તેણે માની લીધું કે નીચે ઉતરવાની કલ કયાંક પણ તેના હાથની નજદીકમાં જ હોવી જોઈએ.
તેણે ઘોડાના માથા પર અને તેની ગરદન પર કલ શોધવા ધીમે ધીમે હાથ ફેરવવા માંડયો. હવે જો ઘોડો નીચે ન ઉતરે તો તે કેવા ભયમાં હતો એ રાજકુમાર ચેતી ગયો હતો. પણ તેણે પોતાનું મગજ ઠંડુ રાખ્યું. તેણે ધીરજથી ઘોડા પર બધે બધ બીજી કલની બારીક તપાસ કરવા માંડી.
આખર ખૂબ શોધ કરતા, તેને એક નાનીશી કલ ઘોડાના જમણા કાન આગળ સાપડી. તે કલ પર તેના હાથના આંગળા પડતાંજ તેની ખુશાલીનો પાર ન રહ્યો! તે મરતો બચ્યો હોય એવું તેને લાગ્યું! તેણે તે કલને ફેરવી કે તુરત તે કરામતી ઘોડો નીચે ઉતરવા લાગ્યો!! ધીમે ધીમે તે ઘોડો પૃથ્વી તરફ પાછો વળવા માંડયો.
રાજકુંવર ફિરોઝશાહ જ્યારે જમીન તરફ આવ્યો તે વખતે મધરાત થવા આવી હતી. તે ઘોડો ઉપરથી નીચે ઉતર્યો હતો. ઘોડો થોભતાંજ તે ઝટ ઘોડા ઉપરથી નીચે જમીનપર કૂદી પડયો. અને પછી તે કયાં આવી પહોંચ્યો છે તેની તેણે બારીક તપાસ કરવા માંડી.
તેની ઘણી અજાયબી વચ્ચે તેણે જોયું કે તે તો કોઈ રાજમહેલ સરખા દેખાતા મકાનની અગાસી પર ઉતર્યો હતો!
તેણે અગાસી પર બધે ફરી વળી જોયું તો ત્યાં એક દરવાજો ઉઘાડો દેખાયો. ત્યાં તેણે એક દાદર જોયો. તે ધીમે ધીમે તે દાદર પરથી નીચે ઉતર્યો. નીચે આવતાં તેણે એક મોટો ઓરડો જોયો. તેનું બારણું ઉઘાડું હતુ અને તેમાં એક બત્તી બળતી હતી.
તે ઓરડામાં તેણે અવાજ કર્યા વગર નજર કરી. ત્યાં એક બીછાના પર એક જવાન ખૂબસુરત સ્ત્રી સુતેલી હતી. અને તેની આસપાસ, જમીન પર બીજી કેટલીક સ્ત્રીઓ સુતી હતી.
શાહજાદો પોતે રાજકુમાર હોવાથી તે મકાન, તેના ઓરડા, ત્યાંનો ઠાઠમાઠ સર્વ જોઈ, તુરત સમજી ગયો કે તે કોઈ રાજમહેલ પર આવી ઉતર્યો હતો. અને જે ઓરડા પાસે તે ઉભો હતો તે ઓરડો, રાજકુંવરીનો હતો. પલંગ પર સુતેલી સ્ત્રી રાજકુંવરીજ હોવી જોઈએ એમ તે ઈરાનના શાહજાદાએ અટકળ કરી. તેની આસપાસ જમીન પર સુતેલી સૌ સ્ત્રીઓ તેની દાસી હતી, એમ તે શાહજાદાએ માની લીધું.
વળી બહારના ભાગમાં નાગી તલવાર સાથે હબસીઓ સુતેલા તેથી, તેણે એમ પણ માની લીધું કે એ સર્વે તે રાજમહેલમાં રહેલી શાહજાદીના ચોકીદાર હતા. આમ આ હોશિયાર રાજકુંવરે બારીક અવલોકન કરી, બધી અટકળો બાંધી.
ખરેખર તેમજ હતું. શાહજાદા ફીરોઝશાહની અટકળો સર્વે ખરી હતી. તે તેના કરામતી ઘોડા સાથે બંગાલના રાજાની કુંવરીના મહેલ પર ઉતર્યો હતો!
શાહજાદો ધીમે ધીમે પોતાના અંગુઠા ઉપર જરાય અવાજ કર્યા વગર ચાલવા લાગ્યો અને અંદરના ઓરડા તરફ ગયો. છેક રાજકુંવરીના પલંગ સુધી તે રાજકુંવરીની ખુબસુરતી જોઈ છકક થઈ ગયો! ત્યાં ને ત્યાંજ તેજ વખતે ઈરાનનો શાહજાદો ફીરોઝશાહ બંગાલની તે અતિ સુંદર શાહજાદીના પ્રેમમાં પડયો. તે ગોઠણભેર બેઠો અને રાજકુંવરીનો હાથ ધીમે રહી પોતાના હાથમાં લીધો.
(વધુ આવતા અંકે)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024