આઠમી માર્ચ – મહિલા દિન. વર્ષોથી આ દિવસે ઊગતો સૂર્ય દરેક નારીને નવી પ્રેરણા, નવી ચેતના આપી રહ્યો છે, પરંતુ આજે વર્ષો પછી, સદીઓથી નવી સમજણને મેળવીને નારી નવી જાગૃતિનો સૂર્ય ચમકાવે એટલી સમર્થ થઈ ગઈ છે, એની પાસે શું નહોતું એની રટણા એને પચી ગઈ છે અને એ નકારાત્મક દુનિયા એને હકારાત્મક જગત તરફ વાળવા નિમિત્ત બની ગઈ છે. મૂંગે મોઢે સીતમ સહેતી નારી હવે મૂંગે મોઢે કાર્યદક્ષ બનીને આગળ વધી રહી છે. ઈતિહાસનાં પાનાં ઊથલાવવામાં એ હવે સમય બગાડતી નથી પણ પોતાની સફળતાનો નવો ઈતિહાસ રચી રહી છે. એ પગથિયાં ચડતી જાય છે, હાંફવા છતાં નથી થોભતી કે નથી પાછું વળીને પોતે કેટલાં પગથિયાં ચડી ઉપર પહોંચી એનો હિસાબ રાખતી. એનું એક જ લક્ષ્ય છે કે હજી કેટલાં પગથિયાં ઉપર ચડ્યા પછી એ શિખરને આંબી શકશે?
ઈતિહાસ અને કવિતાએ નારીને જંપવા નથી દીધી. અહીં નારીવાદનો પ્રારંભ ક્યારથી થયો, એમાં કોણે કોણે મહત્ત્વનું પ્રદાન કર્યું એની રૂપરેખા આપવાનો કોઈ અભિગમ નથી. હાં, એટલી અપેક્ષા જરૂર રાખી છે કે કલા અને અન્ય સૌંદર્યલક્ષી રચનાઓમાં જ હવે નારી રમવાની નથી. એ ઉપરાંત એની પાસે ધબકતું અસ્તિત્ત્વ છે. આજે વર્ષોથી અનેક વિચારકો સમાજના સ્ત્રીઓના સળગતા પ્રશ્ર્ન પર લખી રહ્યા છે, બોલી રહ્યા છે છતાં કોઈ કોઈ સમાજમાં સમસ્યાઓ ઓછી નથી થઈ. પરંતુ જ્યાં સુધી આ સમસ્યાઓ શહેર કે ગામની સીમામાં ઘૂમતી રહેશે ત્યાં સુધી પ્રગતિ ઉપરાંત આવી સમસ્યાઓને નિર્મૂળ ન કરી શકે તો પણ હળવી બનાવવાની નેમ રાખવામાં સ્ત્રી પાછી પાની નથી કરવાની.
નવી સદીમાં નારીની કે નવી ઓળખ નવી છબી સામે આવી રહી છે. સદિયોથી જે મહિલાઓ જંજીરોમાં જકડાયેલી હતી તે આજે તેણે તોડીને પોતાની નવી ઓળખ બનાવવામાં સફળ થઈ છે. આજના યુગમાં નારી હવે અબળા નથી રહી, વધારે સક્ષમ અને સબળ થઈ ગઈ છે. આ સંદર્ભે રાષ્ટ્ર નિર્માતા સ્વામી વિવેકાનંદે વર્ષો પહેલા કહી દીધું હતું કે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનું સર્વોત્તમ થર્મામીટર છે ત્યાંની મહિલાઓઈ સ્થિતિ. આપણેે મહિલાઓને એવી સ્થિતિમાં પહોચાવી દેવું જોઈએ જ્યાં તે પોતે પોતાની સમસ્યાઓનો ઉકેલ કરી શકે. આપણે નારી શક્તિના ઉદ્ધારક નહી, પણ તેના સહાયક બનવા જોઈએ. ભારતીય મહિલા સંસારની બીજી ઘણી મહિલાઓની જેમ પોતાની સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા રાખે છે. જરૂરી છે કે તેણે યોગ્ય અવસર મળે અને જેનાથી ભારતનું ભવિષ્ય વધુ ઉજવળ બને.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024