નવરાત્રી એટલે આસુરી શક્તિ પર દૈવી શકિતના વિજયનો મહોત્સવ

મહિષાસુર નામનો રાક્ષસ લોકોને પોતાની ક્રૂરતા તથા ઘાતકીપણાથી હેરાન પરેશાન કરતો હતો. આ રાક્ષસના જુલમો અને ત્રાસ એટલી હદે વધેલા હતા કે લોકોને માટે જીવન મુશ્કેલી ભર્યું બની ગયેલ હતું કે તેને કોઈ મારી શકશે નહીં. ત્રાહિમામ પોકારી ગયેલા લોકો ભેગાં મળ્યા અને રાક્ષસથી બચવા માટે ભગવાન શિવ પાસે જઈ વિનંતી કરી કે શિવ બધા લોકોનું રાક્ષસના ત્રાસથી રક્ષણ કરો! શિવજીએ લોકોની વાત સાંભળીને પોતાના ત્રીજાં નેત્ર વડે એક શક્તિ ઉત્પન્ન કરી જે શક્તિ માતા અંબા તરીકે પ્રસિધ્ધ થઈ આમ અંબા માતા આદ્યશક્તિ કહેવાયા. લોકોએ અંબા માતાની આરાધના કરીને વિનંતી કરી તેથી અંબા માતાએ મહિષાસુરને મારી નાખવાનું વચન આપ્યું. અંબા માતાએ શક્તિના રૂપમાં સતત નવ દિવસ સુધી મહિષાસુર સાથે જુદી જુદી રીતે યુધ્ધ કર્યુ આ નવ દિવસ એટલે નવરાત્રી.દસમાં દિવસે એટલે વિજયાદશમીએ અંબા માતાએ મહિષાસુરને મારી નાખ્યો.

અંબા માતાએ મહિષાસુરના ત્રાસમાંથી લોકોને બચાવ્યા તેથી તેના ઋણ સ્વરૂપે લોકોએ આ પર્વમાં અંબા માતાના સ્મરણ દ્વારા ભક્તિ કરવાની શરૂઆત કરી નવરાત્રિમાં લોકો સાથે મળીને અંબા માતાની મૂર્તિનું સ્થાપન કરીને મૂર્તિની આસપાસ ગોળ ગોળ ફરીને ગુણગાન કરવા લાગ્યા અને ગરબે રમવા લાગ્યા. ગરબો એ ગર્ભગૃહનું અપભ્રંશ છે. ગર્ભ એટલે જીવ, જીવનું સ્વરૂપ અને ગૃહ એટલે ઘર જેમાં જીવ રહે તે ઘર એટલે ગર્ભગૃહ અથવા ગરબો તેથી ગરબો એ ઘરરૂપી ઘડો છે. ગરબામાં છિદ્વો હોય છે અને દીવો હોય છે તે ચેતન આત્મા છે. જ્યાં સુધી દીવો પ્રકાશે છે ત્યા સુધી ઘડાની કિંમત છે.

નવરાત્રિમાં દરેક દિવસને નોરતું કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં દુર્ગાને નવ નામો આપવામાં આવેલ છે નવદુર્ગના નવ અવતાર એટલે

1. શેલપુત્રી, 2. બ્રહ્મચારિણી, 3. ચંદ્રઘંટા, કુશમાંડા, 5. સ્કંદમાતા, 6. કાત્યાયની, 7. કાલરાત્રી, 8. મહાગૌરી અને 9. સિધ્ધિદાત્રી.

શેલપુત્રી: શેલની પુત્રી એટલે હિમાલયની દીકરી. માતાનો આ પ્રથમ અવતાર હતો જે સતીના રૂપમાં થયો હતો.

બ્રહ્મચારિણી: બ્રહ્મચારિણી, જ્યારે તેમણે તીવ્ર તપશ્ર્ચર્યા કરી શિવને પામ્યા હતા.

ચંદ્રઘંટા: ચંદ્રઘંટા જેનો અર્થ છે જેના માથા પર ચંદ્રના આકારનો તિલક છે.

કુશમાંડા: બ્રહ્માંડ ઉત્પન્ન કરવાની શક્તિ મેળવ્યા પછી, તેમને કુશમાંડા કહેવામાં આવવા લાગ્યું ઉદરથી લઈ અંડ સુધી પોતાની ભીતર બ્રહ્માંડને સમાવી શકવું એટલે કુશમાંડા.

સ્કંદમાતા: તેમના પુત્ર કાર્તિકને સ્કંદ પણ કહેવામાં આવે છે એટલે સ્કંદની માતા.

કાત્યાયિની: મહર્ષિ કાત્યાયનની તપશ્ર્ચર્યાથી પ્રસન્ન થઈ તેમને ઘેર પુત્રી તરીકે જન્મ લીધો હોવાથી કાત્યાયિની કહેવામાં આવે છે.

કાળરાત્રી: માતા પાર્વતી એ દરેક પ્રકારના સંકટનો નાશ કરનારી છે એટલે કાળરાત્રી કહેવામાં આવે છે.

મહાગૌરી: માતાનો રંગ સંપૂર્ણપણે ગોરો છે, તેથી જ તેને મહાગૌરી કહેવામાં આવે છે.

સિદ્ધિદાત્રી: ભક્ત જે તેમને સંપૂર્ણપણે સમર્પિત છે, તેમને દરેક પ્રકારની સિદ્ધિ આપે છે. એટલે જ તેઓને સિદ્ધિદાત્રી કહેવાય છે.

Leave a Reply

*