સામે જ્યારે શાહને આ મુજબ ગુસ્સામાં બોલતાં જોયો, ત્યારે તે એક સખુન પણ બોલી શકયો નહીં. તેણે જમીનને બોસો કીધો અને તેનો હુકમ માથે ચઢાવ્યો, એવું કહીને કે ‘એ મુજબ કરૂં અને શાહના દિલમાંથી કિનો કાઢી નાખું.’હવે જ્યારે મેહરાબને અને જાલેજરને આ વાત ખબર પડી કે સામ કાબુલ ઉપર શાહના હુકમથી હુમલો લાવે છે ત્યારે કાબુલમાં અને મેહરાબના મહેલમાં હોહો થઈ રહી. મેહરાબ, સીનદોખ્ત અને રોદાબે પોતાના જાનથી નિરાશ થઈ ગયા. જાલને એ વાતની ખબર પડી કે તે ગુસ્સામાં એકદમ કાબુલથી નીકળી ચાલ્યો. તે બોલવા લાગ્યો કે ‘અગર જો જીઆંનગાર અઝહદા પોતાના દમથી દુનિયાને બાળીજ નાખવા માગતો હોય અને જો તે કાબુલસ્તાનને પાયમાલ કરવા માગતો હોય તો તેણે પહેલે મારૂં સર કાપી નાખવું જોઈએ.’ એટલે કાબુલસ્તાન પાયમાલ થાય તે પહેલા જાલેજર પોતે મરવાનું પસંદ કર્યુ. તે પોતાના બાપનાં લશ્કર ભણી ગયો. સામને ખબર પડતા તેણે પોતાના બેટાને આવકાર દીધો. શરૂઆતની સાધારણ મુલાકાત પછી જાલ પોતાના બાપ આગળ ગયો અને આંખમાં પાણી લાવી પહેલે બાપ ઉપર આફ્રીન અને દુઆ ગુજારી કહ્યું કે: ‘ઓ બાપ! સઘળા માણસો તારાથી ખુશી છે. તારાથી જમીન અને જમાનો ઈન્સાફ મેળવે છે. પણ હું જ તારા ઈન્સાફથી બેનસીબ છું, જો કે તારી સાથે હું ખેશીપણું ધરાઉં છું. મને એક પક્ષીએ પરવરશ કર્યો છે, અને હું ખાક ખાઈ ઉધર્યો છું. મને દુનિયામાં કોઈ સાથે ટંટો નથી. હું જાણતો નથી કે મેં કાંઈ ગુનાહ કર્યો હોય તે જેથી કોઈ મારૂં બુરૂં કરે. તે મને વચન આપ્યું હતું કે તું મને દુ:ખ દેશે નહીં અને મારી મોરાદના ઝાડનું ફળ ઉગાડશે. (એટલે મારી ખાહેશો બર લાવશે) પણ હવે તું સેતાબ આવ્યો છે કે મારૂં એવાન તું બરબાદ કરે. માટે હું હવે તારી આગળ આવી ઉભો છું. મારા હૈયાત તનને મેં તારા ગુસ્સાને સોંપ્યું છે કે હથિયારથી તું મારા તનના બે કટકા કર, પણ કાબુલ માટે તું મને કંઈ ના કહે. તારે ગમે તે કર, કારણ કે તું ફરમાનનો માલેક છે પણ તું કાબુલને જે પણ નુકસાન કરશે તે જાણે મને પોતાને કીધા બરાબર થશે.’
સામે સવાર પોતાના બેટા જાલના આ દુ:ખી દિલના શબ્દો ધીરજથી સાંભળ્યા પછી કહ્યું કે ‘તું દલગીરના થા. હું એ બાબતનો ઈલાજ કરૂં છું. હું પાદશાહ ઉપર એક કાગળ લખું છું અને તે તારીજ પાસે મોકલું છું. જ્યારે તે પાદશાહ નજરે નજર તારી હુશિયારી જોશે અને તારાં દીદાર જોશે, ત્યારે તુંને હેરાન કરવાનો વિચાર નહીં કરશે. અગર જો પાદશાહ તારો યાર થશે, તો તારી સઘળી મરજી પાર પડશે. એક સિંહ હમેશા પોતાની બાજુના બળથી ફત્તેહ મેળવે છે અને જ્યાં જાય છે ત્યાં શિકાર મેળવે છે (એટલે એક દલેર મરદે પોતાનું કામ પોતાને હાથે કરવું જોઈએ.) માટે તું પોતે પાદશાહ આગળ જઈ તારૂં કામ કરી આવ.’ એમ કહી સામે એક નામું પાદશાહ ઉપર લખ્યું. તેમાં અવલમાં તે કિરતારની તારીફ કીધી. પછી નામદાર પાદશાહની સ્તુતિ કીધી. પછી પાદશાહની નોકરીમાં જે સેવા બજાવી હતી તે અને કશફ જેવા ઝીઆનગારને માર્યો હતો, તે સઘળી વાત કહી અને કહ્યું કે ‘હવે મારો બેટો જાલ તું પાદશાહની સઘળી સેવા બજા લાવવાને તૈયાર છે. પણ હાલ તેનાં મનની એક બુરાદ છે કે જે મુરાદ તે દાદારની નજરમાં ભલી ગણાય તેવી છે. પણ પાદશાહની મરજી વગર અમો કાંઈપણ કરવા માંગતા નથી. પાદશાહ જાણે છે કે મેં ઘણાકોની હજુરમાં મારા બેટા જાલને જ્યારે તેને હું અબબુર્જ ઉપરથી લાવ્યો ત્યારે કોલ આપ્યો છે કે હું તેની જેબી મરજી હશે તે પાર પાડીશ. જાલ કાબુલસ્તાનની એક બાનુ ઉપર મોહી પડયો છે અને જેઓ તેને જોય છે તેઓ તેની હાલતની દયા ખાય છે. માટે હાલ જ્યારે તે પાદશાહ પાસે આવે છે ત્યારે જે ઘટતું છે તે કર, કારણકે આ દુનિયામાં તે મારો એકલો દુ:ખનો વિસરાવનાર એટલે એક પુરો બેટો છે.’
(ક્રમશ)
- જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં નવરોઝની ઉજવણી - 5 April2025
- ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા પાણી બચાવો પર્ફોર્મન્સ - 5 April2025
- આવાં યઝદના પરબની ઉજવણી - 5 April2025