પરવેઝ અને કેશમીરા બન્ને દસમાં ધોરણથી સંજાણની સ્કુલમાં સાથે જ હતા અને આગળ જઈને કોલેજમાં પણ બંને સાથે ભણતા હતા. બંને વચ્ચે સારી મૈત્રી થઈ હતી અને તેઓ એકબીજાના સારા મિત્રો પણ હતા. કોઈપણ જાતની મદદ જોઈતી હોય તો તેઓ બંને એકબીજાને અવશ્ય કહેતા અને એકબીજાની મદદ પણ કરી લેતા. ધીમે ધીમે કોલેજમાં આવ્યા પછી આ મૈત્રી પ્રેમમાં પરિવર્તન થવા લાગી અને બંનેને એકબીજાના પ્રેમમાં પડયા.
કોલેજ પૂરી થઈ ગઈ તોપણ તેઓ એકબીજાને કોઈ કારણસર મળી જ લેતા. પરવેઝ અને કેશમીરા બન્ને પારસી હતા. એટલે લગ્નની પરમીશન તરત જ મળી ગઈ. બન્નેના ઘરવાળા આ લગ્નના સંબંધથી ખુબ જ ખુશ હતા. પરવેઝને વધુ અભ્યાસ માટે વિદેશ જવું હતું અને વિદેશ જવા માટેની બધી તૈયારીઓ તેણે કરી પણ લીધી હતી, એટલું જ નહીં તેને વિદેશ જવા માટે સ્કોલરશિપ પણ મળી ગઇ હતી કેશમીરાનો પરીવાર પણ આ વાતથી ખુબ આનંદીત હતો કે તેમનો થનારો જમાઈ વિદેશ ભણવા માટે જઈ રહ્યો છે. બંને પરિવારે અત્યારે સગાઈ કરવાનું નક્કી કર્યું.
ધામધૂમથી બંનેની સગાઇ કરવામાં આવી અને સગાઈના થોડાક દિવસોમાં પરવેઝ વિદેશ ભણવા માટે જતો રહ્યો. પરંતુ તેનું મન હંમેશા અહીંયા તેના પરિવાર અને કેશમીરામાં જ પરોવાયેલું રહેતું હતું.
વિદેશ ગયા પછી પણ તે પોતાના પરિવાર અને કેશમીરા સાથે વાત કરવાનું ચુકતો નહોતો. છ મહિનામાં પરવેઝ વિદેશમાં સેટ થઈ ગયો. અને ધીરે ધીરે તેણે ભણવામાં પણ ધ્યાન આપવા લાગ્યું. આમ સમય પસાર થતો ગયો. પરવેઝને વિદેશ જઈ એક વરસ પૂરૂં થઈ ગયું. કેશમીરાની એક બહેનપણીના લગ્નમાં જવાનું હોવાથી કેશમીરા અને તેની કેટલીક સહેલીઓ કાર મારફતે મુંબઈ લગ્નમાં હાજરી આપવા ગઈ. આવતી વખતે કેશમીરાની કારને ભયંકર મોટો એકસીડન્ટ થયો. બધા લોકોના જીવ તો બચી ગયા પરંતુ કેશમીરાના મુંગો માર લાગતા તે પોતાની બોલવાની શક્તિ ખોઈ ચુકી હતી. ડોકટરના જણાવ્યા મુજબ કેશમીરા ફરી પાછી કયારે પણ બોલી શકવાની નહોતી.
અકસ્માત થયાના દિવસે જ દરરોજની જેમ વિદેશ ભણવા ગયેલા પરવેઝે તેને ઘણા બધા ફોન કોલ્સ કર્યા પણ જવાબ કોણ આપે? પરવેઝે બીજી રીતે પણ સંપર્ક કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ કોઈપણ રીતે સંપર્ક થયો નહીં.
કોશમીરાએ પોતાના ઘરવાળાને સમજાવ્યું કે તે પરવેઝ સાથે હવે લગ્ન કરવા નથી માંગતી તેનું જીવન બરબાદ કરવા માંગતી નથી કારણકે પરવેઝ ખૂબ જ બોલકણો છે અને હું તો એની સાથે હવે વાત કરી શકું તેમ પણ નથી તો આવી પરિસ્થિતિમાં અમારૂં આખું જીવન સાથે કઈ રીતે પસાર થાય?
અને કેશમીરાના કહેવાથી તેનો પરિવાર સંજાણ છોડી, નવસારીમાં આવીને વસવાટ કર્યો. પરવઝના પરિવારે પણ કેશમીરાની ઘણી શોધખોળ કરી પરંતુ તેઓનો કોઈ પણ પત્તો લાગ્યો નહીં. છેવટે પરવેઝે પણ કેશમીરાને ફોન કરવાનું છોડી દીધું.
કેશમીરાને પણ લાગ્યું કે પરવેઝ હવે તેને ભુલી ગયો હશે. કેશમીરા ઘણીવાર પરવેઝને યાદ કરી રડી લેતી હતી. કારણ કે હવે તેની જીંદગી વિરાન બની ગઈ હતી. પરંતુ તેની પાસે કોઈ પણ ઓપ્શન નહોતું. હવે બે વરસ વીતી ગયા હતા. પરવેઝ સંજાણ પાછો આવ્યો હતો અને તેને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી પણ મળી ગઈ હતી.
પરવેઝ આટલા જૂના પ્રેમને ભુલવા બિલકુલ તૈયાર નહોતો. તેણે કામની સાથે કેશમીરાને શોધવાનું ચાલુ રાખ્યું અને એક દિવસ કેશમીરાની એક બહેનપણી પરવેઝને ભેટી પડી. તેની બહેનપણીએ પરવેઝને કેશમીરાના એકસીડન્ટથી લઈ તે બોલવાની શક્તિ ગુમાવી ચુકી છે તે બધી જ વાત જણાવી. અને હાલમાં તેઓ નવસારીમાં રહે છે તેમ જણાવ્યું.
એક દિવસ અચાનક બપોરના સમયે કેશમીરાના ઘરે તેની બહેનપણી મળવા આવી ગઈ અને હાથમાં પરવેઝના લગ્નનું ઈનવીટેશન કાર્ડ હતું. કેશમીરાના આંખમાંથી આંસુ નીકળી આવ્યા. તેણે ઈન્વીટેશન કાર્ડ ખોલી જોયું તો પરવેઝ સાથે તેનુ પોતાનું નામ હતું. તે કંઈ વિચારે તે પહેલાજ પરવેઝ ઘરમાં આવી જાય છે. કેશમીરા તેને જોઈ રડી પડે છે. પરવેઝ ઘરના બીજા સભ્યોની સામેજ કેશમીરાને પોતાની બાંહોમાં ભરી લે છે.
કેશમીરા તેને સાંકેતિક ભાષામાં કંઈ જણાવે છે અને પરવેઝ પણ તેને સાંકેતિક ભાષામાં જ જવાબ આપે છે અને જણાવે છે કે મને તારી પાસે આવતા થોડું મોડું થયું કારણ કે મેં પણ સાંકેતિક ભાષાનો કોર્સ કર્યો છે ફકત તારા માટે. કેશમીરાના હાવભાવ તરત જ બદલાઈ જાય છે અને હવે તે પરવેઝને ભેટી પડે છે.
- દિવાળી અને આપણી સંસ્કૃતિ - 26 October2024
- દિવાળી…..એ પણ શું દિવાળી હતી!! - 26 October2024
- જોન્સન ગાર્ડનનું નામ બદલીને ફીલ્ડ માર્શલ સામ માણેકશા ગાર્ડન કરવામાં આવ્યું - 26 October2024