કાર સર્વિસમાં આપી હોવાથી થોડા સમય પહેલા મારે એક રિક્ષામાં બેસવાનું થયું. વાતોડિયા રીક્ષા ચાલકે રીઅર-વ્યુ મિરરમાં જોઈને મારી સાથે સંવાદ શરૂ કર્યો, કોવીડના કેસીસ પાછા વધી રહ્યા છે, નહીં? માસ્કની પાછળ ઢંકાયેલા મારા મોઢામાંથી બહુ જ ઠંડો પ્રતિસાદ નીકળ્યો, હા.
મેં કરેલી ઉપેક્ષા અને ઈનડિફરન્સની પરવા કર્યા વગર તેણે પોતાની વાત આગળ વધારી, ‘મારી મમ્મીને પણ ખૂબ ગંભીર કોવીડ થઈ ગયેલો.’
મેં કહ્યું, ‘ઓહ, હવે કેવી છે એમની તબિયત?’
એ કહે, ‘ચકાચક. મેં સાજી કરી દીધી ને!’
આ સાંભળીને મારી અંદર રહેલો ડોક્ટર ગિન્નાયો. મેં પૂછયું, ‘તમે એમની સારવાર કરી?’
મને કહે, ‘ના, સારવાર તો ડોક્ટરોએ કરી. પણ સાજી મેં કરી.’
મેં પૂછ્યું, ‘કઈ રીતે?’ તો એ કહે, ‘એક જુઠ્ઠાણું બોલીને.’
‘મમ્મીને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે એની તબિયત બહુ ખરાબ હતી. શ્ર્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. ડોક્ટર સાહેબે તો મને એ જ દિવસે કહી દીધેલું કે હાલત ગંભીર છે. કદાચ ન પણ બચે. મેં એમને એટલી જ વિનંતી કરી કે આ ગંભીરતાની જાણ મમ્મીને ન કરતા. તમે તમારી સારવાર શરૂ રાખો, બાકી બધું મારા પર.
મેં જ્યારે પહેલા દિવસે વિડીયો-કોલ પર વાત કરી ત્યારે મમ્મી નિરાશ હતી. એવું લાગ્યું હતું કે જાણે લડાઈ શરૂ થતા પહેલા જ તેણે હાર સ્વીકારી લીધી છે. મોઢા પર ઓક્સીજન માસ્ક હોવાને કારણે, એ શું બોલે છે? એ સ્પષ્ટ સમજાતું નહોતું પણ એણે રડતા રડતા કહેલી એક વાત મને સંભળાઈ ગઈ. એણે કહ્યું કે હું બચીશ એમ નથી લાગતું. ત્યારે મારા મોઢામાંથી એક જુઠ્ઠાણું નીકળી ગયું. મેં કહ્યું કે તને ભલે એવું લાગે પણ ડોક્ટર તો એવું કહેતા હતા કે બે દિવસ પછી તને રજા આપવાના છે! આ સાંભળીને અચાનક તેનો આ બીમારી પ્રત્યેનો અભિગમ બદલી ગયો. એવું લાગ્યું કે એણે જીવતા રહેવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા.’
‘બીજા દિવસે જ્યારે ડોક્ટર મને મળ્યા, ત્યારે પણ મમ્મીની તબિયતમાં કોઈ સુધારો નહોતો. પણ મમ્મીની સામે મેં મારું જુઠ્ઠાણું આગળ ચલાવ્યું. મેં કહ્યું કે ડોક્ટર કહેતા હતા કે ગઈકાલ કરતા તો આજે ઘણો સુધારો છે. તું સાજી થઈ રહી છે. ત્રીજા દિવસે ડોક્ટરે મને કહ્યું કે થોડો સુધારો દેખાય છે, તો મેં મમ્મીને એવું કહ્યું કે એ લોકો રજા આપવાનું વિચારી રહ્યા છે. જેમ જેમ મારા જુઠ્ઠાણા વધતા ગયા, એનો આત્મ-વિશ્વાસ પણ વધતો ગયો. મારા જુઠ્ઠાણાથી ધીમે ધીમે એને ભરોસો બેસતો ગયો કે એ ખરેખર સાજી થઈ શકે છે. પછી શું? એની તબિયત હકીકતમાં સુધરવા લાગી. થોડા દિવસો પછી સાવ સાજી થઈને એ ઘરે આવી ગઈ.’
બહુ વિચિત્ર અનુભવ હતો આ! મેં મારી જાતને બહુ સમજાવી કે આવી બિન-વૈજ્ઞાનિક ઘટનાઓનું એનાલિસિસ કરવાનું ન હોય. ફક્ત ઈમોશનલ સપોર્ટ કે આશાવાદના ઈન્જેકશન આપીને કોઈ પોતાના બીમાર સ્વજનને કેવી રીતે સાજા કરી શકે?
