શાયાન 12 વરસની હતી. તે નવસારીમાં તેના પપ્પા-મમ્મી-ગ્રેની અને તેનાથી મોટી બહેન ફ્રીયા સાથે રહેતી હતી. તે જ્યારે નાની હતી ત્યારે તેને તાવ આવ્યો અને તેના પગને પોલીયો થઈ ગયો. તે સરખી રીતે ચાલી નહોતી શકતી તેના પગમાં મેટલનું પગને સપોર્ટ આપવા પહેરેલું એક સ્ટેન્ડ હતું. તેની સાથે તે ધીમે ધીમે ચાલતી હતી.
શાયાન ખુબ જ સારી છોકરી હતી. પણ તે કોઈવાર ખુલીને હસતી નહોતી. તેના મા-બાપને હમેશા તેની ચિંતા રહ્યા કરતી પરંતુ શાયાનના પપ્પા મહેરનોશને આશા હતી કે આજે નહી તો કાલે શાયાન મનનથી સારી થઈ જશે. અને તે પણ તેની જીંદગી સારી રીતે જીવી શકશે.
કરોનાની બીમારી ચાલતી હોવાથી આ વરસે ખાસ કરી બધા ઘરમાંજ રહેતા હતા. નવસારીનું બજાર ખુલી જવા પામ્યું હતું અને લોકોએ થોડું થોડું ઘરની બહાર નીકળવાનું શરૂ કર્યુ હતું.
મહેરનોશે પણ ઓફિસ જવાનું ચાલુ કરી દીધું હતું. તેના ઓફિસ જતા રસ્તે એક ખેતર પડતું હતું. મહેરનોશે જોયું કે ત્યાં ખેતર પાસે વિયાયેલી કૂતરીએ પાંચ ગલૂડિયાંને જન્મ આપ્યો હતો.
ખેડૂતની પત્નીએ નવજાત ગલૂડિયાંને રહેવા-ફરવા માટેની સુરક્ષિત જગ્યા બનાવવાનું બીડું ઉપાડી લીધું. ખેતરમાં જ આવેલા તેમના ઘરની આગળ ખૂણામાં પાટિયા ગોઠવીને એમાં કોથળા અને ફાટેલા કપડાં પાથર્યા. ખેતર પાસે પાંચેય નાનકડા ગલૂડિયા તેમની માના બંને પગ વચ્ચે ભરાઈને દૂધ પીવા ધક્કામુક્કી કરતાં હતાં. અપંગ જન્મેલું એક ધોળું ગલૂડિયું તેની અધખુલ્લી આંખે દૂધ પીવા ફાંફા મારતું બીજા ગલૂડિયાં પર ચડ્યું અને તે બાજુમાં ગબડી પડ્યું. બીજાં ગલૂડિયાં સામે એ અપંગ ગલૂડિયું બાજુમાં હડસેલાઈ જતું, પણ મોકો મળે ત્યારે બે ગલૂડિયા વચ્ચે જગ્યા શોધી અંદર ઘૂસી જતું અને ધરાઇને દૂધ પી લેતું હતું. આ ઘસઘસાટ ઊંઘતા કોમળ ગલૂડિયાંને ખેડૂતની પત્નીએ હાથમાં લઈ તેમના બનાવેલા ઘરમાં મૂકી સુરક્ષિત હુંફ આપી.
આમને આમ દિવસો વિતતા ગયા અને પતેતીનો પનોતો તહેવાર આવી રહ્યો હતો. શાયાનની મમ્મીએ મુકતાદના દિવસોમાં એક રૂમમાં તેઓના સાસરા માટે ટેબલ સજાવ્યું અને બધાએ સાથે મળી પ્રાર્થના કરી કારણ કે કરોના બીમારીને લીધે અગિયારીમાં પ્રવેશ બંધ હતા.
