આ ભાષણ કરતા વારંવાર તે રડતી અને ડચકાં ખાતી હતી તે જોઈ મારેથી વધારે વાર ખમાયું નહીં તેથી હું તેની આગળ ગયો અને બોલ્યો કે ‘બાનુ! હવે તમે પુષ્કળ રડયા છો. હવે જે દુ:ખના રૂદન કરવાથી તમે તમારો મરતબો મારી સાથે શી રીતે જાળવી રાખવો તે બીલકુલ ભુલી જાવો છો!’ તેણીએ જવાબ દીધો જે ‘સાહેબ! તમે મારી તરફ કાંઈપણ મમતા રાખતા હો તો હું તમને અરજ કરી કહું છું કે આ મારી દુ:ખી હાલતમાં મને પડી રહેવા દો! એ મારો ગમ જમાના થશે તો પણ વિસરાશે નહીં અથવા કુમતી પણ થઈ શકશે નહીં.
તેની ફરજ શું છે તે મેં તેને સમજાવવાને ઘણી પણ કોશેશ કીધી પણ સર્વે વ્યર્થ ગઈ અને જ્યારે મે જોયું કે તેની સાથે મેય જે તકરાર લીધી તેથી ઓરત પોતાની હુજત વધારતી ચાલી ત્યારે અંતે હું જ થાકયો અને તેને પડતી મેલી. બે વર્ષ સુધી એજ ઢંગ તેણી પકડી બેઠી હતી.
એક વખત જ્યારે તે માહેતમ મહેલમાં હતી ત્યારે હું તેની પાસે ગયો. આગળની પેઠે હું સંતાઈ બેઠો ત્યારે તેણીના યારને મે કહેતા સાંભળ્યું કે ‘ત્રણ વર્ષની વાત પર તું મારી સાથે બોલ્યો હતો અને ત્રણ વર્ષ થયા હું રૂદન રડી, આંસુ લાવી મારા પ્યારની સાબેતી આપુ છું પણ તું તો તેબી કશુ જાણે જાણતો નથી. એ પ્રમાણે તું ધિકકારથી કરે છે કે તારી શક્તિઓ જડ થઈ ગયાથી કરે છે? મારા યાર! તું જે આટલું બધુ હેત પ્રીત મારી તફ બતાવતો તે તે શું કમ કરી નાખ્યું છે? જે આંખોમાંથી મોહોબતનો ઝળકાત નિકળતો હતો જે મારી ખુશાલીનો મૂળ હતો તે શું સદાકાળ સુધીની વિચાવી નાખે છે શું? હું એમ ધારતી નથી. તો પણ મને કહેવું પડે છે તારા પાસામાં તારે લાયકનું જે ધન આ દુનિયામાં હું ગણું છું તે અમૂલ્ય ધન તું લઈ બેઠો છે.
નામદાર સુલતાન હું તારી આગળ ખરેખરૂં કહું છું કે આ શબ્દો સાંભળી મને ભારી રીસ ચઢી આવી વળી જે આદમી ઉપર તે મોહી પડી હતી જેની તે દાસી થઈ પડી હતી અને જેની પુજા કરતી હતી તે કાંઈપણ ખુબસુરતી ધરાવતો ન હતો. તે રંગમાં સિધીભાઈ સરખો કાળો બદસુરત હતો. પ્રાચીનકાળમાં એવા જંગલી આદમીઓ ઘણું કરીને આ દેશમાં વસતા હતા. તેણીના ભાષણથી મારા મનમાં એટલો ક્રોધ આવ્યો કે તેજ વેળા હું તેની આગળ ગયો અને જે પ્રમાણે મારી બાયડી કબર સાથે વાત કરી બોલી હતી તેમ મેં પણ કબરને કહ્યું કે ‘ઓ કબર! જે અબલીસને તું તારા પેટામાં લઈ બેઠી છે, જે ઈનસાનને એબ લગાડે છે તેને તું ગર્ક કેમ કરી નથી નાખતી? બલકે આ આશક અને તેની રાખેલી માશુકને તું પાયામાલ કા નથી કરતી?’
મારી રાણી જે પેલા સિધીભાઈની કબર પાસે બેઠેલી હતી તે આ શબ્દો સાંભળીને ઘણીજ ગુસ્સામાં આવી ચોકી ઉઠી તે મને કહેવા લાગી કે ‘ઓ કમબખ્ત! મારા ગમનો મૂળ સબબ તું જ છે. તું એમ ધારતો ના કે તારા કારસ્તાનથી હું વાકેફ નથી. હવે વધારે વાર તે છુપાવી રાખવાની મારામાં શક્તિ નથી. મારા યારને તારા ઘાતકી હાથે જે હાલતમાં તે છે તે હાલતમાં તુંજ લાવ્યો છે. છેવટે વળી દુ:ખ ઉપર ડામ દેવા મારા જે નિરાશને દુ:ખ દેવા તું આવ્યો છે એ કેવું ઘાતકી કામ છે? મારી રાણીના આ સખુનો સાંભળી મને વધારે ચીડ લાગી. તેથી તેની સનમુખ જઈ તેને મે કહ્યું કે આ તે પલીતને જે સજા કરવી ઘટે છે તે મેં કીધી છે. અને મેં તેને જેમ સજાએ પહોંચાડયો છે તેમજ તને પણ તારી ધિકકાર ભરેલી ચાલનો સ્વાદ ચખાડવો જોઈએ છે. મેં તેમ પહેલેધરથી નહીં કીધું તેથી હું પછતાવું છું, કારણકે તારી સાથે કીધેલી ભલાઈની કદર આજ સુધી તે બુજી નથી. એમ બોલી મે મારી તરવાર ખેંચી અને તેણીને મારી નાખવા મારો હાથ લંબાવ્યો.
ધિકકારથી હસ્તા ચહેરાસાથે તે બોલી કે ‘તારા ગુસ્સાને નરમ પાડ!’ તે મારી તરફ બિલકુલ બેદરકારીથી જોવા લાગી અને થોડીક પલ ગયા પછી તે કેટલાક શબ્દો બોલી કે જે મને સમજ પડયા નહીં. તે બાદ તે બોલી કે ‘મારા જાદુઈના હુન્નરની ખુબીથી હું તને આજથી ફરમાવું છું કે તું અર્ધુ આદમી અને અર્ધો પથ્થર થઈ જા!’ ખોદાવંદ! તમે જે હાલતમાં મને આજે જોવો છો તે હાલતમાં હું તે દિવસથી છું. જીવતા લોકોમાં મુવેલો અને મુવેલામાં જીવતો તે ગોયા હું છું!
જેને રાણીના નામનો મરતબો આપવો ન ઘટે તેને મે રાણી કરીને સદા બોલાવી હતી તેજ નાપેકાર જાદુગરે આ અવતાર મને આપી આ ઓરડામાં મને લાવી નાખ્યો છે. તેણીએ મારા રાજની રાજધાની પાયમાલ કીધી, મારી રૈયતે જે આબાદ અને સુખી હતી તેને બરબાદ કરી નાખી છે.
(ક્રમશ)
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025