દસ્તુરજી કુકાદારૂ સાહેબના જન્મદિવસના પ્રસંગે તેમના દ્વારા થયેલા કાર્યોની અદભુત ઝલક

એમના જીવન દરમ્યાન તેમણે ઘણાજ ચમત્કારો કરેલા હતા. એમનો જન્મ 26મી મે 1831માં જમીઆદ રોજ અને આવાં મહિનાના દિને સુરતમાં થયો હતો. તેઓ ભારપૂર્વક પ્રાર્થનામાં રહેલી શક્તિમાં માનતા હતા. તેઓ એકદમ સાદુ જીવન જીવતા હતા. તેઓ પોતાનું જમવાનું પોતેજ રાંધતા હતા. તેઓ ખીચડી સુર્યના તાપ તથા મંત્રોશક્તિથી બનાવતા હતા. તેઓ એક સન્યાસીનું જીવન જીવતા હતા. તેઓ એક જ્યોતિષ પણ હતા. તેમણે દસ્તુર પેશોતન સંજાણા, સર દિનશા પીટીટ અને રાણી વિકટોરિયાના મૃત્યુના દિવસની આગાહી કરેલી જે સાચી પડી હતી. દસ્તુરજી કુકાદારૂ સાહેબના આધ્યાત્મિક શક્તિના ચમત્કાર માટે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે. ચીરાબજારમાંથી એક દિવસ લગ્નની જાન પસાર થઈ રહી હતી તે સમયે કુકાદારૂ સાહેબે ત્યાંના લોકોને જણાવ્યું કે તમે લોકો એક કલાક માટે થોભી જાઓ. પરંતુ તેમની વાત કોઈએ માની નહીં અને લગ્ન કરનાર યુવાનનું  એકિસડન્ટ થતા ત્યાંજ મૃત્યુ થયું હતું. તેવી જ રીતે એક  દિવસ મુસ્લિમ સંત કપ્પાવાલા અગિયારીના ગેટ પાસે કુકાદારૂ સાહેબના આધ્યાત્મિક ચમત્કારોને ચકાસવા કુકાદારૂ સાહેબ સાથે વાતચીત કરતા તેમણે દસ્તુરજી સાહેબને જણાવ્યું કે કુવાનું પાણી જેની સપાટી નીચે ગઈ છે તેને ઉપર લાવીને દેખાડો. ત્યારે કુકાદારૂ સાહેબે જણાવ્યું કે કુવાનુ પાણી સપાટી પર આવ્યું અને નકામુ વહી ગયુ તો તે પાપ તમારા માથે ચઢશે. કુકાદારૂ સાહેબે પાદયાબ કસ્તી કરી ભણવાનું શરૂ કર્યુ અને પાણી સપાટીથી ઉપર આવવા લાગ્યું તે જોઈ પીર સાહેબે કુકાદારૂ સાહેબને થોભવા વિનંતી કરી અને પાણી પાછું નીચે જતું રહ્યું આ જોઈ પીર સાહેબ દસ્તુરજી સાહેબની સ્તુતિમાં ગીત ગાવા લાગ્યા. અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી મરહુમ દસ્તુરજી જામાસ્પીએ દસ્તુરજી સાહેબને ધોબીતલાવના અંજુમન આતશ બહેરામને રીપેરીંગ કામ માટે પૈસાની થોડી મદદ માંગી કુકાદારૂ સાહેબ પાસે કોઈ ભૌતિક સંપત્તિ નહોતી. એમણે વડા દસ્તુરજીને જણાવ્યું કે મારા નામ સામે તમને જેટલી રકમ ખૂટતી હોય તેટલી રકમ ભરી દેજો. વડા દસ્તુરજીને આશ્ર્ચર્ય થયું તેમણે કુકાદારૂ સાહેબના નામ સામે ખૂટતી રકમ 10,000/- લખી દીધા. કુકાદારૂ સાહેબે તેમને બીજા દિવસે આવવા કહ્યું અને તેઓ અહુરા મઝદાની બંદગી કરવા લાગ્યા. બીજે દિવસે જ્યારે દસ્તુરજી જામસ્પી આવ્યા ત્યારે તેમને બાજુના રૂમમાં જવા કીધું ત્યાં વડા દસ્તુરજીને સોનાની લંગડી મળી આવી અને જે વેચતા તેની કિંમત 10,000/- જેટલી જ ઉપજી હતી.  કુકાદારૂ સાહેબે તેમના અશોઈ અને માથ્રવાણીની શક્તિથી અસંખ્ય બીમાર અને પીડાતા લોકોને સારા કર્યા હતા. જહાંગીર કરકરીયા જે ભરડા ન્યુ હાઈસ્કુલમાં શિક્ષક હતા. જ્યારે તેઓ ત્રણ વરસના હતા ત્યારે તેમને કમળો થયો હતો ડોકટરોએ આશા છોડી દીધી હતી પરંતુ તેમના બપઈજી તેમને કુકાદારૂ સાહેબ પાસે અગિયારીમાં લઈ ગયા હતા. કુકાદારૂ સાહેબે તેમને એક જગ્યાએ બેસાડયા અને તે વૃધ્ધાને બાળકને ખોળામાં લેવા કહ્યું અને કુકાદારૂ સાહેબ ભણવા બેઠા તેમણે એક પિત્તળના પ્યાલામાં કુવામાંથી કાઢેલું પાણી વચમાં મૂકયુ અને ભણવાનું શરૂ કર્યુ તે પ્યાલાનું પાણી ધીરે ધીરે પીળુ થવા માંડયું હતુ અને તે બાળક સાજુ થઈ ગયું હતું. તે બાળક મોટું થઈ શિક્ષક બન્યા હતા. અને યોગ્ય વૃધ્ધા અવસ્થામાં મૃત્યુ પામ્યા હતા. કુકાદારૂ સાહેબ જ્યારે પણ લગ્ન કે નવજોતમાં હાજરી આપતા ત્યારે આખા સમારોહના લોકો તેમને માન આપવા ઉભા થઈ જતા હતા. 4થી ઓકટોબર 1900ના રોજ 70 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા હતા. ઘણા લોકો આજે પણ દર્દ મટાડનાર તરીકે તેમના આશીર્વાદ પામી રહ્યા છે.

Leave a Reply

*