કરોના બીમારીને લીધે બધાજ ઘરે હતા. ફ્રીયા પોતાના મિત્રોને કોલ કરતી, વોટસઅપ ચેટ ચાલુ જ હતું. તે પોતાની દુનિયામાં મસ્ત હતી ઘરના બીજા બધા લોકો પણ એમ તો ખુશ જ હતા. પરંતુ શાયાન તે હમેશા એકલી બારીમાં બેસી નીચે ગાર્ડનમાં આવતા બાળકોને જોયા કરતી. મહેરનોશ તેને જોઈ ખૂબ દુ:ખી થતો તેને ખબર નહોતી પડતી કે શાયાન તે કેવી રીતે ખુશ કરે?
આ તરફ પચ્ચીસેક દિવસના થયેલા ચાર સ્વસ્થ ગલૂડિયાં મસ્તીખોર પાક્યાં હતાં, પણ અપંગ ગલૂડિયું શાંતિથી તેની માનું દૂધ પી ને ખૂણામાં ગૂંચળું વળીને પડ્યું રહેતું. મસ્તી કરવા જ્યારે ચારેય ગલૂડિયાં પાટિયાં નીચેની જગ્યાએથી સરકીને ભાગી જતાં ત્યારે એ બિચારૂં એકલું પડી જતું. બીજા ગલડુયિાની સાથે મસ્તી કરતા કરતા તે ગુલાટ મારી જતું ફરી પાછું ઉઠતું અને તેઓ સાથે રમતા પાછું લંગડાતું લંગડાતુ દોડતું. ફરી પાછું પડતુ અને ફરી પાછું ઉઠીને મસ્તીએ ચડતું. ગલુડિયાઓની મસ્તી જોઈ ખેડૂતે દરવાજા બહાર ‘ગલૂડિયાં વેચવાના છે’ એનું એક નોટિસ બોર્ડ મારી દીધું.
મહેરનોશ દરરોજ ત્યાંથી પસાર થતો અને આ અપંગ ગલુડિયાની મસ્તી જોતો ખબર નહીં તેના મનમાં શું વિચાર આવ્યો પરંતુ તે વિચારથી તેના ચહેરા પર એક મીઠ્ઠુ એવું સ્માઈલ આવી ગયું.
નવા વરસનો પનોતો દિવસ આવી લાગ્યો. આજે નવું વરસ હતું. ઘરમાં બધાજ સવારે જલ્દી ઉઠયા હતા. ઘરમાં જમવાનાની સુગંધ આવવા લાગી. શાયાને પણ નવું ફ્રોક પહેર્યુ. બધાએ સાથે મળી પ્રાર્થના કરી. મહેરનોશે બધાને સરપ્રાઈઝ ગીફટ આપ્યા. અને શાયાનને કહ્યું બેટા, તારી ગીફટ હું હમણાં લેવા જાઉં છું શું તું મારી સાથે એ ગીફટ લેવા આવશે. શાયાન અને મહેરનોશ બન્નેજ ગીફટ લેવા માટે ઘરની બહાર નીકળી ગયા. પોતાની ગાડી લઈ તે પેલા ખેડૂતના ખેતર પાસે આવ્યા. દરવાજો ખખડાવી બૂમ મારી…
ખેડૂત ખેતરનું કામ મૂકીને ત્યાં આવી પહોંચ્યો.
મહેરનોશ બોલ્યો મારે એક ગલૂડિયું ખરીદવું છે.
ખેડૂતે પરસેવાથી ભીનું કપાળ રૂમાલથી લૂછતાં કહ્યું, હા બોલો સાહેબ આ ગલૂડિયાં ખૂબ સરસ જાતના અને તંદુરસ્ત છે, હા પણ હું એક ગલુડિયાના સો રૂપિયા લઈશ.
મહેરનોશ તૈયાર થઈ ગયો.
ખેડૂતે પત્નીને ટહુકો પાડી ગલૂડિયાં લઈ આવવા કહ્યું.
