મને મારી નાખશે કે નહીં મારા શું હાલ થશે એવા એવા વિચારો કરતો તે બેઠો હતો એવામાં એક જઈફ આદમી પોતાના હાથમાં એક હરણી લઈ તેની આગળ આવી પહોંચ્યો. તેઓને એકેમક સાથે સલામ-આલેકુમ થયા બાદ તે પીર મર્દ બોલ્યો કે ‘ઓ ભાઈ તમને નમનતાઈ સાથે પૂછવા માંગુ છું કે તમારે આ બિયાબાનમાં શા સબબેે આવવું પડયું છે? હયાં તો બુરી દયાનતના જીન લોકો વસે છે જેથી કોઈના જાનની બચવાની આશા રહેતી નથી. આ આસપાસના ઝાડો જોઈ કોઈ ધારે કે આ વસ્તીવાળી જગયા હશે પણ ખરૂં પૂછો તો આ એક વેરાન જંગલ છે જયાં કદમ મેલવું કે વસવું પણ ધાસતી ભરેલું છે.
બુઝુર્ગ આદમીની ઈચ્છા પૂરી પાડવા માટે તેણે પોતા પર વિતેલી હકીકત કહી સંભળાવી. આ હકીકત સાંભળી તે જઈફ મર્દ ઘણો અજાયબ થયો અને જ્યારે તે વાત પૂરી થઈ ત્યારે તે બોલ્યો કે દુનિયામાં આથી વધારે અજાયબ વાતો કોઈ કાળે મારા સાંભળ્યામાં આવી નથી. પણ વધારે અચંબા ભરૂ તો તમે જે વચન આપેલું પાળવા માંગો છો તે દિસે છે. ખરેખર તમો તથા તે જીન વચ્ચે થતી મુલાકાત જોવાને હું ખુશી છું. તે બુઝર્ગ તેની પાસે જઈ બેસે એટલામાં જ બે બીજા ઘરડા ડોસા ત્યાં સલામ-આલેુકમ કરી પુછવા લાગ્યા તમો સાહેબો અત્રે શા માટે બેઠા છો? જે ઢબ અને ચોકસાઈથી તે લોકોએ કહી સંભળાવી અને કહ્યું કે તે મુકરર કીધેલો દિવસ આજ આવી પહોંચ્યો છે જેથી તે બનાવ મારી નજરે જોવાને મેં ઠરાવ રાખ્યો છે. તે બીજા બુઝુર્ગ આદમીઓને પણ એ વિગત ઘણીજ તાજુબભરી લાગી તેથી તેઓને પણ તે કોતક જોવાનો શોખ થયો અને તેઓની સાથે બેઠા અને એક બીજા સાથે વાતચીત કરવા લાગ્યા.
તેઓ પોતાની વાતમાં મશગુલ હતા એટલામાં મેદાન તરફ એક ભારી ધમધમતા ધુમાડાનું વાદળું તેઓની નજરે પડ્યું. તે વાદળું તેઓની નજદીક આવવા લાગ્યું અને તે ધુમાડાનો પડદો ખસી ગયો અને પેલા જીને ત્યાં દેખાવ દીધો. તે જીન તેઓને ગણકાર્યા વગર પોતાના હાથમાં શમોર લઈ તે સોદાગર તરફ ચાલ્યો અને તેનો હાથ ધરી કહેવા લાગ્યો કે ‘ઉઠ તે મારા ફરજંદને મારી નાખ્યો છે તેમ હું તને પણ મારી નાખુંં!’ તે સોદાગર તથા ત્રણે બુઝુર્ગ મર્દો આ વાતથી ધાસ્તી ખાવા લાગ્યા તેજ વેળા તેમનુે રડવું પણ આવ્યું અને તેમના રૂદનના અવાજથી હવામાં શોર ઉઠી રહ્યો.
જ્યાં પેલા પહેલો પીરમર્દ જે પોતાની સાથે એક હરણી લાવ્યો હતો તેણે પેલા સોદાગરને મારી નાખવા માટે તેની ઉપર જીને તલવાર ઉચકતા જોયો ત્યારે તે જીનને પગે પડી તેના પગ ઉપર બોસા દઈ તેને કહેવા લાગ્યો ‘ઓ જીન નામવર પાદશાહ! તને વિનંતી કરી કહું છું કે તારા ગુસ્સાને જરા નરમ કર અને હું જે વાત કહું છું, તે મહેરબાની કરીને સાંભળો! મારી ઉપર વિતેલી તથા આ મારી સાથે લાવેલી હરણીની વાર્તા હું તારી આગળ કહી સંભળાવું અને અગર જો આ સોદાગરની વાર્તા કરતા તને તે વધારે ચમત્કારિક અને અજાયબ લાગે તો આ સોદાગરને તું મારી નાખવાને તૈયાર થયો છે તે કામમાં તું કાંઈ પણ રહેમ દિલી બતાવી અને કરવા ધારેલી શિક્ષાનેે જો તમે કમતી કરશો તો મારી ઉપર મોટી નવાજેશ થશે એવી હું ઉમેદ રાખવું છું. જીને કેટલોક વાર વિચાર કરીને તે બુઝર્ગ મર્દને કહ્યું કે ઠીક છે! તમારી અરજ હું કુબલ રાખુ છું. (ક્રમશ)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024