી?’ અમને તો કાંઈ જોઈતું નથી. અમને તો અમારા મા-બાપ જ જોઈએ છે. એ જ અમારી ધરોહર છે. અમારી સાચી મિલકત છે અમારા મા-બાપ.
આ સાંભળી માનું હદય ખુશીથી છલકાઈ ગયું અને એમણે મીઠા ઠપકાના સૂરમાં પતિને કહ્યું, મેં કીધું હતું ને કે મને મારા સંસ્કાર પર પૂરો ભરોસો છે. દોરાબજી રડવાનું રોકી ન શક્યા. દૂર ઉભેલી પેરિન પણ પતિના નિર્ણયને આવકારીને હર્ષના આંસુ વહાવી દીધા. અને દોરાબજીએ કહ્યું, ‘અરે વહુ બેટા આજે તો ખરેખર સગનની સેવ રાંધો મોઢું તો મીઠું થવું જ જોઈએ.’ આજે દોરાબજીને પોતાના દીકરા અને દીકરી પર ગર્વ થયો હતો તથા તેની દીકરી જેવી વહુ માટે પણ આદર ઉપજ્યો હતો.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024