મોટાભાગના માણસોને પોતાનું જીવન રસહીન અને બોજારૂપ લાગતું હોય છે. નિરાશા, કંટાળો ને થાક જાણે માનવના જીવનમાં ગાઢ રીતે વણાઈ ગયાં હોય તેવું લાગે છે. શિક્ષકને વર્ગમાં રોજેરોજ એકનું એક ભણાવવામાં કંટાળો આવે છે અને તેનો તેને થાક લાગે છે. ડોક્ટરને દરદીઓ સાથે રોજેરોજ મગજમારી કરવામાં કંટાળો આવે છે. નોકરી કરનારાઓને રોજ ઊઠીને એની એ નોકરી કરવા જવું ગમતું નથી. જીવનની એકધારી ઘટમાળથી માણસ થાકી જાય છે. યંત્રવત જીવન માણસને કંટાળો આપે છે. એમાં જીવનનો આનંદ નથી હોતો, એમાં ઉત્સાહ કે વેગ નથી આવતાં. જીવન જાણે બોજારૂપ હોય એવું લાગે છે. આવું કેમ થાય છે? ‘દરેક માણસને જ્યારે પોતાની પ્રગતિ થતી દેખાતી નથી, ત્યારે તેને અવશ્ય કંટાળો આવે છે. પછી ભલે તે યુવાન હોય કે વૃદ્ધ હોય. કેમકે પૃથ્વી ઉપર આપણે આવવું એ પ્રગતિ કરવા માટે જ થયું છે. જો જીવન પ્રગતિ કરતું ન હોય તો તે કેટલું બધું કંટાળાજનક બની રહેત. હા, જીવન એકધારી વસ્તુ છે. ઘણીવાર એમાં કશો જ આનંદ નથી હોતો અને એમાં સુંદરતા તો નથી જ હોતી. પણ આવા જીવનને જો આપણે પ્રગતિ માટેના એક ક્ષેત્ર તરીકે સ્વીકારી લઈએ, તો પછી બધું જ બદલાઈ જાય છે. દરેક વસ્તુ રસપ્રદ બનવા લાગે છે અને કંટાળાને કોઈ સ્થાન રહેતું નથી.’ માણસે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણને જો આનંદમય બનાવવી હોય તો દરેક ક્ષણે તેણે પ્રગતિ કરવી જોઈએ.
ઘણીવાર એવું પણ બને છે કે માણસ પોતાના જીવનમાં, પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરતો હોવા છતાંય તે ક્યારેક નિરાશા ને હતાશાથી ઘેરાઈ જાય છે. તે સમયે તેને પોતાના જીવનમાં કશો રસકસ જણાતો નથી. તેની મન:સ્થિતિ એવી થઈ જાય છે કે તેને પોતાની પ્રગતિ પણ અર્થહીન લાગે છે. જીવનમાં કશો જ સાર નથી. માણસની આવી સ્થિતિ થાય ત્યારે તેણે શું કરવું જોઈએ? ‘આવે વખતે તમે એક પ્રયત્ન કરીને તમારી જાતને એક પ્રશ્ર્ન પૂછી શકો છો કે, મને આ જે નીરસતા દેખાય છે, તે એ જ બતાવી આપે છે કે મારે હજી જીવનમાં કંઈક શીખવાનું બાકી છે. મારી પોતાની અંદર મારે એક પ્રગતિ કરવાની છે. મારામાંની કોઈ જડતાને જીતવાની છે. કોઈક નબળાઈને દૂર કરવાની છે. અને એ પછી તમારે પોતાની અંદર એ નબળાઈ અને જડતા ક્યાં છૂપાયેલાં છે એ શોધીને તેના પર કાર્ય કરવું જોઈએ. તો પછી એ નીરસતા ચાલી જાય છે.’
આવી નીરસતાભરી સ્થિતિને તેઓ નિષ્પ્રાણ સ્થિતિ કહે છે. એ સ્થિતિને દૂર કરવા માટે માણસે પોતાની અંદરથી જ પ્રયત્ન કરવો જોઈએ. પણ ખરેખર બને છે એવું કે માણસને જીવન નીરસ અને કંટાળાજનક લાગવા માંડે ત્યારે તે પોતાની અંદર વળવાને બદલે વધુ ને વધુ બહારની બાજુ દોટ મૂકે છે. જીવનમાં રસ અને આનંદ મેળવવા માટે તે નશો કરે કે કેફી પીણાં પીએ કે મનને ઉશ્કેરે તેવાં ચલચિત્રો જુએ કે નાચ-ગાન મિજલસોમાં ઉન્મત બની નાચે. આવી તન-મનને ઉત્તેજિત કરી દેતી પ્રવૃત્તિઓમાં પોતાની જાતને ભૂલી જઈને માણસ જીવનનો રસ પાછો મેળવવા ફાંફા મારે છે. પણ આ સાચો ઉપાય નથી. આથી કદાચ ઉત્તેજનાની થોડી ક્ષણો દરમિયાન માણસ જીવનરસનો અનુભવ કરતો હશે, પરંતુ એ ક્ષણો શમી જતાં એના મનની સાથે તન પણ વધુ અસ્વસ્થ બની જાય છે. જેનાથી છૂટવા માટે માણસ આ બધાનો આશ્રય લે છે એ બધું, નશો શમી જતાં બમણા વેગથી તેના ઉપર હૂમલો કરે છે. માણસે પોતાની ચેતનામાં એક પગથિયું ઊંચે ચઢવું જોઈએ.
