શાહજાદો અને ઘોડો બન્ને ગુમ!

આ બાદશાહનો જન્મ દિવસ શાહજાદા ફિરોઝ શાહના ગુમ થવાની ગમગીનીથી શાંત થઈ ગયો હતો. આખી દરબાર દિલગીર ચહેરે દેખાતી હતી. બાદશાહની આંખો ભીની હતી. તેમની દીલગીરીનો પાર ન હતો. તેમનો એકનો એક દીકરો, ગાદીવારસ શાહજાદો આમ એકાએક ગુમ થવાથી પાદશાહને મનમાં બહુજ દુ:ખ થતું હતું.

કરામતી ઘોડો અને તેની ઉપરનો સવાર થનાર રાજકુમાર બન્ને આકાશમાં ગુમ થઈ ગયા હતા.

તેઓ કયાં ગયા? તેમનું શું થયું? શાહજાદાનું શું થયું હશે?

બાદશાહની બેગમ પોતાના વહાલા એકના એક બેટાના ગુમ થવાથી અને શાહજાદી પોતાના એકના એક ભાઈનો પત્તો નહીં લાગવાથી બેજાર આંસુએ રડતી હતી. આખો રાજમહેલ ગમગીનીમાં ગિરફતાર થઈ ગયો હતો. બાદશાહના દુ:ખનો પાર ન હતો. પણ તેણે એકલાએ પોતાનું અસહય દુ:ખ મજબૂત મને દાબી રાખ્યું હતું. તેણે ખુદાની શાંતિથી બંદગી કરી કે, જયાંબી મારો બેટો હોય ત્યાં તે સલામત અને સુખી રહે.

દિવસો વહી ગયા પણ શાહજાદાનો કંઈજ પત્તો લાગ્યો નહીં. શાહજાદાનાં માતાપિતા તથા બહેનને તો ખાવુંએ ભાવે નહીં. તેઓ બધાં અફસોસમાં દિવસો ગાળતા હતા. બાદશાહે સર્વે મોજમજાહ ત્યજી દીધી હતી. દરબારમાં જવાનું પણ છોડી દીધું હતું. ઉદાસ ચહેરે રોજ મહેલમાંજ તેઓ બેસી રહેતા હતા. તેઓ વારંવાર દિવસ ને રાત આકાશ ગમ જોતા કે પેલો ઘોડો પાછો દેખાય. પણ ઘોડો કે રાજકુંવર બેમાંથી એકેનો પત્તો લાગ્યો નહીં.

શાહજાદો આખા રાજ્યમાં બધી પ્રજાનો પ્યારો હતો તેથી તેના ગુમ થવાથી ઈરાન દેશની પ્રજા પણ ઘણી દિલગીરીમાં રહેતી હતી. રોજ રોજ લોકો શાહજાદાની વાતો કરતા હતા.

હવે આપણે શાહજાદાનું શું થયું

તે જોઈએ

શાહજાદો તો પેલા કરામતી ઘોડા ઉપર ઉડયો તે ઝપાટાબંધ ઉંચે આકાશમાં ચઢયોજ ગયો! એક કલાકના અરસામાં તો તે એટલો બધો ઉંચે જઈ પહોંચ્યો કે પૃથ્વી ઉપર પર્વતો અને ખીણો બન્ને એક થઈ ગયલાં દેખાયા! હવે રાજકુંવરના મનમાં થયું કે નીચે કેમ ઉતરૂં.

એણે ધાર્યુ કે જે કલથી તે ઉપર ઉડયો હતો તે કલને ઉલટી ફેરવ્યાથી તે નીચે ઉતરશે અને લગામને ઈશારે મન ચહાય ત્યાં ઘોડો લઈ જશે. તેથી તેણે કલને ઉલટી ફેરવી. પણ કંઈજ વળ્યું નહીં. તેણે કલને આમ તેમ ઘણી ફેરવી જોઈ પણ તે તો ઉંચે ને ઉંચે ઉડતો જ રહ્યો!

હવે તેને ભાન આવ્યું કે ઘોડા ઉપર ઉડવાની હોંસમાં ને હોંસમાં તે ચઢવાની કલ દાબી ઉડયો હતો પણ ઉતરવાની કલ કયાં આવી અને તે કેમ ફેરવવી તે પૂછવાનું તે ઉતાવળમાં ભુલી ગયો હતો!

તે વિચારમાં પડયો, હવે શું કરવું? તે ઉંચે ઉડયો જતો હતો તેથી કંઈક ગભરાયો પણ ખરો. પણ તેણે આવા વખતમાં પોતાની શુધ્ધ ઠેકાણે રાખી. તેણે ઘોડા ઉપર અહીં તહીં બધે હાથ ફેરવી, બીજી કોઈ કલ શોધવા માંડી. તેણે માની લીધું કે નીચે ઉતરવાની કલ કયાક તેના હાથની નજદીકમાં હોવી જોઈએ.

વધુ આવતા અંકે

Leave a Reply

*