શીરીનને એક અજીબ ટેવ હતી કે જે મોટાભાગે લગભગ કોઈ કોઈને હોય છે જે છે ડાયરી લખવાની આદત. શીરીનને એવી ટેવ હતી કે દરરોજ સુતા પહેલા પોતાની આખા દિવસની
ખુશાલીઓ અને પોતાના દુ:ખ એક ડાયરીમાં લખી લેતી હતી.
દિવસમાં ગમે તેટલું કામ કર્યું હોય દિવસમાં ગમે તેટલી દોડાદોડી કરી હોય અને દિવસ દરમ્યાન ગમે તેટલા થાકી ગયા હોય તો પણ દિવસ દરમિયાન જે પણ કોઈ ખુશીની પળો મળી હોય હથવા કોઈ મન દુ:ખ થયું હોય તો તે દરરોજ પોતાની ડાયરીમાં લખી લેતી.
એક રાતની આ વાત છે, ઘડિયાળમાં અંદાજે બાર વાગી રહ્યા હતા. રૂમની ખુલ્લી બારીમાંથી ચંદ્રમાનો પ્રકાશ ધીમે ધીમે રૂમમાં પ્રવેશી રહ્યો હતો. શીરીન ઘરના બધાજ કામમાંથી પરવારી પોતાના રૂમમાં પ્રવેશી તેનો ધણી કદાચ કયારનો સુઈ ગયો હતો. તેની ઉપર પ્રેમ ભરી નજર કરી તેના બેડની બાજુમાં રહેલા ખાના પાસે જાય છે ખાનું ખોલી ને તેમાંથી એક ડાયરી કાઢે છે.
અને ડાયરી લખવાનું શરૂ કરે છે.
શીરીને લખ્યું હું ખુશ છું કે મારા પતિ મારા બેડરૂમમાં આવ્યા પહેલાજ સુઈ જાય છે, કારણ તે ઓફિસમાં ભરપુર કામ કરે છે. અને જેનાથી મારૂં આંખું ઘર ચાલે છે. થેન્કયુ ભગવાન, તારો
આભાર.
ડાયરીમાં બીજો ઉમેરો કરે છે. હું ખુશ છું કે મારો દીકરો સવારમાં એ વાત પર ઝઘડો કરે છે કે આખી રાત મચ્છરોએ તેને સુવા નથી દીધો. એનો મતલબ કે તે આખી રાત ઘરે વિતાવે છે બહાર જઈને નથી ઉડાવતો થેન્કયુ ભગવાન, તારો આભાર.
હું ખુશ છું કે દરેક મહિને ઇલેક્ટ્રિસિટી ગેસ પેટ્રોલ વગેરે પર સારો એવો ટેક્સ દેવો પડે છે, એનો મતલબ કે મારી પાસે બધી વસ્તુઓ છે અને હું તેનો ઉપયોગ કરી રહી છું. જો આ વસ્તુઓ મારી પાસે ન હોત તો જિંદગી કેટલી મુસીબત વાળી હોત? થેન્કયુ ભગવાન, તારો આભાર.
હું ખુશ છું કે દર વર્ષે નવરોઝ અને નવા સાલ બર ભેટ-સોગાદો ખરીદવામાં મારું પર્સ ખાલી થઈ જાય છે, એનો મતલબ કે મારી પાસે પ્રેમ કરવાવાળા, મારા મિત્રો, મારા સગા સંબંધીઓ, મારા પોતાના એવા ઘણા લોકો છે જેને હું ભેટ આપી શકું. જો આ લોકો કોઈ જિંદગીમાં જ ન હોય. તો જિંદગીમાં રોનક શું રહે? થેન્કયુ ભગવાન, તારો આભાર.
હું ખુશ છું કે દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં હું કામ કરીને ખૂબ થાકી જાઉં છું અને છતાં આ ડાયરી લખું છું એટલે કે મારામાં આખા દિવસ દરમિયાન સખત કામ કરવાની તાકાત અને હિંમત છે અહુરામઝદા તારી કૃપા આ ફકત તું જ કરી શકે છે. થેન્કયુ ભગવાન, તારો આભાર.
હું ખુશ છું કે દરરોજ અલાર્મનો અવાજ આવે કે તરત જ હું જાગી જાવ છું, એટલે કે મને દરરોજ એક આખો દિવસ ભેંટમાં મળે છે. થેન્કયુ ભગવાન, તારો આભાર.
ખુશ છું કે દરરોજ મારે મારા ઘરને સાફ કરીને ઝાડું પોતા કરવા પડે છે અને દરવાજા તેમજ બારીઓને પણ સાફ કરવી પડે છે. સારું છે મારી પાસે ઘર તો છે જે લોકો પાસે રહેવા માટે છત નથી તેનો શું હાલ થતો હશે? થેન્કયુ ભગવાન, તારો આભાર.
હું ખુશ છું કે ક્યારેક ક્યારેક હું થોડી બીમાર પડી જાવ છું, એટલે કે મારી તબિયત મોટા ભાગે સારી જ રહે છે. થેન્કયુ ભગવાન, તારો આભાર.
આટલું જ નહીં શીરીને ડાયરીમાં ઘણું બધું લખ્યું અને વાતના અંતમાં તે થેન્કયુ ભગવાન, તારો આભાર જરૂર લખતી.
આટલું લખીને ડાયરી તેણે પાછી સાચવીને ડ્રોવરમાં મૂકી દીધી, આ કદાચ એક અજીબ વાત પણ લાગે.
પરંતુ જો જીવવાના આ ફોમ્ર્યુલા ઉપર આપણે અમલ કરીએ તો, આપણી અને આપણા લોકોની જિંદગી જીવવાની મજા વધી જશે. તમે દરેક સારી પળ માટે ભગવાનનો આભાર માની શકો છો. આપણે દરેક નાની-મોટી સમસ્યાઓમાં જિંદગી પ્રત્યે ગુસ્સો કરતા હોઈએ છીએ નાની બાબતમાં પરેશાન થતાં હોઈએ છે ભગવાનનો વાંક કાઢતા હોઈએ છીએ. પરંતુ આપણે આપણા જીવનમાં થોડોક બદલાવ લાવીએ તમે ભગવાનને કમ્પલેન્ટ કરવાના બદલે એકવાર તેનો આભાર તો માની જુઓ ખરેખર તમારી જિંદગી બદલાઈ જશે.
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024