ઈરાન! પુરાતન ઈરાન!! જેનો દોરદમામ એકવાર એટલો તો હતો કે ગોયા આખી દુનિયા તેને નમન કરતી હતી. જ્યાં ત્યાં ઈરાનની બુલંદ ધજાને બીજા નાના મોટાં સર્વે રાજ્યો તરફથી માન આપવામાં આવતું હતું. ઈરાનના નામદાર શાહોએ પોતાના ફળવંત અને બાગેબહેસ્ત જેવાં બહોળાં મુલકો ઉપરાંત પોતાનું રાજય દુનિયામાં ચોતરફ ફેલાવી મુકયું હતું. તેમાં તેઓએ હિન્દુસ્તાન જેવા દ્રવ્યવાન મુલકમાં તેમજ ચીન જેવા બહોળી વસ્તીવાળા દેશમાં પણ પોતાનું રાજ્ય સ્થાપન કીધું હતું.
આ બુલંદ એકબાલ ઈરાની શાહોની તવારિખમાંથી માલમ પડે છે કે ઈરાનનો એક જબરદસ્ત શાહ પોતાનું મોટું રાજ ચલાવી જ્યારે મરણ પામ્યો ત્યારે તે શાહના બે બેટાઓ હૈયાત હતા. શાહજાદો શેહરીયાર જે વડો હતો તેને ફાલે અલબત્તા આ મોટી શેહનશાહતનો મોટો ભાગ આવ્યો તેમ નાનો શાહજાદો કે જેનું નામ શાહ ઝેનાન હતું તેને ફાલે સમરકંદનો બહોળો મુલક આવ્યો.
બન્ને ભાઈઓ એક બીજાથી જુદા પડયા તેને દશ વર્ષ થઈ ગયાથી શાહ શેહરીયારને પોતાના પ્યારા બીરાદર શાહ ઝેનાનને મળવાની ખાહેશ થઈ તેથી તેને પોતાની દરબારમાં બોલાવી મંગાવવાનો ઠરાવ કીધો. શાહ શેહરીયારે પોતાના વડા વજીરને બાદશાહી મરતબા લાયકનો મોટો રસાળો પોતાની સાથે લઈ, શાહ ઝેનાના મુલક તરફ જવાનો હુકમ કીધો. જેટલી બની તેટલી સેતાબીથી તે વજીર સમરકંદ જઈ પહોંચ્યો. શાહ ઝેનાન પોતાના બીરાદરના વજીરને ઘણો માનભર્યો આવકાર આપવાના ઈરાદાથી તે તેને શહેર બહાર એસ્તેકબાલ લેવા ગયો. વજીરે પોતાની મુસાફરીની હકીકત તથા મકશદ પાદશાહ ઝેનાનને કહી સંભળાવી જે સાંભળી શાહ ઝેનાને જવાબ આપ્યો કે ‘ઓ દાનાવ વજીર, સુલતાન શેહરીયાર મને ઘણીજ ઈજત તથા માન આપે છે તે જોઈને હું અતિ ઘણો ખુશી છું. જેટલો તે મને જોવા ને ઈંતેજાર છે તેટલોજ હું તેને મલવાને અધીરો થયો છું. મારા દેશમાં સુલેહ સંપજ મચી રહ્યો છે અને તારી સાથે મારા બીરાદરની દરબારમાં જવાની તૈયારી કરવા સારૂં મને દશથી વધારે દિવસ લાગશે નહીં, માટે એટલા થોડા વખતને ખાતર શેહેરમાં તને દાખલ થવાની કાંઈ જ ડર નથી. તેથી હું તને અરજ કરૂં છું કે તું તારા ડેરા તંબુ એત્રેજ આ બહોળા મેદાનમાં માર. હું તારા રસાળાને માટે દરેક ચીજ પહોંચતી કરવાનો હુકમ કરીશ.’ દશ દિવસ તો પુરા થયા તેથી શાહ ઝેનાન પોતાની મોહરદાર પાસેથી મુસાફરીએ રવાને થવા માટે રજા માગી, જે તેણીએ ઘણીજ દલગીરીથી આપી. પછી સાંજ પડતા પોતાના રસાળા સાથે શાહ શહેરે બહાર નિકળ્યો. તેને પોતાનો પાદશાહી ડેરો વજીરના તંબુ પાસે માર્યો અને વજીર સાથે ખુશ ગોફતેગોમાં મધરાત પુરી કીધી પણ તે દરમ્યાન તેની મરજી થઈ કે એકવાર ફરી પોતાની રાણી, જેને તે ઘણોજ ચાહતો હતો, તેણીને ભેટી આવું, તેથી તે એકલોજ પોતાના મહેલ તરફ પાછો ફર્યો અને પાધરો પોતાના દિવાનખાનામાં દાખલ થયો.
શાહ ઝેનાન કાંઈપણ ગડબડ કર્યા વગર દિવાનખાનામાં દાખલ થયો. રાણીની મોહબત વિશે તેના મનમાં કાંઈ પણ શક ન હતો તેથી તેની આગળ પહોચીં જવાને તે ખુશી હતો. પોતાના ખાસ ખ્વાબગાહમાં પૂર ઉલટથી પોતાની પ્યારી મહોરદારને મળવાને જેવો તે દાખલ થવા જાય છે તેવોજ તેની નજરે એક અજાયબ જેવો બનાવ પડયો. પોતાના ખ્વાબગાહમાં એક બેગાના મર્દને તેણે જોયો! પોતાની નજર ભુલાવો તો નથી ખાતી એવો વહેમ લાવીને તે શાહે પોતાની નજર બરાબર ઠેરવીને જોયું તો તેને બરાબર માલમ પડયું કે તેનો એક કમીનો ગુલામ તેની મોહરદાર સાથે હતો!
(ક્રમશ)