માછીની વાર્તા

પોતાનો છુટકો કરનાર દયાળુ ધણીઓનો ઉપકાર માનવાને તે સોદાગર ચુકયો નહીં. તેઓ પણ તેનો બચાવ થયાથી ખુશી થયા અને ‘સાહેબ મહેરબાન’ કહી પોતપોતાને માર્ગે ચાલતા થયા. તે સોદાગર પોતાને વતન જઈ પહોંચ્યા અને પોતાના બચાં છોકરા સાથે આરામ અને સંતોષથી પોતાની બાકી જીંદગી ગુજારવા લાગ્યા.
પછી શેહરાજાદીએ સુલતાનને કહ્યું કે ‘આજે જે વાર્તા તમો નામદારને કહી સંભળાવી તે એવી ચમત્કારીક હતી તો પણ તે એક ‘માછીની વાર્તા’ કરતાં તો સરસ નથી.’ દીનારજાદી એ કહ્યું ‘પોહ ફાટવાને હજુ વાર છે તેટલા મારી પ્યારી બહેન તે વાર્તા ચલાવો. હું ઉમેદ રાખું છં કે નામદાર સુલતાન તે વિશે કંઈ કહેશે નહીં. સુલતાન શેહેરીયારે તે માંગણી કબુલ રાખી અને શહેરાજાદીએ નીચે મુજબ બોલવા માંડ્યું.
નામદાર સુલતાન! એક શહેરમધે એક જઈફ અને દુર્બળ માચી રહેતો હતો તે એટલો તો મુફલેસ હતો કે તે પોતાની બાયડી તથા ત્રણ છોકરાને માટે પુરતો પોશાક પણ મેળવી શકતો નહોતો. તે દરરોજ મોટે પરોઢિયે માછલા મારવા જતો હતો. તેણે ચોકકસ નિયમ બાંધી રાખ્યો હતો કે આખા દિવસમાં ચાર વેળાથી વધારે વાર પોતાની જાળ નાખવી નહીં. એક દિવસે ચંદ્ર અસ્ત પામ્યાની આગમચ તે માછલા મારવા ગયો અને સમુદ્ર કાંઠે આવી પોતાની જાળ નાખી. તે જાળને જમીન તરફ ખેંચી કાઢતા તે એટલી તો ભારી થઈ પડી કે તે વિચાર કરવા લાગ્યો કે આજે કાંઈ હું ખાટીશ ખરો અને તે મનમાં ઘણો મગન થવા લાગ્યો. પણ તે જાળ ખેંચી કાઢતા તેને માલમ પડ્યું કે માછલાંને બદલે એક મુવેલા ગધેડાનું મડદું તેને હાથ લાગ્યું! આ બનાવ જોઈ તે ઘણોજ ખિજવાયો તેમજ દુ:ખી થયો. તેની જાળ જે ગધેડાનાં મડદાના ભારથી કેટલીક જગાથી તૂટી ગઈ હતી તે તેણે બબડી ફફડી સમારી અને બીજીવાર તેણે તે સમુદ્રમાં નાખી. તે જાળ ખેંચી કાઢતા તેજ માફક તેને અટકાવ થયો અને ફરીથી તેણે વિમાસ્યું કે તેમાં માછલા પકડાયા હશે પણ તેને બદલે એક ટોપલો ભરી રેતી તથા કાદવ હાથ લાગ્યાથી તે અતિ ઘણો નાસીપાસ થયો. ઘણાજ દુ:ખી ને નિરાશી ભરેલા અવાજથી તે બોલ્યો કે ‘ઓ કિસમત! હવે મારી ઉપરથી તારો ક્રોધ કાઢી નાખ! એક માઠાં ભાગ્યના આદમી ઉપર તું જફા ના પાડ, હું નાદર તને વિનંતી કરૂં છું. કે હવે તું બસ કર. (ક્રમશ)

Leave a Reply

*