મોહનથાળ
સામગ્રી: 2 કપ કરકરો ચણાનીદાળનો લોટ, અડધો કપ માવો, થોડું દૂધ, 1 કપ ખાંડ, 1 કપ ઘી, 8-10 કેસરના તાતણાં, 3-4 એચલી વાટેલી, 2-3 ચમચી કાજુ, બદામ, પિસ્તાના કતરણ.
રીત: સૌપ્રથમ એક વાસણમાં કરકરો ચણાનો લોટ લો, ત્યારબાદ તેમાં 3 ચમચી ઘી અને 3 ચમચી દૂધ ઉમેરી બધુ બરોબર મિક્સ કરો, બધું જ મિક્સ થઈ જાય એટલે તૈયાર મિશ્રણને ઢાંકીને પંદરથી વીસ મિનિટ એક બાજુ મૂકી દો. પંદરથી વીસ મિનિટ પછી ચણાનીદાળના લોટના મિશ્રણને મિક્સર જારમાં લઈ એકવાર ચર્ન કરી લો અથવા તો ચારણી વડે ચાળી લો, જેથી તેમાં થયેલા ગાંઠા નીકળી જાય અને લોટ એક સરખો દાણાદાર થાય. હવે ગેસ પર એક કડાઈમાં પોણો કપ ઘી ગરમ કરવા મુકો, ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનીદાળના લોટનુંં મિશ્રણ નાખી બરોબર હલાવતા જઈ ધીમે તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો. મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં અડધો કપ માવો નાખો અને શેકી લો, બધું જ મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી એક બાજુ મૂકી દો, હવે ગેસ પર બીજા એક વાસણમાં એક કપ ખાંડ તેમાં અડધો કપ પાણી નાખી બરોબર હલાવો, ખાંડ ઉકળી ને એકતારી ચાસણી કરો, ખાંડની એકતારી ચાસણી થવા આવે એટલે તેમાં થોડા કેસરના તાંતણા તથા એલચીનો ભૂકો નાખી દો. ચાસણી બરોબર થઈ જાય એટલે તૈયાર ચાસણીને શેકેલા ચણાનનીદાળના લોટવાળા મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરી હલાવી લો, ત્યારબાદ 4-5 મિનિટ માટે ગેસ પર મૂકી ફરીથી બધું મિશ્રણ બરોબર શેકી લો, શેકીને તૈયાર થયેલ આ મિશ્રણને ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં એકસરખું પાથરી લો. ત્યારબાદ ઉપરથી કાજુ, બદામ, પીસ્તાની કતરણ ઉપર પાથરી થોડું દબાવી લો. મોહનથાળને 3-4 કલાક ઠંડો થવા દો ત્યારબાદ તેના પીસ કરી ડબ્બામાં ભરી લો.
***
ઘઉંના લોટની ચકરી
સામગ્રી: ઘઉનો લોટ 2 કપ, 1 ચમચી આદુ, લસણ અને મરચાનો પેસ્ટ, 3 ચમચી દહીં, હળદર 1ચમચી, ચપટી હીંગ, 1ચમચી અજમો અને તલ, પાણી અને મીઠું જરૂર મુજબ.
રીત: સૌ પ્રથમ ઘઉંના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ ચાળેલા લોટ ને સાફ કોરા કપડામાં બાંધી નાખી ને પોટલી બનાવી લ્યો. હવે ગેસ પર કુકર મુકી એક ગ્લાસ પાણી ઉમેરો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી મૂકી એમાં તૈયાર કરેલ લોટની પોટલી મૂકી ઢાંકી ને દસ મિનિટ બાફી લો. દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને પોટલી કાઢી થોડી ઠંડી થવા દો ત્યાર બાદ પોટલીમાં રહેલ લોટ ને તોડી ને મીકસરમાં ભૂકો કરી લો અને ચાળણીથી ચાળી લો. હવે ચારેલ લોટ થાળીમાં લઈ એમા સ્વાદ મુજબ મીઠું, અજમો, તલ, હળદર, હિંગ, આદુ, લસણ અને મરચાની પેસ્ટ, દહીં બરાબર મિકસ કરી થોડો નરમ લોટ બાંધી લો ત્યાર બાદ ચકરી બનાવવાના મશીનથી ચકરી પાડી તેને તેલમાં તળી લો. તૈયાર થાય એટલે તેને ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં
ભરી લો.
***
મીઠાં શકકરપારા
સામગ્રી: 1 કપ ખાંડ, 1 કપ ઘી, 1 કપ દૂધ, ચપટી મીઠું, અને તેમાં સમાય એટલે લગભગ દોઢ કપ મેંદો, તળવા માટે તેલ.
રીત: સૌ પ્રથમ ગેસ પર તપેલામાં ખાંડ, દૂધ અને ઘી નાખી બરોબર મિક્સ કરી લો. ખાંડ ઓગળી જાય એટલે મીશ્રણને ગેસ પરથી ઉતારી ઠંડું થવા દો ત્યારબાદ તે મીશ્રણમાં થોડો થોડો મેંદો નાખી લોટ બાંધતા જાવ. રોટલી વણાય તેવો લોટ બાંધવો, જાડી રોટલી વણી ડાયમંડ આકારમાં શક્કરપારાને કાપી લો. ગોલ્ડન થાય ત્યાં સુધી તેલમાં તળી લો. ઠંડા કરી ડબામાં ભરો.
– ક્ષમા પાલ્યે
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024