વજીરના ઉપર તેનો પૂરતો ઈતબાર હોવાથી પાદશાહે તેની હકીકત ખરી માની વધુ શોધખોળ કીધી નહી. સારા ભાગ્યે શાહજાદાને પાધરો રસ્તો જડ્યો, તેથી પોતાનો મકાન તે સલામત જઈ પહોંચ્યો અને તે વજીરની ગફલતીથી તેની ઉપર જે જફા આવી પડી હતી તેનો ટુલોટવિલ હેવાલ પોતાના બાપ આગળ કહી સંભળાવ્યો. તે પાદશાહે પોતાના વજીર ઉપર એટલો તો રીસે ભરાયો કે તેને મારી નાખવાનો તુરતજ હુકમ કીધો.
યુનાની પાદશાહના વજીરે કહ્યું કે “રે પાદશાહ હું હકીમ દુબાન વિષે બોલવા માગું છું, અગર જો તમે સંભાળ રાખશો નહી તો તમે જે તેની ઉપર ઈતબાર રાખો છો તેમાં તે તમને ફસાવશે. હું સારી પેઠે જાણું છું કે તે કોઈ ભેદુ છે અને તમારા મુદ્દઈઓએ તમને ઠાર મારવાને એને મોકલ્યો છે. તમે કહો છે કે તેણે તમારૂં દરદ કાઢ્યું, પણ તે કોણ જાણે છે? વખતે બહારથી સારા કીધા હોય પણ અંદરખાનેથી જેમનું તેમ હશે ત્યારે? અને એજ ઈલાજ કીધેલો કોઈ દિવસે પાછો ફાટી નહી નિકળશે એમ કોણ કહી શકશે.”
તે યુનાની રાજા કુદરતથી પોચા મનનો હતો અને તેનામાં વજીરની બુરી નિષ્ઠા પકડી કાઢી શકે એટલી તીક્ષ્ણ બુદ્ધિ ન હતી. તે સાથે જે પહેલાં તેણે એ બાબતમાં જે પોતાનો વિચાર આપ્યો હતો તેને વળગી રહેવા લાયક તેનામાં મનશક્તિ હતી નહી. પોતાના વજીરની વાત ઉપરથી તેના મનમાં તરેહવાર ભ્રાંતીઓ આવી. તેણે કહ્યું કે “ઓ વજીર! તું ખરો હશે. તે હકીમ મારો જાન લેવા માટે આપણી દરબારમાં આવ્યો હશે, અને તે કામ મને તે કાંઈ એક દવાની ચીજો સુંઘાડીને પણ આસાનીથી કરી શકશે. આ કઠણ સમયમાં શું કરવું તે વિષે આપણને વિચાર કરવો દરૂસ્ત પડશે.”
જ્યારે તે વજીરે જોયું કે જે વળણ ઉપર પાદશાહને તે લાવવા માગતો હતો તે વળણે રાજા આવ્યો છે ત્યારે તેણે રાજાને કહ્યું કે “ઓ બુઝર્ગ પાદશાહ! તમારા સુખ અને શાંતિને પકડી રાખવા જોગ ઈલાજ એજ છે કે તે હકીમને તમોએ તુરત તમારી હજુરમાં બોલાવવો અને જેવો તે આવે કે તેને ગરદન મારવાનો હુકમ કરવો.” પાદશાહે જવાબ કીધો કે “ખરેખર! તેની બુરી ધારણાનો મારે અટકાવ કરવો ઘટે છે.” એટલું બોલીને તેણે પોતાના એક અમલદારને બોલાવ્યો અને તેને હુકમ કીધો કે દુબાન હકીમને બોલાવી લાવવો. તે હકીમના મનમાં કાંઈ પણ ભ્રાંતી આવી નહી કે રાજા તેને મારી નાખવા માટે બોલાવે છે તેથી તેનો પેગામ સાંભળતાંનેવાર તે મેહેલ તરફ દોડ્યો.
જેવો તે પાદશાહની હજીરમાં આવ્યો તેવોજ તે બોલ્યો કે “ઓ દુબાન હકીમ! તું જાણે છે કે મેં તને શા માટે મારી પાસે બોલાવ્યો છે?” દુબાને કહ્યું કે “નહી સાહેબ! તમો નામદાર પાદશાહના હુકમની હું રાહ જોઉં છું.” પાદશાહે કહ્યું કે “મેં તને બોલાવ્યો તેનું કારણ એ છે કે મને મારી નાખવાને તે જે જાળો પાથરી છે તેમાંથી મોકળો થવા માટે હું તને મારી નાખવાનો હુકમ કરૂં છું.”
દુબાન હકીમે પોતાને માટે એવા સખુનો પાદશાહને મોહોડેથી સાંભળ્યા ત્યારે તે એટલો તો ઘભરાટ અને અચરતીમાં પડ્યો કે તેનું બ્યાન કરી શકાતું નથી. તેણે કહ્યું કે “ઓ નામદાર પાદશાહ! તું મને શા માટે મારી નાખવા માગે છે? મેં એવો તે શું ગુનાહ કીધો છે?” પાદશાહે કહ્યું કે “મને ભરોસો રાખવા જોગ સત્તાથી ખબર મળી કે તું કોઈ ભેદુ છે અને મારી દરબારમાં મારો પ્રાણ લેવામાટે તું આવ્યો છે. પણ તેમ કરવાથી તને અટકાવવા માટે હું તારો જાન લેવાને ખંતી છું.” એક અમલદાર જે ત્યાં હાજર હતો તેને પાદશાહે ફરમાવ્યું કે “આ ચંડાળને ઠાર માર! કે જે ચંડાળ આ દરબારમાં આવી દગલબાજીથી મારો જીવ લેવાની યુક્તિ કરે છે તેમાંથી મારો છુટકો થાય.”
દુબાન હકીમ વિચારવા લાગ્યો કે “પાદશાહે તેની ઉપર દ્રવ્યનો તથા મરતબાનો વરસાદ વરસાવ્યો તે ઉપરથી અદેખાઈ થયાથી શાહને કોઈએ ભમાવ્યો હશે અને પાદશાહ પોતે મૂર્ખ છે તેથી તેવા બુરા લોકોનું ખરૂં માન્યું હશે.” અને ખરેખર તેમજ થયું હતું.
(ક્રમશ)
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025