સીઆવક્ષ પોતાની સાવકી માતા સોદાબેના ફરેબથી કંટાળેલો હતો. વળી તેના બાપ કૌસે પહેલે તેના તરફ શક દેખાડયો હતો તેથી તે નાખુશ થયો હતો. તેથી જ્યારે અફ્રાસીઆબે ઈરાન ઉપર હુમલો લાવવાની તૈયારી કીધી, ત્યારે તે તકનો લાભ લઈ તેણે પોતાનું વતન છોડી બહાર લડાઈપર જવા માંગ્યું. કૌસે તેને રૂસ્તમની સાથે લડાઈ પર મોકલ્યો. તેણે લડાઈમાં ફત્તેહ મેળવી. અફ્રાસીઆબે પોતાની હાર કબૂલ કરી સુલેહ કરવા માંગી અને ઈરાન પાસે જે મુલકો તેણે જીતી લીધા હતા તે સઘળા પાછા આપ્યા. સીઆવક્ષે રૂસ્તમની સલાહથી એ શરત કબૂલ રાખી સુલેહ કીધી. કૌસ પાદશાહને એ વાતની ખબર પડી ત્યારે તે સીઆવક્ષ ઉપર ગુસ્સે થયો કે તેણે સુલેહ કરવી નહીં, તેથી તેણે તેની ઉપર હુકમ મોકલ્યો કે સુલેહના કરારો રદ્દ કરી તેણે તુરાનના મુલક પર હુમલો કરી તે જીતી લેવો. એ જાણી સીઆવક્ષ કફોડી હાલતમાં આવી પડયો. તે જો તુરાન ઉપર લડાઈ લઈ જાય છે તો અફ્રાસીઆબને આપેલો સુલેહનો કોલ તૂટે છે. તે જો તેમ કરતો નથી તો બાપની વધુ ઈતરાજીમાં આવી પડે છે અને તેના કહેવા પ્રમાણે જો બીજા ઈરાની સરદારને લશ્કરની સરદારી સોપી દે પાછો ઈરાન ફરે છે, તો બાપની ઈતરાજી અને સાવકી માતાની દુશ્મની વચ્ચે તેને રહેવાનો સંભવ છે.
આવી હાલતમાં પોતાને આવી પડેલો જોઈ તેણે વિચાર કર્યો કે તેણે અફ્રાસીઆબ સાથનો કોલકરાર તોડી તેની સાથે વધુ લડાઈ કરવી નહીં તેમજ પોતાને ઈરાન વતન પાછું કરવું નહીં પણ વતનથી વેરાગ પકડી, તુરાનમાંજ કેથે મકાન કરી રહેવું. પોતાના ઈરાની મદદનીશ સરદારોની સાથે એ બાબે મસલત કરી તેણે ઈરાન તરફથી આવેલા શાહજાદા તુસને પોતાનાં લશ્કરની સરદારી સોપી દીધી અને પાદશાહ અફ્રાસીઆબ ઉપર પેગામ મોકલ્યો અને પોતા ઉપર વીતેલી સઘળી હકીકત કહીને તુરાનના મુલકમાં રહેવાની પરવાનગી માંગી. પાદશાહ અફ્રાસીઆબે એ પેગામ જાણી પોતાના વજીર પીરાનની સલાહ લીધી અને પછી સીઆવક્ષને પોતાના મુલકમાં માનઅકરામ અને ઈજતથી રાખવાની ખુશી દેખાડી. સીઆવક્ષ તુરાનના મુલકમાં ગયો. ત્યાં પહેલે પીરાને અને પછી પાદશાહ અફ્રાસીઆબે પોતે આવકાર દીધો અને ઘણા આરામ અને રાહતથી રાખ્યો. (ક્રમશ)
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024