ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

તેણી એ કહ્યું કે ‘હું કાઈ આ ઘરની એકલી માલેક નથી પણ તમો જો થોડો વાર થોભશો તો તમારી અરજનો જવાબ લઈ પાછી આવું છુ.’ પછી જઈને તેણીએ જાફરની સઘળી હકીકત પોતાની બહેનોને કહી. તેઓ શું કરવું તે વિચારમાં પડયા પણ તેઓ જાતે માયાળું દિલના હતા અને એજ રીતનો ઉપકાર તેઓએ તે ત્રણ ફકીરોની ઉપર કીધો માટે તેઓએ તે સોદાગરોને પણ અંદર દાખલ થવા દીધા. હવે ખલીફ, વડો વજીર તથા મસરૂર એઓની મુલાકાત સુંદર સફીયએ મેજબાનો સાથે કરાવી ત્યારે તેઓએ પેલી બે બાનુઓ, ત્રણ ફકીરો તથા હેલકરીને નમનતાઈ ભરેલી કુનસ બજાવી સલામ કીધી અને તેઓએ નવા આવેલા મેજબાનોને સોગારો ગણી તેવુંજ માન આપ્યું. તે ઘરની પ્રમુખ દાખલ ઝોબીનાએ ઘણીજ ગંભીરાઈ તથા દબદબાથી કહ્યું અને તેવો દેખાવ તેણીને ઘણોજ છાજતો હતો કે ‘તમો આવ્યા તો ભલે પણ હું તમારી પાસેથી એક શરત કરવાની રજા માંગી લઉ છું. તેથી તમારે તમારા દિલમાં માઠું લાવવું નહીં. તે વજીરે જવાબ દીધો કે ‘સરત જણાવો’ ઝોબીદાએ જવાબ દીધો કે ‘તે સરત એ છે કે તમોએ તમારી આંખો સુખેથી વાપરવી પણ તમારી જબાનને બંધ રાખવી! એટલે જે બનાવો તમારા જોયામાં આવે તે વિશે કાંઈબી સવાલો તમારે પુછવા નહીં અથવા તેનો સબબ જાણવા માટે તજવીજ કરવી નહીં તથા જે બાબતમાં તમને કાંઈ લાગે વળગે નહીં તેમાં તમારે કાંઈ બોલવું નહીં, નહીં તર તમને એવું સાંભળવું પડશે તે તમને પસંદ પડશે નહીં.’ તે વજીરે જવાબ દીધો કે ‘બાઈ! તમારા હુકમે તાબે છીએ અમો નાદાન નથી, અમો કોઈ કોઈને ઠપકો આપવા આવ્યા નથી અથવા કોઈ ચીજ જાણવાને આતુરમંદ નથી. પારકા લોકોનાં કામમાં માથું ઘાલ્યા વિના અમને અમારૂં કામ જે હોય તે ઉપર ચિત્ત આપવું બસ છે.’ આ વાતચિત થયા પછી તેઓ સર્વે ઘટતી જગાએ બેસી ગયા અને જુદી જુદી બાબતો વિશે વાતો કરવા લાગ્યા.
વજીર જાફર જ્યારે તે લોકોને પોતાની વાર્તા સંભળાવી ગમત આપતો હતો તે વેળા ખલીફ, તે બાનુઓની અસાધારણ ખુબસુરતી તેઓનો ચંચળ સ્વભાવ અને દિલપસંદ ચાલચલણની તારીફ પોતાના દિલમાં કર્યા વિના રહ્યો નહીં. પેલા ત્રણ ફકીરો જેઓ સર્વે જમણી આંખે આંધળા હતા તેમનો દેખાવ જોઈને તે વધારે તાજુબ થયો હતો. આ અચરત સરખા દેખાવનો તે સબબ જાણવા ચાહતો હતો પણ તે સ્ત્રીઓએ તેની તથા તેના સોબતીઓ ઉપર મૂકેલી ફરજોને લીધે તે વિશે સવાલ પુછવાને તેનાથી બન્યું નહીં. તે ઉપરાંત તે દિવાનખાનામાં જે અમૂલ્ય ચીજો બરોબર રીતે ગોઠવેલી તથા સરસામાનનો ભપકા ભરેલો દેખાવ કીધેલો જોઈ તેના મનમાં એજ વિચાર બેઠો કે ગોયા તે દેખાવ જાદુઈથી ઉત્પન્ન થયો હશે. (ક્રમશ)

Leave a Reply

*