રૂસ્તમની બાનુ તેહમીના

સોહરાબ મિજલસ સમારી બેઠો હતો. તેનો દેખાવ જોઈ રૂસ્તમ અજબ થઈ ગયો કે એ કોઈ ઘણો દલેર મરદ છે. એવામાં સોહરાબનો મામો જીન્દે રજમ મિજલસમાંથી જરૂરના કામ સર બહાર આવ્યો. તેણે અંધારામાં કોઈ મરદને ઉભેલો જોયો તેથી તેની આગળ ગયો અને કહ્યું કે ‘તું કોણ મરદ છે? અંધારામાંથી રોશનીમાં આવ અને તારો ચહેરો દેખાડ.’ રૂસ્તમે ગુપચુપ તેની ગરદન ઉપર એક મજબૂત મુકકો એવી તો જોશથી મારી, કે તુરત તેનો જાન નીકળી ગયો. આ મુજબ તેના મરણ પામવાથી સોહરાબ અને તેના બાપ વચ્ચે ઓળખાણ કરાવનાર મરદ જતો રહ્યો.

પછી ત્યારપછી સોહરાબે પોતાના બાપનો તંબુ ઈરાનીઓની છાવણીમાંથી પારખી કાઢવાની અને રૂસ્તમને પિછાણવાની ઘણી કોશેશ કીધી પણ તે ફોકટ ગઈ અને તેનું પરિણામ આ આવ્યું કે બેઉ બાપ બેટાઓ એકમેકને પિછાણ્યા વગર લડયા અને તેમાં પેહલી કુસ્તીમાં રૂસ્તમ હાર્યો અને બીજીમાં સોહરાબ હાર્યો. જેવો સોહરાબ જમીન ઉપર પડયો કે રૂસ્તમે તેની છાતીમાં ખંજર ભોંકી દઈ તેને મારી નાખ્યો. મરતાં મરતાં સોહરાબે અફસોસ કીધો અને કહ્યું કે ‘જ્યારે તું જમીન ઉપર પડયો અને હું તુંને મારી નાખવા નીકળ્યો ત્યારે તે મને કાકલુદી કરી ‘મરદની ત્રણ ચોંટ’ એવી કહી અટકાવ્યો અને હું જમીન ઉપર પડતાં તે મને એકદમ મારી નાખ્યો છે. પણ ફીકર નહીં. મારો બાપ રૂસ્તમ જ્યારે આ વાત જાણશે ત્યારે તે તુંને પાણીની પાતાળમાંથી કે આસમાનની બુલંદીમાંથી શોધી કાઢી મારો કિનો લેશે.’

સોહરાબના આ સખુનો સાંભળી રૂસ્તમ ચોંક્યો અને જાણ્યું કે તેના પોતાને હાથે તેનો બેટો માર્યો ગયો છે. તેણે ઘણીક જારી અને વિલાપ કીધો અને સોહરાબને લાગેલા કારી જખમનો ઈલાજ કરવા માટે નોશ દારૂ લેવા પોતે શાહ કૌસ આગળ દોડયો. પણ તેટલામાં તો સોહરાબે પોતાનો મીઠો જાન પોતાના કિરતારને સોપ્યો.

(વધુ આવતા અંકે)

Leave a Reply

*