જીન ગુમ થઈ ગયો!

‘તમે તમારી તરફની મારી ધારણા કરતા વધારે સખી દિલ બતાવ્યું તેથી મારા ઉપકારનો ઉભરો તમને જણાવવાને મને ઘણીજ ખુશી ઉપજે છે. પણ તમારા નિમકહરામ ભાઈઓ પર મને ઘણોજ ક્રોધ આવે છે. તેથી જ્યાં સુધી તેમના જીવ હું લઈશ નહીં ત્યાં સુધી મારો બખ પૂરો પડશે નહીં.’ તે પરીના એવા સખુનો સાંભળીને મને ઘણીજ અચરતી ઉત્પન્ન થઈ અને તેણીએ જે મારી ઉપર મોટો ઉપકાર કીધો તે વિશે મારાથી બને તેવા સારા વચનથી મે તેણીનો ઉપકાર માન્યો. પછી કહ્યું કે ‘બાનુ હું તમને વિનંતી કરી કહું છું કે મારા ભાઈઓને તમો માફ કરો! કારણ કે જો કે તેઓએ મારી સાથે ચલાવેલી ચાલ વિશે ફરિયાદ કરવાને મારી પાસે ઘણાંજ પુખ્ત કારણો છે તો પણ મારા ભાઈઓની પાયમાલી મારે હાથે કરવી મને સજાવાર નથી.’ પછી તે દરેકને માટે મેં શું શું કીધું હતું તેની વિગત તે પરીને કહી સંભળાવી પણ તે વાત સાંભળીને તેનો ગુસ્સો વધારે સળગ્યો. તે બોલવા લાગી કે ‘એ બેવફા કંગાળોની સમુદ્રને પાતાળ તળિયે મેલી આવું છું.’ મેં જવાબ દીધો કે ‘ઓ સુંદર બાનુ! તમારે એમ કરવું નહીં. ખોદાને વાસ્તે તમારો મિજાજ નરમ કરો અને આ પ્રકારનો ભય ભરેલો વિચાર અમલમાં ન લાવો! તમો વિચાર કરો કે તેઓ ગમે તેવા છે તે પણ મારા ભાઈઓજ છે અને ભુંડાઈનો નતીજો ભલાઈથી આપવાની આપણી ફરજ છે.’

મારા આવા સમજાવટના શબ્દોથી તે પરીને મેં થંડી પાડી અને વાતચીત પુરી થતાંને વાર તે મને મારા ઘરની અગાશી પર લઈ ગઈ, જ્યાંથી તે ગેબ થઈ. મેં મારા ઘરના દરવાજા ખુલ્લા કીધા અને જે જગાએ ત્રણ હજાર અશરફી મેં ડાટેલી હતી તે ત્યાંથી બહાર કાઢી. ત્યારબાદ મેં મારી દુકાન ઉઘાડી. હું સલામત પાછો આવ્યો તે વિશે સર્વે સોદાગરોએ મને મુબારકબાદી આપી. જ્યારે હું મારે ઘર પાછો ફર્યો ત્યારે આ બે કાળા કુતરા મને દેખાયા. તેઓ મારી આગળ રમત કરતા આવ્યા. તેનો અર્થ હું સમજ્યો નહી અને તેઓને જોઈ હું વિચારમાં પડયો હતો તેટલામાં તો પેલી પરી તેજ વેળા ત્યાં આવી લાગી. તેણીએ તેનો ખોલાસો કીધો કે ‘મારા વહાલા ખાવિંદ! આ વાત વાંભળી તમો અજબ થતા ના કે આ બે કાળા કુતરા છે તે પેલાજ તમારા નિમકહરામ બે ભાઈઓ છે.’ મેં પુછયું કે ‘તમે એ કામ કઈ શક્તિથી કીધું છે?’ તેણીએ જવાબ દીધો કે ‘એ કામ મેં કીધું નથી પણ મારી બહેન પાસે કરાવ્યું છે અને તેણીએ તેઓનું વહાણ પણ ડુબાવી નાંખ્યું છે. તે વહાણમાં જે તમારો માલ હતો તે તમને મળશે નહીં પણ તેનો બદલો કોઈ બીજી રીતે હું તમને વાળી આપીશ. તમારા ભાઈઓ આ નવા અવતારમાં દસ વર્ષ સુધી રહેશે. એવી મેં દુહાઈ દીધી છે અને તેઓની દગલબાજીને માટે એ સજા બસ છે. એમ તમો પણ ધારશો.’ તે પરી પોતાની મુલાકાત કઈ જગાએ થઈ શકશે તેની નિશાણ આપી તુરંત ગુમ થઈ ગઈ.

તે દસ વર્ષ હવે પૂરા થયાં છે તેથી તેની શોધ કરવા હું નીકળ્યો છું. આ રસ્તેથી હું જતો હતો તેટલા આ સોદાગાર મને મળ્યો અને ત્યાર પછી આ ભલા બુઝર્ગ આદમી સાથે તેની હરણી વિશે વાતચીત થઈ. ઓ જીનીઓના પાદશાહ આ મારી કહાણી છે. શું તે તમને ઘણીજ અજાયબ જેવી નથી લાગતી?’ તે જીને જવાબ દીધો કે ‘હા, હું કબુલ કરૂં છું.’ જયારે બીજા બુઝુર્ગ આદમીની વાર્તા પૂરી થઈ ત્યારે ત્રીજાએ પોતાનું દાસ્તાન માંડયાની આગમચ તે જીને પુછયું કે જેમ આ સોદાગરની સજાના બે તૃતીયાંશ ભાગ તેઓની વાર્તા ઘણીજ રસીલી માલમ પડયાથી તમે કમતર કીધા તેમ મારી વાર્તા જો તેઓ કરતા વધુ સરસ માલમ પડે તો ત્રીજો ભાગ પણ સજાનો તમારે કાઢી નાખવો એમ તમે કબુલ થાવો છો કે નહીં?’ તે જીને પોતાની આગલી કબુલાત પ્રમાણે ચાલવાને કબુલ કીધું.

તે ત્રીજા બુઝુર્ગ મર્દે પોતાની વાર્તા માંડી અને કહી સંભળાવી પણ તે વાર્તા હજાર મારા સાંભળવામાં આવી નથી. તેથી અહીં તેનું વર્ણન કરી શકતી નથી પણ આટલું તો હું જાણું છું કે તે બીજી આગળી વાર્તા કરતા એટલી તો રસીલી અને સરસ થઈ પડી હતી કે તેથી તે જીન ઘણોજ ખુશી થયો.

તે વાત પુરી થતાને વાર તેણે કહ્યું કે આ સોદાગરની શિક્ષાનો બાકી રહેલો ભાગ હું તેને માફ કરૂં છું. તમો સર્વે લોકોએ પોત પોતાની ઉપરની જફાની વાતો સંભળાવ્યાથી તેનો છુટકો થયો છે તેથી તેને તમારો ઉપકાર માનવો જોઈએ. અગરજ જો એ મદદ તેને મળી ન હતે તો આ દુનિયામાં તે જીવતો રહી શકતે નહીં.’ પછી તે જીન ગુમ થઈ ગયો.

(ક્રમશ)

Leave a Reply

*