તમામ હમદીનોને નવરોઝ મુબારરક

આપણે પારસીઓ આનંદી અને સોજ્જા લોકો છીએ, જેઓ જીવનને પૂરી રીતે માણવામાં માને છે. ઉપવાસ નહીં પણ ખાવું-પીવું એ આપણા જીવનનો મંત્ર છે. આખો મહિનો ઘાસફૂસ ખાવાનો તો સવાલ જ નથી આવતો, હમકારાએ પણ મચ્છી અને બે પગના પંખીઓ ખાવાની મનાઈ નથી હોતી!!

આવો આપણી હેપી ગો લકી પારસી ઝોરષ્ટ્રિયન કોમના નામે એક ટોસ્ટ લઈએ!

અન્ય પયગંબરોથી વિપરિત, ઝરથ્રુસ્ટ્ર અહુરા મઝદાના સંદેશનો પ્રચાર કરવાની સાથે ફેમિલી લાઈફ જીવ્યા હતા અને પોતાના અનુયાયીઓના દિલમાં દીનનો દીવો પ્રગટાવતા રહ્યા. ઝોરાષ્ટ્રિયન ધર્મ સૌથી અનોખો હોવા છતાં આટલો પ્રેક્ટિકલ છે, એમાં આશ્ચર્ય પામવા જેવું નથી.

એક ઈશ્વર, એક ધર્મ અને એક પવિત્ર ધર્મગ્રંથમાં માનનારા આપણે સૌ એક વિશાળ પરિવારની જેમ રહ્યા છીએ અને એકબીજાની પરવા કરી છે અને પ્રેમ પણ કર્યો છે. આપણા સમૃદ્ધ બાપદાદાઓએ પોતાની પાસેની મિલકતનો ઉપયોગ પોતાના ઓછા નસીબદાર ભાઈઓ સાથે વહેંચવા માટે કર્યો અને સૌ કોઈ માટે જીવનને વધુ સારું બનાવ્યું. આજે કોમના ઝનૂની જૂનવાણી રુઢિચુસ્તો અને અધીરા અને ઉત્સુક સુધારાવાદીઓ વચ્ચે પડી ગયેલા ભાગલા જોઈને દિલમાં દર્દ થાય છે.

દરેક ધર્મનો આધાર આધ્યાત્મિક ફિલોસોફીની સાથે કેટલીક રીત-રસમો અને પરંપરાઓમાં હોય છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે આ રીત-રસમો અને પરંપરાઓ આધ્યાત્મિક ફિલોસોફી પર હાવી થઈ જાય છે અને ત્યારે ધર્મ કટ્ટરતા અને ઝનૂન તરફ જવા લાગે છે. રીત-રસમો અને વિધિઓ ઓગળી જાય છે, ખોવાઈ જાય છે અને સમય સાથે બદલાઈ પણ જાય છે, પણ અશોઈની ધાર્મિક ફિલોસોફી હુમત, હુખ્ત, હુવર્શતની ત્રિપુટી, જે આપણા ધર્મનો પાયો છે, તે આનાદિ કાળ સુધી ટકી રહેશે.

આપણી ધાર્મિક માન્યતાઓમાંના મતભેદ છતાં, આપણે બધા પારસી ઝોરાષ્ટ્રિયનો છીએ. આ મંગળ અવસરે, આવો આપણે પોતાની જાતને ભૂતકાળના દુ:ખ, જૂની માન્યતાઓ અને અપ્રિય અનુભવોથી મુક્ત કરીએ અને આશા તથા સુમેળભર્યા ઉજ્જવળ અને તેજસ્વી ભવિષ્ય તરફ આગળ વધીએ!

નવું વર્ષ પોતાની સાથે પ્રેમ, શાંતિ અને સમજદારીનો સંદેશ લાવે!

