હું અને સીલ્લુ પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધી સાથે ભણ્યા. અમારા બંને વચ્ચે દોસ્તી પણ સારી. પણ લગ્ન પછી બંને વચ્ચે કોઈ કોન્ટેક્ટ ન રહ્યો, એનું કારણ સીલ્લુના માથે ખૂબ જવાબદારી. જોઈન્ટ ફેમિલી અને એના એકલીના માથે જવાબદારી. દિયર પોતાના લગ્ન પછી જુદો રહેવા ગયો. દીકરો પણ મોટો થઈને વહુ સાથે બીજા શહેરમાં સેટ થઈ ગયો. પણ સીલ્લુની જવાબદારી ક્યારેય ઓછી ન થઈ..
જ્યારે જ્યારે અમે બીજી ફ્રેન્ડ્સ મળીએ ત્યારે એને પણ બોલાવતાં પણ એને કશુંક તો કામ આવી જ જતું અને એ ક્યારેય ન આવતી. પછી અમે એને પૂછવાનું બંધ કર્યું.
હવે વાતના મુખ્ય મુદ્દા પર આવું. દસ – બાર દિવસ પહેલાં ખબર આવ્યા કે સીલ્લુ હવે આ દુનિયામાં નથી. બે-ત્રણ દિવસ તો મારા આઘાતમાં ગયા, પછી એના જ ફોન પર રીંગ કરી તો એના ધણી રૂસ્તમ ફોન ઉપાડ્યો અને કહ્યું કે કોરોનાના કારણે તે હવે નથી. થોડી દિલસોજી વ્યક્ત કરી એ દિવસે તો મેં ફોન મુકી દીધો. રૂબરૂ જવાનો તો કોઈ સવાલ નહોતો! ગઈકાલે પાછો ફોન કર્યો કે એના વગર આખું ઘર અટવાઈ પડ્યુ હશે, અને કોઈ કામકાજ હોય તો વાત કરી લઉં.
મારા આશ્ર્ચર્ય વચ્ચે રૂસ્તમે કહ્યું, રોશની, શું જનાવું હું તમુને, હા, એની ખોટ તો સાલે છે, પણ ધીમેધીમે બધું સેટ થઈ રહ્યું છે. ઘરે રસોઈવાળા બેન રસોઈ બનાવી જાય છે, ઘરકામ કરવાવાલી બાયનેે થોડા રૂપિયા વધુ આપીશ એટલે એ બધું જ કરી દેશે. મારા મમ્મીનું ધ્યાન રાખવા એક નર્સ આખો દિવસ આવે છે. જે એમને દવાઓ પણ આપે અને મમ્મીની સેવા પણ કરે છે. મેં હવે થોડું મારા મિત્રમંડળીમાં જવાનું ચાલું કર્યું છે જેથી મને આખો દિવસ ઘરમાં કંટાળો ન આવે. રીહાન મારો દીકરો અને રીયા મારી વહુુ આટલા દિવસ સુધી અહીં જ હતા, કાલે જ ગયાં!
હવે મારી આંખો સામેથી આટલાં વર્ષો એક ફિલ્મની જેમ પસાર થઈ ગયાં. સીલ્લુ પોતાના માટે એક ક્ષણ જીવી નથી શકી. રૂસ્તમે જો આ વસ્તુ પહેલાં કરી હોત તો સીલ્લુ થોડું પોતાના માટે જીવી શકી હોત. અને આજે? એના વગર આખું ફેમિલી સેટ થઈ ગયું!
હું તમને જવાબદારીથી દૂર ભાગવાની વાત નથી કરી રહી, પણ એવું પણ માની લેવાની જરૂર નથી કે મારા વગર આખા ઘરની કે ઘરની વ્યક્તિઓની શું હાલત થાય! કોઈકવાર પોતાના માટે જીવવામાં કોઈ ગુનો કે અપરાધ નથી. અને જીવન છે, ત્યાં સુધી થોડું જીવી લેવું, મૃત્યુ પછી બધા લહેર કરવાના જ છે! કોઈવાર દીકરાને કે પતિને આપણા હાથની દાળ નહીં મળે તો એમાં કશું ખાટું – મોળું નહીં થઈ જાય! જયા સુધી બધા ને સાચવશો સારા લાગશો, નહીં હોવ ત્યારે બધા પોતાને સાચવી જ લે છે. આજની મારી માનસિક સ્થિતિ પ્રમાણે લખ્યું છે, કશું ખોટું હોય તો માફી ચાહું છું.
– દોલી પટેલ
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025