શિરીનને દરરોજ સૂતા પહેલા ડાયરી લખવાની ટેવ હતી. તે દિવસના બધાજ બનાવો તે ડાયરીમાં નોંધતી અને પરવરદેગારનો આભાર માનવાનું નહીં ભુલતી. તેનો દિવસ સારો જાય કે ખરાબ તે મનમાં ફકત સારા જ વિચાર કરતી અને એને મનમાં હતું કે પરવરદેગાર હમેશા તેની મદદ માટે તત્પર રહેતા!
એક રાતે શિરીને લખ્યું કે હું ખુબ જ સુખી અને સંતુષ્ટ છું, મારા ધણી ખુબ જોરથી નસકોરા બોલાવી રહ્યા છે અને રાતના પડતાની સાથે જ તેમને ઉંઘ આવી જાય છે. કારણ કે તે આખો દિવસ ઓફિસમાં સખત મહેનત કરે છે. પરવરદેગારના શુક્રાના.
હું ખુબ જ સુખી અને સંતુષ્ટ છું, મારો દીકરો દાનેશ સવારની પહોરમાં મારી સાથે દલીલ કરે છે કે મચ્છરોને આખી રાત તેને સુવા નથી દીધો. એનો મતલબ એ આખી રાત ઘરે જ હતો. તે કોઈ ખરાબ સંગતમાં નથી. પરવરદેગારના શુક્રાના.
હું ખુબ જ સુખી અને સંતુષ્ટ છું, કારણ કે મારા સાસુ મને દરેક વસ્તુમાં રોક ટોક કરે છે પણ તેનાથી મને જીવન જીવવાની સમજણ પડે છે. મારા સસરા દર બે કલાકમાં મારી પાસે મસાલેદાર ચાની માગણી કરે છે. પણ તેમને મારી નાની દીકરી સાથે હસતા રમતા લાડ લડાવતા જોઈ હું મારૂં સર્વ દુખ ભુલી જાઉં છું. પરવરદેગારના શુકાના.
હું ખુબ જ સુખી અને સંતુષ્ટ છું, દર મહિને લાઈટ બીલ, ગેસ, પેટ્રોલ, પાણી વગેરેનું બીલ હું ચુકવું છું. મારો મતલબ, મારી પાસે બધું છે, જે વસ્તુનો ઉપયોગ હું કરૂં છું. જો મારી પાસે આ વસ્તુઓ ન હોત, તો જીવન જીવવું કેટલું મુશ્કેલ હતું. પરવરદેગારના શુક્રાના.
હું ખુબ જ સુખી અને સંતુષ્ટ છું,
હું દિવસના અંત સુધી ખૂબ જ થાકી જાઉં છું. પરંતુ મારી પાસે આખો દિવસ સખત મહેનત કરવાની શક્તિ છે અને કુટુંબના વહાલા લોકો છે જેને માટે મને કામ કરવું ગમે છે. પરવરદેગારના શુક્રાના.
હું ખુબ જ સુખી અને સંતુષ્ટ છું, દરરોજ મારે ઘર સાફ કરવું પડે છે. આખો દિવસ ઘરની સાફ સફાઈમાં નીકળી જાય છે. આનો મતલબ કે મારે પોતાનું મોટું મકાન છે. જેની પાસે ઘર અથવા છત નથી તેનું શું? પરવરદેગારના શુક્રાના.
હું ખુબ જ સુખી અને સંતુષ્ટ છું, કેટલીકવાર મોટી બીમારી થાય છે. પરંતુ તે તરત જ સ્વસ્થ થઈ જાય છે. હું સારી તંદુરસ્ત છું. પરવરદેગારના શુક્રાના.
હું ખુબ જ સુખી અને સંતુષ્ટ છું, દરેક તહેવારમાં મારૂં પર્સ ખાલી થઈ જાય છે. કારણ કે મારા સગાસંબંધીઓ છે. જેમની હું મુલાકાત લઉ છું અને તેમની સાથે મારા સારા તહેવારોની ઉજવણી કરૂં છું. પરવરદેગારના શુક્રાના.
હું ખુબ જ સુખી અને સંતુષ્ટ છું, મારા આડોશી પાડોશી દરેક બાબતમાં પોતાની સલાહ આપે છે એનો મતલબ તેઓનું ધ્યાન હમેશા મારા ઘર પર હોય છે. કોઈ તો છે જે અમારૂં ધ્યાન રાખે છે. પરવરદેગારના શુક્રાના.
હું ખુબ જ સુખી અને સંતુષ્ટ છું, દરરોજ સવારે એલાર્મ વાગે છે. હું જાગી જાઉં છું. મારો મતલબ કે, હું દરરોજ નવી સવાર જોઉં છું. પરવરદેગારના શુક્રાના.
નવરોઝના આ નવા રોજના દિવસે ચાલો આપણે જીવન જીવવાના આ સૂત્રનો ઉપયોગ કરીને, આપણે આપણું અને આપણા લોકોનાં જીવનને સુખી બનાવીએ અને દરેક ક્ષણે પરવરદેગારને શુક્રાના કરી તેમનો આભાર માનીએ!
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025