નીચે આપેલી કેટલીક મૂળભૂત ટેવોને આવો આપણે સમજીએ, જેનાથી આપણા કુટુંબ, દોસ્તો અને સૌથી મહત્ત્વનું એટલે આપણી કોમમાં પૂરતી શાંતિ અને ખુશી આવશે!

(1)          બીજાઓ સાથે એવું વર્તન કરો જેવું તમે તેમની પાસેથી ઇચ્છતા હો. આવું કરવાથી આપણે તમામ લોકો માટે એકસમાન અને બિનશરતી પ્રેમનો અનુભવ કરી શકશું.

(2)          બીજાઓની ખુશી માટે કામ કરો. બીજાઓ માટે ખુશી લાવનાર પાસે ખુશી સામે ચાલીને આવે છે.

(3)          આપણી ધાર્મિક માન્યતાઓ એકસમાન હોય કે ન હોય, આપણે કોમના લોકો એકબીજા પર આધાર રાખીએ છીએ, માત્ર ટકી રહેવા માટે નહીં પણ આગળ વધવા અને સમૃદ્ધ થવા માટે પણ આપણને એકબીજાની જરૂર હોય છે. એકતા આજના સમયની માગ છે.

(4)          પાવરમાં છે એ લોકોએ પોતાના અભિપ્રાયો બીજાઓ પર થોપવા ન જોઈએ. એનાથી ગુસ્સો, દુ:ખ અને નફરત ફેલાય છે અને ઝઘડા તથા કંકાસ થાય છે.

(5)          માફ કરી દેવા માટે ક્યારેય મોડું થતું નથી. એનાથી આપણને પોતાને તો શક્તિ મળે જ છે, પણ શાંતિનો અનુભવ કરવા અને નવા સંબંધો બાંધવાના નવા સ્તરે આપણને લઈ જવામાં મદદ મળે છે.

(6)          કોઈની સાથે તમે સહમત ન થતાં હો એનો અર્થ એ નથી કે તમે તેમનો અનાદર કરો. બીજાઓ માટે માનનો અભાવ કડવાશ પેદા કરે છે અને માણસ તરીકેના આપણા પોતાના સ્તરને નીચેની તરફ લઈ જાય છે.

(7)          માઈન્ડ હંમેશા ઑપન રાખો. બીજાઓના પોઈન્ટ ઑફ વ્યુને સમજવા માટે હંમેશાં તૈયાર રહો. શક્ય છે કે આવું કરવાથી આપણે સમજદારીના એક નવા સ્તર પર પહોંચી જઈએ અને ફિલોસોફીનો નવો જ વિચાર આપણને જાણવા મળે.

શાંતિ અને સુમેળ લાવવાનો આસાન અને ચોક્કસ રસ્તો એટલે દરેક જણને કોઈપણ જાતની અડચણો, હેરાનગતિ અને દબાણ વિના પોતાનો ધાર્મિક માર્ગ પસંદ કરવાની અને તેના પર ચાલવા દેવાની સંસ્કૃતિ નિર્માણ કરવી. તો, આપણે આપણાં બચ્ચાંઓ અને આપણા પોતાના માટે એક સારી દુનિયા બનાવી શકશું.

આપણી ભવ્ય ધર્મના સિદ્ધાંતને પ્રેક્ટિકલ જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ, જેથી આપણે વધુ બહેતર, વધુ શાંતિપૂર્ણ અને વધુ ઉદાર-દયાળુ કોમ બની શકીએ. ધર્મમાં સૌથી મહત્ત્વની વાત છે દિલને સાફ કરવાની. બહિશ્તનું સામ્રાજ્ય સાફ દિલોમાં હોય છે.

આ નવું વર્ષ આપણી પ્રિય કોમમાં નવી ખુશી અને શાંતિ લાવે! અને એકતા તથા સમૃદ્ધિની હૂંફ આપણને સૌને અનુભવવા મળે!

સૌને નવા વર્ષની શુભેચ્છાઓ!

About લખનાર - પિરોજા હોમી જોખી

Leave a Reply

*