ગલૂડિયાં-ઘરનો દરવાજો તેની પત્નીએ ખોલ્યો એવા તરત જ પાંચેય મસ્તીખોર ગલૂડિયાં ‘હવે રખડવા મળશે’ એ વિચારે ગાંડાઘેલાં થઈ બહાર દોડ્યાં…! ધોળા દૂધ જેવા પાંચેય ગલૂડિયાંને લઈને ખેડૂતની પત્ની દરવાજે આવી. કપાસના ઢગલા જેવા પાંચ ક્યૂટ ગલૂડિયાં જોઈને મહેરનોશનો ચહેરો ખીલી ઉઠયો! પાંચ ગલૂડિયાંમાં એક ગલૂડિયું પગેથી ખોડું (અપંગ) હતું. તે થોડાક ડગલાં ચાલવા જતું ને ગબડી પડતું. ચાલવા કરતાં તે કદાચ ગબડી ગબડીને વધુ અંતર કાપીને પહોંચ્યું હતું.
તે ગલુડિયાને જોઈને શાયાન પણ ગાડીમાંથી ઉતરી પડી.
એ ખોડંગાતું ગલૂડિયું જોઈને શાયાનના ચહેરા પણ પહેલીવાર ખુશીનું સ્મિત આવ્યું મહેરનોશ આ જોઈ રહ્યો. શાયાને મહેરનોશને કહ્યું, પપ્પા મને તો આ અપંગ ગલૂડિયું જોઈએ છે.
ખેડૂત બોલ્યો એે ગલૂડિયું બીજા ગલૂડિયાંની જેમ દોડીને રમી નહીં શકે. હું તને બીજું ગલૂડિયું આપું.
શાયાને નીચા નમી તેનું લાંબુ ફ્રોક ઉંચુ કર્યુ તેણે ઢીંચણ સુધી ખાસ પ્રકારના ડુપ્લિકેટ સ્ટીલના પગ અને બુટ પહેરેલા હતા. તેણે કહ્યું, જુઓ અંકલ, હું પણ અપંગ છું. હું પણ તેની જેમ દોડી નથી શકતી, પણ એ ગલૂડિયાંની તકલીફ હું સારી રીતે સમજી શકું છું. પ્લીઝ અંકલ. મને એજ ગલુડિયું ખરીદવું છે.
છોકરીનો અપંગ પગ પર ચડાવેલો સ્ટીલનો પગ જોઈને ખેડૂતના હૈયામાં સહાનુભૂતિ ઉભરાઇ આવી. ભીની આંખે તેમણે એ અપંગ ગલૂડિયાંને હાથમાં લીધું. દરવાજો ખોલી છોકરીના હાથમાં રૂના ઢગલા જેવુ પ્યારું ગલૂડિયું મૂક્યું.
ગલૂડિયાંનો સુંવાળો સ્પર્શ અને માયાળું કાળી આંખો જોઈને શાયાનના હોઠ પર તરત જ ફરી પાછું સ્મિત ખીલી ઉઠ્યું. તેણે ખભાથી ભીની આંખો લૂછતા કહ્યું, અંકલ, આ ગલૂડિયું મને ખૂબ જ ગમે છે. કેટલા રૂપિયા થયા?
શાયાનના અવાજમાં ભળેલી લાગણીનો સૂર સાંભળીને ખેડૂતનું હૈયું ભરાઈ આવ્યું. તેના માથા પર હેતાળ હાથ મૂકીને કહ્યું, બેટા, આ ગલૂડિયાંને એવા વ્યક્તિની જરૂર છે જે એની તકલીફને સમજી શકતું હોય. તારા માટે હવે આ ગલૂડિયું બિલકુલ મફત છે. જ્યાં પ્રેમ ચૂકવાતો હોય ત્યાં પૈસાનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે.
કદાચ મહેરનોશની આશા આજે નવા વરસના દિને પૂરી થઈ હતી….
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024