બાળપણમાં ખુલ્લી અગાસી પર સુતા હતા, પણ ફોટો પાડવાનો યાદ નહોતો આવ્યો. ન તો પાણીપુરીનો ફોટો લીધો કે ન તો બરફનો ગોલા ચૂસવાનું રેકોર્ડિંગ કર્યું. વગર એસી વાળી ટ્રેનમાં શાક ને થેપલા, સાથે પાણીની માટલી, એના પણ ક્યાં ફોટા લીધા, પણ હા એક એક પળ બરાબર યાદ છે કારણકે કદાચ, એ સમયે તસવીરો દિલમાં છપાતી હતી, કેમેરામાં નહી. હા અને ઘડિયાળ જો હોય તો ફક્ત પપ્પા પાસે જ હોય, પરિવાર પાસે ફક્ત સમય જ સમય હતો.
રીસેસમાં ફક્ત લંચ બોક્સના નહિ, આપણે લાગણીઓના ઢાંકણાં પણ ખોલતા. કિટ્ટા કર્યા પછી, ફરી પાછા બોલી જતા, એમ ફરી એક વાર બોલીએ, ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ, ચાલુ ક્લાસે એકબીજાની સામે જોઈને હસતા હતા, કોઈપણ જાતના એગ્રીમેન્ટ વગર, આપણે એકબીજામાં વસતા હતા.
એક વાર મારું હોમવર્ક તેં કરી આપ્યું હતુંં, નોટબુકના એ પાનાને મેં વાળીને રાખ્યું હતું. હાંસિયામાં જે દોરેલા, એવા સપનાઓના ઘર હશે, દોસ્ત, મારી નોટબુકમાં આજે પણ તારા અક્ષર હશે. એક પણ પ્રશ્ર્નન પૂછ્યા વગર જ્યાં આપણા આંસુઓ કોઈ લૂછતું હતું.
એકલા ઉભા રહીને શું વાત કરો છો? એવું ત્યારે ક્યાં કોઈ પૂછતું હતું? ખાનગી વાત કરવા માટે સાવ નજીક આવી, એક બીજાના કાનમાં કશુંક કહેતા હતા, ત્યારે ખાનગી કશું જ નહોતું, અને છતાં ખાનગીમાં કહેતા હતા, હવે બધું જ ખાનગી છે પણ કોની સાથે શેર કરૂં?
નજીકમાં કોઈ કાન નથી. દોસ્ત, તું કયા દેશમાં છે? કયા શહેરમાં છે? મને તો, એનું પણ ભાન નથી. બેાકસના ખોખાને દોરી બાંધીને ટેલીફોનમાં બોલતા, એમ ફરી એક વાર બોલીએ, ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ..
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025