કેટલીક વાર માણસને ભયંકર આઘાત લાગ્યો હોય, ત્યારે એ આઘાતને, દુ:ખને ભૂલવા માટે પણ માણસ ભાતભાતની અર્થહીન વસ્તુઓ કરવા લાગે છે. પોતાના મનને અન્ય બાબતોમાં રોકી રાખવા માટે માણસ પોતાની ચેતનામાંથી નીચે ઊતરી જતો હોય છે. આવી પરિસ્થિતિમાં પણ માણસે કદી નિમ્ન વસ્તુઓમાં કે એવાં કાર્યોમાં પોતાની જાતને વિખેરી નાંખવી ન જોઈએ; પરંતુ તેણે આ આઘાતને, દર્દને પણ પોતાની પ્રગતિનું એક સાધન બનાવી લેવું જોઈએ. તમારી ચેતનામાં આગળ વધો. તમારા દર્દના છેક ભીતરમાં પહોંચો. ત્યાં તમને, દર્દની પાછળ એક પ્રકાશ, એક સત્ય, એક શક્તિ, એક આનંદ છૂપાયેલાં હોય છે, તે મળી આવશે. પણ આ મેળવવા માટે તમારે એકદમ મક્કમ રહેવું પડશે. જો માણસ આ રીતે આઘાત અને દુ:ખની ભીતરમાં રહેલા પ્રકાશનો અનુભવ કરી શકે તો આ આઘાત અને દુ:ખ તેના માટે ઊંચે જવાનાં પગથિયાં બની જાય છે.
ઘણીવાર એવું પણ બને છે કે માણસને પોતાના જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરવી હોય છે. પણ સંજોગો પ્રતિકૂળ હોવાથી તે કંઈ કરી શકતો નથી. તેથી તે પોતાની જાતને આશ્ર્વાસન આપવા લાગે છે કે, ‘મારાં નસીબ! બીજું શું? મારા નસીબમાં આગળ વધવાનું નહીં લખ્યું હોય, નહીંતર મને આવા વિપરીત સંજોગો કેમ મળે? પરંતુ આ વલણ બિલકુલ યોગ્ય નથી. માણસે કદી પોતાના નસીબને દોષ દઈને માથે હાથ દઈને બેસી રહેવું જોઈએ નહીં. તેણે એને જે સંજોગો મળ્યા, તે સંજોગોમાં જે રીતે થઈ શકે તે રીતે સાચા દિલથી કામ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. મુશ્કેલીઓ હોવા છતાં પણ માણસ જો પ્રયત્ન ચાલુ રાખે તો ધીમે ધીમે એની પોતાની ચેતનાની સ્થિતિ બદલાઈ જાય છે અને ચેતનાની સ્થિતિ બદલાતાં પછી એના સંજોગો પણ બદલાવા લાગે છે. પછી તો એનું પોતાનું સ્વરૂપ જ એટલું બધું બદલાઈ જાય છે કે તેને પોતાને એના ભૂતકાળનું સ્વરૂપ જોતા આશ્ર્ચર્ય થાય છે કે તે કેવો હતો!
પ્રયત્ન કરવાથી બધું જ બદલાઈ જાય છે પ્રયત્ન કરવાને લીધે જ તમને આનંદ આવે છે. જે માણસ પ્રયત્ન કરતો નથી તેને આનંદ મળતો નથી. પ્રયત્ન કરવામાં તમારૂં સ્વરૂપ એવી તો તીવ્ર રીતે રણઝણવા લાગે છે કે એમાંથી તમને આનંદનો અનુભવ કરવાની શક્તિ મળે છે. આ પ્રયત્ન કરવાની ક્રિયા જ મહત્વની છે. પછી એ પ્રયત્ન ગમે તે ક્ષેત્રમાં થયો હોય. સ્થૂલ ભૌતિક રીતનો હોય, નૈતિક હોય કે પછી બૌદ્ધિક હોય અને આ જ વસ્તુ તમને આનંદ આપે છે. પ્રયત્નની ક્રિયા જ તમને તમસમાંથી બહાર ખેંચી લાવે છે. પ્રયત્ન પોતે જ તમને વિશ્ર્વરૂપ શક્તિઓ ઝીલવા માટે તૈયાર કરે છે.
જે લોકો યોગ કરતા હોતા નથી, તદ્દન સામાન્ય જીવન ગાળતા હોય છે, એવા લોકોને પણ પ્રયત્નમાંથી આપોઆપ આનંદ મળતો હોય છે તેનું આ જ કારણ હોય છે. એમાં એમની શક્તિઓનો વિશ્ર્વરૂપ શક્તિ સાથે વિનિમય થતો હોય છે.’
માણસ સંકલ્પ કરીને એકવાર જો પ્રયત્ન શરૂ કરી દે તો એનામાં ઉત્સાહ અને શક્તિનો સંચાર થતાં તેની નિરાશા ને હતાશા પછી ક્યાંય ચાલ્યાં જાય છે. પણ જો તે પોતાની નિરાશાને પકડીને બેસી રહે હતાશા એનો કબજો જમાવી લે છે, પછી એમાંથી બહાર નીકળવું એના માટે ખૂબ મુશ્કેલ બની જાય છે. આથી માણસે પોતાની મુશ્કેલ પરિસ્થિતિનો વિચાર કર્યા વગર પોતાના ધ્યેયની દિશામાં આગળ વધવાનો પ્રયત્ન શરૂ કરી દેવો જોઈએ આમ, સાચા દિલથી પ્રયત્ન કરવાથી માણસનું ધ્યેય તો પાર પડે જ છે
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024