ઘણી વખત પુત્ર કે પુત્રવધુના મોઢે ઘરના વડીલો માટે સાંભળીએ છે કે, આ ઉંમરે પણ એમને ખાવાના બહુ ચટાકા છે. વડીલો માટે ખુબ સંભળાતું આ વાક્ય છે. ભણાવીને વિચારશીલ બનાવેલ દિકરો એવું વિચારે છે કે, હવે પિતાની પાચન શક્તિ મંદ પડી ગઈ છે અને એમણે દરેક વસ્તુ ન ખાવી જોઈએ, દિકરાની દલીલ એવી હોય છે કે એમને પહેલાંની જેમ પ્રવૃત્તિઓ ના હોવાના કારણે એ પચાવી ના શકે.
મારે એ બધાં જ દિકરા-વહુ ને કહેવું છે કે, આ વાત એમને જ નકકી કરવા દો ને. વર્ષો એમણે એમનાં શરીર સાથે કાઢ્યાં છે, એમને એમનાં શરીરની તાસીર બરાબર ખબર છે, તમે કેવી રીતે નક્કી કરી શકો કે એમને હવે સધશે કે નહીં? તકલીફ પડશે તો આપોઆપ બંધ કરશે. તમે શું કામ ટોકો છો એમને? ભલે તમે એવું બતાવતાં હોવ કે તમને એમની તબિયતની ચિન્તા છે, પણ એમને એ વાતનું ખુબ દુ:ખ થાય છે.
બીજી વાત, ખાવાના શોખીન તો એ પહેલાં પણ હતા, પણ તે વખતે તે વહુ કે દિકરા પર આશ્રિત ન હતા. એ પોતે એટલાં સક્ષમ હતાં કે એમની નાની-નાની ઈચ્છાઓ પૂરી કરી લેતાં હતાં. એમની પત્ની એટલે કે તમારી મા એમની પસંદગીથી બરાબર પરિચિત હતી, એટલે સમયાંતરે એમને એમનું ભાવતું બનાવી આપતી હતી, પણ હવે એ પત્ની પણ કરી શકે એમ નથી અથવા તો આ દુનિયામાં નથી, એટલે એ પુત્રવધૂથી અપેક્ષા રાખે છે. એમને શુ ખાવું છે એની ઈચ્છા વ્યક્ત કરે છે, બનશે કે નહીં એની ખાતરી એમને નથી હોતી. બબડતાં-બબડતાં ને સાસુના આગ્રહથી પણ વહુ થોડા દિવસમાં એ વાનગી બનાવી આપે છે. અને પછી બધાંને, ખાસ તો એમના દિકરા (પોતાના વર) ને કહે, પપ્પાની ડિમાન્ડ પૂરી કરવામાં હું તો નવરી જ નથી પડતી.
એ જ વહુ પોતાને ભાવતી અથવા બાળકો કે પતિ ને ભાવતી વાનગીઓ ઉત્સાહથી ડીમાન્ડ થાય તે પહેલાં હાજર કરી દે છે. જે એમનાં સાસુ વર્ષોથી એમનાં વર ને એમના દિકરા માટે કરતાં હતાં. એવું તો પિતાએ આપનુ શું બગાડ્યું હોય છે કે આટલી સમજ સાથેની લાગણી તમે દર્શાવી ના શકો !!
વડીલોની હાજરી ઘરનાં સભ્યોને બીજી ઘણી બાબતે નડતી હોય છે. તેમાંનું એક એમનું ખુબ વહેલું ઉઠવું પણ છે. અવારનવાર ઘણાં ઘરોમાં દિકરા-વહુના મોઢે આવું સાંભળ્યુ છે, ‘રજાના દિવસે પણ અમને તો શાંતી નથી, પપ્પા સવારે 5 વાગ્યાના ઉઠીને ખટર-પટર કર્યા કરે છે, ને બધાંની ઊંઘ બગાડે છે.’ આવું કહેતો દિકરો એ ભૂલી જાય છે કે એનાં માતા-પિતા તો વર્ષોથી વહેલાં ઊઠે છે, ને ઉંમર થતાં આમ પણ ઊંઘ ઓછી થઈ જાય છે. જે સગવડ તમને આજે છે તે તેમના સમયમાં ન હતી. એટલે એ પ્રમાણે એમને દિવસનું પ્લાનીંગ કર્યું હોય છે. ભલા માણસ, તને ભણાવવા કે ઘર ચલાવવા માટે નોકરી પર જવા તારા પિતા તો વર્ષોથી વહેલાં ઉઠતાં હતા, ત્યારે તને વાંધો ન હતો? આજે તમારા આરામમાં ખલેલ ના પડે માટે પિતાનું વહેલું ઉઠવું તમને નડે છે? કમાલ છે યાર, લાગણીઓને વિસરાવવાની.
શું નિવૃત્તિ પછી પિતાએ પોતાની ઈચ્છાઓ અને જુની ટેવોને પણ નિવૃત્ત કરી દેવી જોઈએ? ક્યારે ઉઠવું, ક્યાં જવું, શું ખાવું, તે બધું જ દિકરા-વહુની ઇચ્છા પ્રમાણે કરવાનું?
નિવૃત્ત પિતા પ્રત્યે અણગમો કે માન ન રાખનાર દરેક દિકરાએ ધ્યાનમાં રાખવું જોઇએ કે, પિતાએ એમના જીવનનાં 60-70 વર્ષ કાઢ્યાં છે, ને તમારા કરતાં ઘણાં વધારે અનુભવી છે. તમે એમની જોડે વાત કરવાનું ટાળો, એમને એવોઈડ કરો, ઈગનોર કરો કે આડકતરી રીતે કંઇ પણ કહેવાનો પ્રયત્ન કરો, એમને ખ્યાલ તો આવી જ જાય છે. તમારા હાવ-ભાવ, વાણી-વર્તનથી તમે એમનાં માટે શું વિચારો છો અને કેટલું માન આપો છો, બધું જ સમજી જાય છે. અને રીતસર એ તમને સહન કરે છે. આ લખાણ સાથે દરેક પુત્રને વિનંતી કરૂં છું ‘તમારા પિતાનું ઘડપણ લાચાર નહીં, સંતોષકારક બનાઓ’.
– દોલી પટેલ
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025