નોશીરનું કુટુંબ સંજાણમાં હળીમળીને સાથે રહેતુ હતુ. કુટુંબના દરેક સભ્યો જેમાં નોશીર, ખોરશેદ તેના બંને છોકરા, તેની વહુઓ અને બંનેને બે-બે એમ ચાર સંતાન સાથે રહેતા. ઘરમાં બધાને એક્બીજા સાથે ભળતુ અને હા કોઈ વખત નાની વાતમાં ટસમસ થતી પરંતુ બાકી બધા ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા.
નોશીરે પણ પાંચ વર્ષ પહેલા જ પોતાના માથેથી બધો કાર્યભાર પોતાના બંને સંતાનો ને સોંપી દીધો હતો. અને દુકાનની બધી જવાબદારી બંને સંતાનોએ નાની ઉંમરમાં જ માથે લઈ લીધી હતી, દુકાન માંથી આવક પણ સારી એવી થતી અને બંને દિકરાઓ અવનવા વિચારો અજમાવી ને દુકાનના વેપાર ને વધારતા રહેતા.
નોશીર વૃધ્ધ થઈ રહ્યા હતા. નિવૃત થયા ત્યારે કુટુંબના લોકોએ તેમનેે એક સરપ્રાઈઝ આપવાનું નક્કિ કર્યુ હતુ. અને તેથી નોશીર માટે લગભગ ઘણી બધી સુખ સુવિધાઓ સાથે તેઓને ઘરના ઉપર અલગથી રૂમ આપવામાં આવ્યો, પહેલા માળ પર નોશીર રહેવા લાગ્યા ત્યાં તેમને ભરપુર સુખ સુવિધા આપી.
થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું પછી નોશીરે અચાનક કહ્યું કે મને મારો રૂમ પાછો નીચે શિફ્ટ કરાવી આપો મને ઉપર નથી ફાવતું, તેમની ધણીયાણી ખોરશેદ પણ ઉપરના રૂમથી ઘણીજ ખુશ હતી. ઉપર નાની ટેરેસ પર તેમણે હીંચકો બાંધ્યો હતો, થોડા નાના ઝાડના ાઓ લગાવ્યા હતા. તેથી ખોરશેદ ઉપરનો રૂમ છોડવા તૈયાર નહોતી પરંતુ નોશીર ઉપર રહેવા તૈયાર નહોતા. તેમના મોટા દીકરાએ કહ્યું કે તમને શું વાંધો છે? પણ નોશીર જાણે જીદ કરી રહ્યા હોય એ રીતે કહી રહ્યા હતા.
રસોડામાં ઊભી રહેલી વહુથી પણ રહેવાયું નહીં અને તે પણ બોલી કે ઘરડા લોકોને કોઈ માણસ અલગથી રૂમ આપતા નથી અને આપણે તેને પહેલે માળે અલગથી રૂમ આપી બધી સુખ સગવડતાઓ આપી અને નોકરાણી પણ આપી છે પરંતુ જાણે કાંઈ આપણી કદર જ નથી. તેઓ પોતાના રૂમમાં આરામથી રહી શકે છે તેમ છતાં તેને નીચે ફરી શિફ્ટ થવું છે.
પરંતુ થોડા સમયમાં નોશીરની તબિયત ખરાબ થઈ ખોરશેદ પણ ગભરાય ગયા અને દીકરાઓએ સમજીને ફરી પાછો રૂમ નીચે કરી નાખ્યો અને નોશીર ને નીચે રહેવા બોલાવી લીધા.
હવે નોશીર પહેલાની જેમ નીચે રહેવા આવી ગયા હતા, અને પોતાના રૂમમાં હંમેશા આરામ કરવા વાળા નોશીર હવે થોડા હલનચલન પણ કરતા અને ઘરના ગેટ સુધી પણ પહોંચી જતા.
