આરોગ્યમ ધનસંપદા: શારીરિક અને માનસિક કસરત કરો

તમારા લક્ષ્યો સુધી પહોંચવા માટે તમારૂં ભૌતિક શરીર સારું હોવું જરૂરી છે. તમે તમામ આયોજન કર્યું છે, એક મોટા ધ્યેયની કલ્પના કરી છે અને તેના પર કામ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ તમે તમારા શરીરનું કયારે ધ્યાન નથી રાખ્યું. તમારૂં શરીર તમારા જીવનની સફરમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે. તેને સારી સ્થિતિમાં રાખવા માટે, તમારે શારીરિક અને માનસિક રીતે કસરત કરવાની જરૂર છે. તમારે કેટલીક સારી આદતો વિકસાવવાની જરૂર છે.
જો તમે એ જ કામ કરશો જે તમે અત્યાર સુધી કર્યું છે, તો તમને એ જ મળશે જે તમે અત્યાર સુધી મેળવ્યું છે. જો તમારે કંઈક સારું મેળવવું હોય, તો તમારે સારી વસ્તુઓ અપનાવવાની, સારી ટેવો બનાવવાની જરૂરી છે
1. સવારે વહેલા ઉઠો: તમે જ્યારે શાળામાં હતા ત્યારે આ કહેવત સાંભળી હશે, વહેલા સૂવો, વહેલા ઉઠો, જ્ઞાન, આરોગ્ય, સંપત્તિ મેળવો! વહેલા જાગવાના ઘણા ફાયદા છે. વહેલા જાગવાથી તમારા શરીરમાંથી આળસ દૂર થાય છે અને તમે ઉર્જાવાન અનુભવો છો. સવારે વહેલા જાગવાથી તમે તમારા કામની યોજના બનાવી શકો છો. સવારે વહેલા ઉઠવાથી તમને સારો આત્મવિશ્વાસ મળે છે. સવારે વહેલા જાગવાથી તમારી એકાગ્રતા વધે છે. સવારે વહેલા જાગવાથી તમને અન્ય કરતા વધુ સમય મળે છે.
2. સવારે ઉઠીને ચાલવાની કસરત, જોગિંગ કરો: સવારે વહેલા ઉઠ્યા પછી અને પ્રકૃતિમાં ચાલવા, જોગિંગ કર્યા પછી, શરીરને સારી ઉર્જા મળે છે. જેમ જેમ તમને પ્રકૃતિમાંથી શુદ્ધ હવા મળે છે તેમ તેમ તમારા શ્ર્વાસ સંબંધી રોગો દૂર થઈ જાય છે. તેમજ ચાલવાથી હૃદયની કાર્યક્ષમતા વધે છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશર કે તેને લગતી બીમારીઓ દૂર થઈ જાય છે. ચાલવા જેવી સારી કોઈ કસરત નથી. જો તમે સવારે ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ ચાલશો તો તમે દિવસભર ઉર્જાવાન અને ફ્રેશ રહેશો. તો આજથી વહેલા ઉઠો અને ફરવા જાવ.
3. દરરોજ પ્રાણાયામ કરો: ચાલો દરરોજ સવારે ઓછામાં ઓછી 20 થી 30 મિનિટ પ્રાણાયામ, કપાલભાતિ, અનુલોમ-વિલોમ અવશ્ય કરો. આમ કરવાથી તમારા ફેફસાં અને લીવરની કાર્યક્ષમતા વધે છે. જેના કારણે તમારૂં પેટ સાફ રહે છે. તે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઈરોઈડ, અસ્થમા, માથાનો દુખાવો અને સ્ત્રીઓના રોગોને મટાડવામાં પણ મદદ કરે છે.
4. દરરોજ ઓછામાં ઓછા દસથી વીસ મિનિટ ધ્યાન કરો અથવા પ્રાર્થના કરો: ધ્યાન અથવા પ્રાર્થના કરવાથી મનની એકાગ્રતા વધે છે. તેમજ માનસિક તણાવ અને હતાશા દૂર થાય છે. ધ્યાન તમારા મનને શાંત કરે છે. તે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. સવારે પ્રાણાયામ અને ધ્યાન કરવાથી તમારા પેટની બળતરા ઓછી થાય છે અને તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તમારા પારિવારિક સંબંધો પર પણ તેની સારી અસર પડે છે.

Leave a Reply

*