તે બોલવા લાગ્યો કે ‘બાઈ તમારે આગમચથી કહેવું હતું કે તમારે આટલો બધો સામાન ખરીદવો છે તો તે લઈ જવા માટે હું એક ઘોડો અથવા ઉંટ લાવતે! આ ટોપલામાં જેટલો માલ ભરેલો છે તે ઉપરાંત જો તમો બીજો લાવી નાખશો તો ટોપલો મારાથી ઉંચકાઈ શકશે નહીં.’ તે મજુરની આ વાત સાંભળી તે સ્ત્રી હસવા લાગી અને કહ્યું કે ‘તું ગુપચુપ મારી પછવાડે આવ!’
ત્યારબાદ તે એક ગાંધીની દુકાને ગઈ અને ત્યાંથી ભાતભાતની ખુશબો તથા મસાલો ખરીદ કીધો જેથી મજુરનો ટોપલો બિલકુલ ભરાઈ ગયો તો પણ તેણીએ તેને પોતાની પુઠે ચાલવા કહ્યું. અંતે તેઓ એક મોટા અને રોનકદાર મકાન આગળ આવી પહોંચ્યા. તે હવેલીની આગળનો ભાગ સુંદર શોભીતા સ્થંભોથી શણગારેલો અને તેમાં દાખલ થવાનો દરવાજો હાથીદાંતનો બનાવેલો હતો. એ મકાન આગળ આવી તેઓ અટકયા ‘તે સ્ત્રીએ આસ્તેથી તે દરવાજો ઠોકયો. દરવાજો ઉઘડવાની તેઓ વાટ જોતા હતા એટલામાં તે હેલકરીના મનમાં સેંકડો જુદા જુદા વિચાર આવ્યા. પહેલા તો આ ઉમરાવજાદી સરખી બાનુને ઘરની ખિદમગાર બાંદી તરીકે કામકાજ કરતી જોઈ તે અજબ થવા લાગ્યો કારણ કે તે એક બાંદી હોય એમ માનવું તેને મુશ્કેલ લાગ્યું. તેણીનો દેખાવ અમીરજાદીને એટલો તો મળતો દીસ્તો હતો કે તે ખરેખર અમીરજાદીજ હોય તેમ લાગતી હતી. તે બાનુના દરજ્જા તથા મોભા વિશે તે પુછવા જતો હતો એટલામાં એક બીજી સ્ત્રી જેણે બારણું ઉઘાડયું તે પહેલી કરતા એટલી તો વધારે ખુબસુરત તેને માલમ પડી કે જેથી અચરતીનો માર્યો મુંગોજ થઈ રહ્યો. બલકે તે તેની ખુબસુરતી જોઈ પોતાના માથા પર જે તમામ ચીજોથી ભરેલો ટોપલો હતો તે તે નાખી દે એવુ થઈ પડયું. તેણે ધાર્યુ કે તેની આગળ ઉભેલી તેની બરોબરી કરનારી સ્ત્રી તેની આખી જીંદગીમાં કોઈ કાળે પણ તેને દીઠી હશે નહીં. જે સ્ત્રી તે હેલકરીને બોલાવી લાવી હતી તેણી તેને ગભરાટમાં પડેલો જોઈ તેનો સબબ પામી ગઈ. આ શોધથી તેણીને ગમત થઈ હતી અને તે હેલકરીના કૌતકો જોવામાં કામમાં એટલી તો ખુશ થઈ કે બારણું બંધ કરતા વિસરી ગઈ. બીજી સુંદર સ્ત્રીએ કહ્યું કે ‘બહેન અંદર આવો! તમે શા કાજે થોભી રહ્યા છો? તમો જોતાં નથી કે આ ગરીબ આદમીને માથે એટલો તો ભારી બોજો છે કે તે તેનાથી મુદલ ખમાતો નથી.!’
(ક્રમશ)
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024