ત્રણે શાહજાદાઓએ સુલતાનની દલીલ સાંભળી લીધી. તેમને પણ લાગ્યું કે આહમદે શાહજાદીનો જાન બચાવ્યો કરો, પણ અલિની દૂરબીન વગર તે તેની માંદીગીની વાત જાણી જ કેમ શકતે? અને વાત જાણી, દવા પાસે છતાં શાહજાદી બહુ દૂર હોવાથી હુસેનના ગાલીચા વગર આંખના પલકારામાં શાહજાદીને બચાવવા આવી પણ કેમ શકાત? તેથી તેઓ ત્રણેએ બીજી પરીક્ષા આપવા કબૂલ કર્યુ.
સુલતાને કહ્યું કે આ તીર કામઠાં લઈ જાઓ. તમારા ત્રણેમાંથી જેનું તીર સૌથી વધારે છેટું જશે તેને શાહજાદી સાથે પરણાવીશ.
ત્યાંથી ઉઠી સૌ તુરત સુલતાન સાથે જંગલમાં ગયા. ત્યાં હુસેન જે સૌથી મોટો હતો તેણે પહેલાં ધનુષની દોરી ખેંચી બાણ છોડયું. તે પછી અલિએ બાણ ફેંકયુ અને તે પછી આહમદે તીર ચલાવ્યું.
જ્યારે સૌ તપાસ કરવા ગયા કે કોનું બાણ બહુ દૂર ગયું છે, ત્યારે બધાની અજાયબી વચ્ચે જણાયું કે આહમદનું બાણ તો ખોવાઈ ગયું હતું. તે કયાંય કોઈને જડયું નહીં. હુસેનની નિશાની કરેલું બાણ આગળ પડેલું હતું અને તેનાથી છેટે અલિનું તીર ઓળખવામાં આવ્યું પછી ફરી બહુ તપાસ કર્યા છતાં, આહમદનું તીર કોઈના પણ હાથ લાગ્યું નહીં.
આ જોઈ આહમદ તો બહુજ વિચારમાં પડી ગયો. હુસેનનું મો સાવ ઉતરી ગયું હતું. તેણે હાર ખાધી હતી. તેથી સુલતાને અલિને શાહજાદી સાથે પરણાવ્યો.
હુસેનની દિલગીરી અને નાસીપાસીનો પાર ન હતો. તેની સર્વે ઉમેદો નાશ પામી હતી. તેથી દુ:ખના આવેશમાં તેણે રાજગાદી પરનો હક જતો કર્યો, રાજકુમારનો વેષ તજ્યો અને એક ફકીર બની ખુદાની બંદગીમાં દહાડા કાઢવા રાજધાની, રાજ દરબાર વિગેરે સર્વે છોડી, તે જંગલમાં ચાલી ગયો.
શાહજાદો આહમદ પણ બહુ જ દિલગીર થયો હતો. તે ઘણો નાસીપાસ થઈ ગયો હતો પણ તેને સંસાર છોડવો ગમ્યો નહીં. તે તો પોતાનું તીર શોધી કાઢવા યત્ન કરવા મંડયો.
તે જ્યાંથી બાણ છોડવામાં આવ્યું હતું તે જગાએથી સીધો જમણે ડાબે જોતો જોતો ચાલ્યો. ઘણે દૂર જઈ પહોંચ્યો ત્યારે, એક ટેકરી ઉપર તે ચઢયો. ત્યાં તેની ભારે અજાયબી વચ્ચે એક ખાંચામાં પોતાનુંજ તીર પડેલું જોયું! આટલે દૂર અને તેબી આટલે ઉંચે આમ તેનું તીર કેમ આવી શકયું હશે તેના વિચારમાં ને વિચારમાં તે ઘડીકમાં તીર તરફ જોતો, અને ઘડીકમાં તે પેલી જગ્યા તરફ જોતો ત્યાંજ ઉભો રહ્યો.
તેને તીર ઉપર ઘણો ગુસ્સો ચઢયો. એ તીરે તેના હાથમાંથી શાહજાદી જવા દીધી હતી. પણ એનું તીર ત્યાં કોણ લઈ આવ્યું એજ વિચારે તેનું મગજ ઘેરી નાખ્યુ હતું. પવન પણ કદી આટલે દૂર લાવે નહીં અને કોઈ માણસ ઉપાડી જાય તોય તે આટલે દૂર થોડીવારમાં જઈ શકે નહીં. આહમદ તો બહુ મુંઝાયો. પછી તે ત્યાં બેઠો. ઘણા ઉંડા વિચારમાં પડી જઈ, તે અડધો બે ફામ જેવો બની ગયો!
આવી બેફામીમાંથી તે જાગ્યો. પછી આમતેમ રખડતા તેણે ઘણાં ખાંચાઓ તે પહાડ પર જોયા. તેમાં એક ખાચામાં તો લોખંડના દરવાજા જેવું તેને દેખાયું!
આહમદ તે દરવાજા પાસે ગયો અને તેને હડસેલ્યો તો તે ઉઘડી ગયો! તે અંદર દાખલ થયો.
તે જાણે કોઈ નીચાણ ઉતરતો હોય તેમ તેને લાગ્યું. પચાસ સાઠ પગલા નીચે ગયો કે ત્યાં એક મોટું ચોગાન આવ્યું ત્યાં એક દરવાજો ઉઘાડો હતો. ત્યાં જ્યારે આહમદ દાખલ થયો ત્યારે તેણે જોયું કે તે કોઈ રાજમહેલના આગલા દિવાનખાનામાં આવી પહોંચ્યો હતો!
(ક્રમશ)
અલિ શાહજાદી સાથે પરણ્યો!!
Latest posts by PT Reporter (see all)