ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો. સામે હેબતાઈ જવાઈ તેવું કારણ પણ હતું પોતાના શાળાના સમયના ખાસ મિત્રો. મોટા મોટા ઉધોગપતિઓના ઠાઠમાં અને પોતે એક વેઈટરના રૂપમાં. સહેજે પચીસ વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા ચાર જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા ન હતા.
ચારમાંથી બે મોબાઈલ પર વ્યસ્ત હતા અને બાકીના બે લેપટોપ પર કદાચ હમણાં જ થયેલી કોઈ મોટી ડીલના આંકડા ગણી રહ્યા હતા. સ્કૂલના મિત્રો ઘણા આગળ વધી ગયા હતા અને પોતે પરિસ્થિતિને તાબે થઈ ને કોલેજ સુધી પણ પહોંચ્યો ન હતો. વચ્ચે બે – ત્રણ વાર ટેબલ પર જવાનું થયું, પણ સુખદેવે સિફતથી પોતાની નેમ પ્લેટ છુપાવીને વાનગી સર્વ કરી.
ચારે બિઝનેસમેન ડિનર પતાવીને નીકળી ગયા. હવે પાછા અહીં ક્યારેય ન આવે તો સારું. પોતાની નિષ્ફળતાને કારણે શાળાકાળના મિત્રો સાથે ઓળખાણ તાજી કરતાં સુખદેવને ભારે સંકોચ થયો હતો.
સુખદેવ, ટેબલ ક્લીન કરી નાખ. ત્રણ હજારનું બિલ ને સાલાઓએ એક પૈસો પણ ટીપમાં નથી મૂક્યો. મેનેજર બબડતો હતો. ટેબલ સાફ કરતા સુખદેવે ટેબલ પર પડેલો પેપર નેપ્કિન ઉપાડ્યો. બિઝનેસ ચલાવતા લોકોએ પેનથી કદાચ પેપર નેપ્કિન પર પણ આંકડા માંડ્યા હતા. ફેંકી દેતા પહેલાં એનાથી પેપર નેપ્કિન તરફ જોવાઈ ગયું. તને ટીપ આપતાં જીવ ચાલ્યો નહીં સુખા, આ હોટેલ પાસે જ ફેક્ટરી લીધી છે એટલે અહીં આવવા જવાનું તો થતું રહેશે,
તું અમારી સાથે જમતો ન હોય અને અમારે માટે, જમવાનું લાવતો હોય એ કેવું લાગે ? આપણે તો નાસ્તાના એક જ ડબ્બામાંથી ભાગ પડાવતા, સુખા આજે આ નોકરીનો તારો છેલ્લો દિવસ, ફેક્ટરીનો કાફેટેરિયા કોઈએ તો ચલાવવો પડશેને ?
લિ.
નવચેતન સ્કૂલના તારા નામચીન દોસ્તો…
નીચે ફેક્ટરીનું નામ અને ફોન નંબર લખેલા હતા.
અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી ટીપને સુખદેવે ચૂમીને છાતી સરસી ચાંપીને ખિસ્સામાં મૂકી દીધી.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024