સાસાનીઅન ઈરાનની આણ હિન્દ પર હતી એવો ઈતિહાસ જાહેરમાં નથી પણ સિકકાઓ વિગેરેથી તે સિધ્ધ થાય છે. વળી ઈરાનીઓ વ્યાપાર અર્થે ઠરીઠામ હિન્દમાં થયેલા અને પોતાના ધાર્મિક સંસ્થાઓને ખુદ સાસાન જમાનામાં સ્થાપેલી, તેવી કંઈબી ખુલ્લી ઈતિહાસિક નોંધે આજે નથી. પણ સાસાનીઅન શહેનશાહતના પડવા પછીથી પારસીઓ દેશાગમન કરી ઈરાનને છોડી જતા હતા તેની વિગતો પર જોયું તેમ ઐતિહાસિક છે. પારસીઓ જમીન પર દેશવટો લીધો છે. તેમ દરીયો ઓળંગીને દેશવટો લીધો છે. મઝદયસ્ની ઈરાનની કરોડોની વસ્તી કયા ગઈ? તેઓ આજે મઝદયસ્ની તરીકે નહીં મુસલમાન તરીકે તો રહેવીજ જોઈએ ને? આના ઉકેલ માટે મઝદયસ્નાનો દેશાગમન કરી ઈરાનને છોડી ગયેલા તેને ખૂબ ધ્યાનમાં લેવાનું છે.
આવા દરિયો ઓળંગીને દેશપાર થવાના બે દાખલાઓ અરબ ઈતિહાસમાંથી પ્રોફેસર ઈનોસત્રનસેવ એશીઆટીક જર્નલમાં આપે છે. એ પ્રોફેસરે જાહેર કીધું કે બલાધુરી નામના અરબ ગ્રંથકારે લખ્યું છે કે જ્યારે અરબોએ કેરમાનને જીત્યું ત્યારે ત્યાંથી પારસીઓ દરીયો ઓળંગીને નાસીને દેશપાર થયા હતા. કેટલાકો મકરાન તરફ, કેટલાકો સીજીસ્તાન તરફ પણ ચાલી ગયા હતા. વર્ષો પછી એ પ્રોફેસર એશીયાટીક જર્નલમાં લખે છે કે બીજો એક દરીયા પારનો પારસી દેશાગમન થયેલો હશે તેની નોંધ મને મળી છે. કહે છે કે યાકુત નામના અરબે જૂની ઈરાની ભુગોળ લખી છે. તેમાં યાકુત લખે છે કે હમઝા ઈસ્પહાની નામનો મોટો ઈરાની મુસ્લીમ ઈતિહાસકાર થઈ ગયો છે જેણે લખ્યું છે કે યુબુલ્લા નામનું એક મોટું ઈરાની બંદર હતું.
આ બંદરમાં ઈરાની મઝદયસ્નાનો દરયાઈ વેપાર ચલાવતા હતા. જ્યારે અરબો જીત મેળવી આ યુબુલ્લા બંદર આગળ આવ્યા કે ઈરાની પારસીઓ એટલે જરથોસ્તીઓ 400 વહાણો ભરીને દરીયો ઓળંગીને સીંધ તરફ ચાલી ગયા. તેઓએ ત્યાં આતશકદેહો બાંધ્યા, તેઓના વારસા હજુ લગી ત્યાં છે. આ બે નોંધો મુસલમાનોના ઈતિહાસમાંથી મળે છે તે ઉપર મનન કરાવે માલમ પડે છે કે સાસાનીઅન શહેનશાહત પછીથી જમીન માર્ગે તેમ દરીયા માર્ગે દેશાગમનો થયાજ કરતા હતા. જમીન માર્ગે દેશાગમન થવા દેવાનું ઉત્તેજન તે પારસીઓને મળતી હશે તેની વિગત રતબીલ નામના પારસી સરદાર કે જેણે ઝાબુલીસ્તાનમાં અરબોને રોકયા હતા તે પણ જાણવા મળે છે. અને તેવા અનેક રતબીલો થયા હશે તે ઉપરથી જાણી શકાય છે. દરિયા માર્ગે દેશાગમન કરવા વહાણો જોઈએ. પ્રોફેસર હાદી હસદ પોતાની ચોપડીમાં વધુમાં જણાવે છે કે ઈરાનીઓ પાસે પુશ્કળ વહાણા હતા, વહાણોની નેવી હતી અને દરિયા મારફતે વેપાર કરતા હતા જે વારસો પછીથી અરબોને મળેલો હતો. ત્યારે ઉપર કહ્યું છે કે યુબુલ્લા બંદરમાંથી 400 વહાણો ભરીને પારસીઓ ચાલી ગયા તે તદ્દન જ ખરૂં છે. કેમ કે કહે છે કે યુબુલ્લા બાહરીનનું બંદર હતું. સત્તા હેઠળ રહીને વેપાર ચલાવવાની ના હશે નહીં. પણ અરબોએ બસરાનો પોર્ટ ઉભો કીધેલો હતો અને ત્યાં મોટું લશ્કર રાખીને ઈરાની જરથોસ્તી કળા કૌશલ્ય વ્યાપારનો નાશ કરવા ધારેલો માટેજ તે વેપારીઓને ત્યાંથી દરિયા મારફતે ચાલી જવાની ફરજ પડેલી. ત્યારે સાસાનીઅન જમાનાથીજ પારસીઓ હિન્દમાં હતા એ વાત ખરી છે જો કે તેની ઈતિહાસિક નોંધ ખુલ્લી નથી પણ સીકકા વિગેરે પરથી તે ખરી પડે છે.
(વધુ આવતા અંકે)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024