પણ પછી મને સાયકોએનાલીસ્ટ સિગમંડ ફ્રોઈડનું એક ક્રાંતિકારી વિધાન યાદ આવ્યું, A layman will no doubt find it hard to understand how pathological disorders of the body and mind can be eliminated by ‘mere’ words. He will feel that he is being asked to believe in magic. And he will not be wrong, because the words which we use in our everyday speech are nothing other than magic
પણ આ કિસ્સામાં ખોટો માણસ તો હું હતો. આ રિક્ષાવાળાએ ફ્રોઈડની એ વાત મને યાદ કરાવી કે શબ્દો ચમત્કાર સર્જી શકે છે. એ શારીરિક હોય કે માનસિક, દરેક બીમારીની સૌથી અસરકારક ‘પેરેલલ ટ્રીટમેન્ટ’ શબ્દોથી થતી હોય છે. અફકોર્સ, એ મૂળભૂત અને અનિવાર્ય મેડિકલ ટ્રીટમન્ટ કે સર્જરીને રિપ્લેસ ન કરી શકે. પણ એક વાત તો નક્કી છે, જ્યાં સુધી દર્દીના સાજા થવાની વાત છે, એનો સૌથી મહત્વનો આધાર દર્દીના માનસ પર રહેલો છે. એની સેલ્ફ-બિલીફ પર રહેલો છે.
નજરની સામે તોળાઈ રહેલા મૃત્યુના ડર, અસલામતી અને ખબર કાઢવા આવતા લોકોની ડરામણી વાતોથી વિચલિત થયા વગર જો કોઈ દર્દી મક્કમ મનોબળ સાથે રોગમાંથી ઉભા થવાની ‘બિલીફ સીસ્ટમ’ ધરાવે છે, તો નિયતિ એને ભાગ્યે જ નિરાશ કરે છે.
શબ્દોમાંથી આશાવાદ જન્માવવાનો એ જાદૂ દરેક વ્યક્તિની પાસે છે. દરેક દર્દીના દરેક સગા પાસે છે. સારવાર તો ખરી જ, પણ મંદવાડના ખાટલા પર સૂતા હોઈએ ત્યારે નિરાશાના એક્સપ્રેસ હાઈ-વે પર મૃત્યુ સાથેનું ફક્ત એક જ વસ્તુ અટકાવી શકે છે. દર્દીના સ્વજનોનો અભિગમ.
‘ઓહ કમ-ઓન, યુ આર રીકવરીંગ’, ‘કાલ કરતા આજે ફ્રેશ લાગો છો’, ‘રીપોર્ટ ગમ્મે તે કહે, મને તો તમારામાં ઈમ્પ્રુવમેન્ટ લાગે છે’, ‘વજન થોડું વધ્યું લાગે છે’, ‘મને તો તમે બીમાર નથી લાગતા’. આ બધા સફેદ જુઠ્ઠાણા છે, જે કોઈનો દિવસ સુધારી શકે છે. કોઈને સાજા કરી શકે છે. કોઈને નવજીવન આપી શકે છે.
તબીબો તો એમનું કામ કરશે જન! પણ દર્દ અને દર્દીને છેતરવા માટે ભજવાતા આવા નાના-નાના ‘એપ્રિલ-ફૂલ્સ’માં તમે પણ ક્યાંક એકાદ નાનું એવું પાત્ર ભજવી શકો છો. તમારી એક્ટિંગ સ્કીલ્સનો પરચો બતાવવા માટે તમારા બીમાર સ્વજનથી વધારે સારું ઓડિયન્સ તમને બીજે ક્યાંય નહીં મળે.
જે જુઠ્ઠાણું એક બીમાર વ્યક્તિને રાહત આપી શકે, એના ચહેરા પર
સ્માઈલ લાવી શકે, એના નિરાશ માનસમાં ફરી એક વાર જિંદગી જીવી લેવાની ઈચ્છા જન્માવી શકે, એનામાં શ્વાસ લેતા રહેવાની ધગશ પ્રગટાવી શકે, એ દરેક અસત્ય માટે ઈશ્વર આપણને માફ કરી દેતો હોય છે. પછી પેલા રિક્ષાવાળાની જેમ આપણે પણ ક્યારેક ખુશ થઈને વટથી કહી શકશું કે આપણે પણ કોઈકને એપ્રિલ-ફૂલ બનાવ્યા છે.
મૃત્યુને છેતરવા માટે, જિંદગીને દરેક ક્ષણે આવા કાલ્પનિક પ્રલોભનો આપતા રહેવા પડે છે. પછી એ સ્વ માટે હોય કે સ્વજન માટે!
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025