કાસની રાણી સોદાબે

એમ કૌસને બંદીખાને નાખી હમાવરાનના રાજાએ પોતાની બેટી સોદાબેને પોતાના મહેલમાં પાછી બોલાવી. પણ તેણીએ પોતાના ખાવિંદને પકડાયલો જોઈ શોરબકોર કીધો અને ફીટકાર નાખવા લાગી કે ‘તમો લોકોમાં હિમ્મત હતી તો તેને લડાઈમાં શું કરવા પકડયો નહીં?’ એમ વિશ્ર્વાસઘાત કરવા માટે તેણીએ પોકર કર્યો અને પોતાના ખાવિંદ માટે રડવા લાગી અને કહ્યું કે ‘હું મારા કૌસથી  કદી છૂટી પડીશ નહી. જો તમે તેને જમીનમાં દાટશો, તો ત્યાંથી પણ છૂટી પડીશ નહીં. જ્યારે કૌસના હાથમાં તમોએ બેડી નાખી છે ત્યારે મને બી ગુનેગાર માની મારી નાખવી.’ જ્યારે આ શબ્દોની રાજાને ખબર પડી, ત્યારે તેણે સોદાબેને પણ કૌસ સાથે પહાડ પર બંદીખાને નાખી.

હવે ઈરાનનું તખ્ત પાદશાહ વિનાનું થયું. તેનો લાભ લઈ અફ્રસીઆબે ઈરાન પર હુમલો કીધો. ઈરાની સરદારોએ આ સઘળી માઠી ખબર રૂસ્તમને જાબુલસ્તાનમાં પહોંચાડી. રૂસ્તમ કૌસને છોડવવા પાછો નીકળ્યો. તેણે પહેલે કૌસને દિલાસોનો પેગામ કહેવાડયો કે ‘તું ફકીર ના કર, હું તુંને છોડાવવાને આવું છુ.ં’ પછી હમરાવરાનના પાદશાહને પેગામ મોકલ્યો કે ‘એમ દગલબાજી કરવી સારી નથી. માટે કૌસને છોડી દે નહીં તો હું ચઢાઈ લાવીશ.’ હમરાવરાનના રાજાએ પોતાના પડોશના બે મુલકો, બરબરીસ્તાન (બારબરી) અને મીસર (ઈજીપ્ત)ના પાદશાહોની મદદ માગી. પણ છેવટે તે રૂસ્તમને હાથે હાર્યો અને રૂસ્તમે, કૌસને સોદાબેને અને બીજા ઈરાની સરદારોને કેદમાંથી છોડવ્યા.

કૌસ આ બે મુશ્કેલીઓમાંથી છુટવા પછી પણ ધરાયો નહીં. તેણે અવારનવાર બેહુદા કામો કર્યા કીધા અને તેમાં ખતા ખાધી ત્યાર પછી તે એક બીજી રાણી સાથે પરણ્યો અને તેણીને પરણવાની તેની રીત પણ તેની એવીજ બેહુદી ચાલ દેખાડે છે. જ્યારે એક ખુબસુરત બાયડીના હાથ માટે બે જણા તેની પાસે ઈન્સાફ માગવા આવ્યા, ત્યારે તે પોતે તે બાયડી સાથે પરણી નીકળ્યો એ બાબે ફીરદોસી નીચલી હકીકત કહે છે:

એક દહાડે શાહજાદો તુસ, ગેવ, ગોદરેજ અને બીજા પહેલવાનો શિકારે ગયા. શીકાર કરતાં કરતાં તુસ અને ગેવ એક જંગલમાં આવી પહોંતા કે જંગલમાં તેઓએ એક અત્યંત ખુબસુરત નારને જોઈ. તેણી સરવના ઝાડ જેવી સીધી અને માહતાબ જેવી સુંદર હતી. તુસે તેણીને તે જંગલમાં એકલી આવવાનો સબબ પૂછયો. તેણીએ કહ્યું કે ‘હું ફરીદુનના ખાનદાનથી ઉતરી આવેલી છું, અને કરસેવઝના સગપણમાં છું. મારો બાપ અહીં સરદાર છે. ગઈ રાતે તે શાદીની એક મિજલસમાંથી શરાબમાં તદ્દન ચકચુર થઈને ઘેર આવ્યો અને દૂરથી જોઈ શરાબની તે ચકચુરીમાં મને તલવારથી કાપી નાખવા આવ્યો. હું નાઠી. મારી સાથે જરજવાહેર હતા તે માર્ગમાં મારાજ રખેવાળોએ લૂટી લીધા છે. મારો ઘોડો તદ્દન થાકી જવાથી હું પાઉપેઆદી અંતરે આવી છું. મારા બાપની ખુકારી ઉતરશે ત્યારે તે મને શોધવા આવશે. અને મારી મા પણ મને ખોરવા આવશે.

(ક્રમશ)

Leave a Reply

*