હવે શાહજાદી જાગી ઉઠી. તેણે આંખો ઉઘાડી જોયું તો તેની મોટી અજાયબી વચ્ચે તેણે એક સુંદર ચહેરાના યુવકને, ભપકભર્યા પોષાકમાં પોતાના પલંગ આગળ બેટેલો દીઠો! તે તો થોડીવાર સુધી તેની સામે ટગર ટગર જોઈ રહી. રાજકુંવરી મનમાં વિચાર કરવા લાગી, કે તે સ્વપ્નુ જુએ છે કે ખરેખર કોઈ માણસને જુએ છે? તે જરાય ગભરાયેલી દેખાઈ નહીં.
શાહજાદાએ જોયું કે રાજકુમારી જાગી છે. એટલે તેણે નમન કર્યુ અને પછી બહુજ વિવેકથી ધીમે સાદે બોલ્યો, ‘મહાન ખુબસુરત બાનુ! હું ઈરાનના બાદશાહનો નબીરો છું. આજ સવારે મારા પિતા સાથે હતો. તેમનો જન્મ દિવસ અમે સૌ આનંદે ઉજવતા હતા ત્યારે એક એવો અજાયબ બનાવ બન્યો કે જેથી હું અચાનક એક પરાયા અજાણા મુલકમાં આવી ચઢયો છું. મારી જીંદગી તેથી ભયમાં છે. માટે ઓ પરીસુરત, નામવર બાનુ! હું આપની પાસે મારૂં રક્ષણ માગું છું.’
હવે રાજકુંવરી મીઠા ધીમા સ્વરે બોલી. તેના શબ્દો શાહજાદાના કાનપર પડયા. ‘બહાદુર જવાન! આપ જો કે પરાયા મુલકમાં આવ્યા છો, તો પણ તે મુલક જંગલી લોકોથી વસેલો નથી. માટે તમારે કશી ધાસ્તી રાખવાની નથી. જેવા આપના દેશના લોકો ભલા અને માયાળુ છે. તેવાજ અમે બંગાલના લોકો છીએ. હું બંગાલના રાજાની કુવરી છું. આ મારો રાજમહેલ છે. અહીં કે મારા પિતાશ્રીના રાજ્યની કોઈબી હદમાં ઓ નામવર શાહજાદા! આપ બીલકુલ સલામત છો. હું આપની વાતથી બહું અજબ થઈ છું કે ઈરાન સરખા આટલા બધા દૂર દેશથી આપ એકજ દિવસમાં અહીં કેમ આવી શકયા? હું એ બીના જાણવા બહુ આતુર છું. મને તેની કશી સમજ પડતી નથી.
‘પણ રાજકુમાર! જરા થોભો. તમે થાકેલા અને લાંબી મંગલની મુસાફરીથી કંટાળેલા પણ હશો. સવાર પડતાં હું આપની હકીકત જાણીશ. અત્યારે તો મારી દાસીઓને જગાડી, હું આપના આરામ માટે બંદોબસ્ત કરાવું છું. આપને તેઓ જુદો ઓરડો કાઢી આપશે. ત્યાં આપ જરા નાસ્તો કરી, આરામ લેશો. હું પછી સવારે આપની સર્વે હકીકત સાંભળીશ.’
ઈરાનના શાહજાદાને જાણે કોઈ પરીએ નવું જીવનદાન આપ્યું હોય તેવો અજબ આનંદ થયો. તે રાજકુંવરીને નમન કરી ઉઠી ઉભો થયો.
(વધુ આવતા અંકે)
- CNMS Issues Commemorative Postal Stamp Honouring Ratan Tata - 28 December2024
- Humata, Hukhta, Hvrashta - 28 December2024
- એક ટૂંકી વાર્તા - 21 December2024