થોડા સમય સુધી પોતાના પૌત્ર સાથે વાત કરતા, બધા સાથે હસી મજાક કરતા અને ક્યારેક ક્યારેક બહાર બનાવેલા નાનકડા ગાર્ડનમાં પણ ચક્કર મારતા.
ઘણી વખત નોશીર પોતાના જમવા માટે મનપસંદ ખાવાની વસ્તુઓ બનાવવાની ફરમાઈશ પણ કરી લેતા.
નોશીર નીચે રહેવા આવ્યા પછી જાણે પહેલા કરતાં વધુ આનંદથી જીવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું.
ધીમે ધીમે નોશીરની તબિયત પણ સુધરી રહી હતી, અને તેઓ ઘણી વખત છોકરાઓ સાથે બેસીને વાતચિત કરતાં તેમની સાથે રમતા પણ ખરા. એક દિવસ નેશીરનો મોટો દીકરો સોરાબ ઘરે આવ્યો તો ઘરનો દરવાજો ખોલતાની સાથે તેને સાંભળ્યું કે પોતાનો દીકરો ચીંટુ ગ્રેન્ડપાને કહી રહ્યો છે કે ગ્રેન્ડપા મને મારો બોલ ફેકો, આ સાંભળતાની સાથે જ તેણે ચીંટુને થોડા મોટા અવાજથી કહ્યું કે તું શું કરી રહ્યો છે?
ગ્રેન્ડપા હવે ઘરડા થઇ ગયા છે તેને આવા કામ માટે ન હેરાન કર, તેને આરામ કરવા દે.
એટલે એના ચીંટુ એ તરત જ જવાબ આપ્યો કે પપ્પા ગ્રેન્ડપા તો રોજ મારો બોલ મને ફેકે છે અને અમે દરરોજ રમીએ છીએ.
શું? એક આશ્ચર્ય ભાવ સાથે સોરાબે તેના પિતા તરફ જોયું.
તો નોશીરએ કહ્યું કે દીકરા તે મને ઉપર જે સુખ સગવડતા વાળો રૂમ આપ્યો હતો તેમાં કોઈ જાતનો વાંધો ન હતો અને દરેક સુવિધાઓ પૂરી પાડતી હતી અને મને ત્યાં બીજો કોઇ જ વાંધો ન હતો. પરંતુ ત્યાં આપણા લોકોનો સાથ સહકાર હતો નહીં, હું બાળકો સાથે હળી-મળીને રમી શકતો નહીં કે વાતચીત પણ કરી શકતો નહીં. બસ ખાલી જમવા પૂરતું જ તમારી સાથે વાતચીત થતી.
જ્યારથી તેં મારો રૂમ નીચે શિફ્ટ કર્યો છે ત્યારથી હું અહીં ફળિયામાં ઘણો સમય વિતાવો છું અને સાંજે બધા છોકરાઓ સાથે હળી મળીને તેમની જોડે નાના બાળકની જેમ આનંદ પણ કરું છું. આજુબાજુના પાડોશી સાથે પણ થોડો સમય ગપ્પા મારૂં છું.
નોેેેેશીર કહી રહ્યા હતા અને તેનો સોરાબ સાંભળી જ રહ્યો હતો તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી, પછી તેને તેની ભૂલ સમજાણી કે પિતાને આપણે કદાચ ભૌતિક સુખ-સગવડતા તો ઘણી આપી દીધી હતી પરંતુ આપણા સાથની જરૂર હતી તે તેઓને મળતો ન હતો આપણી લાગણીની હુંફ મળતી ન હતી.
એટલે જ કદાચ કહેવાય છે કે ઘરડા વ્યક્તિઓનું સન્માન કરવું જોઈએ આ જ આપણી ધરોહર છે. ઘરડા વ્યક્તિઓએ એવા વૃક્ષ છે જે થોડા કડવા હશે પરંતુ તેના ફળ બેશક મીઠા હોય છે અને તેના છાયા નો મુકાબલો કોઈ સાથે થઈ શકે તેમ નથી.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024