શાહજાદો આહમદ તે માણસ તરફ શકમંદ નજરે જોવા લાગ્યો અને જરા હસ્યો પણ ખરો. બીજા લોકો તો પેલા સફરજન વેચનાર માણસને પાગલ ગણી કાઢી તેની ખૂબ મારહાણ કરવા લાગ્યા.
પણ શાહજાદા આહમદે જરા ગંભીર થઈ સફરજન બાબતમાં વધુ તપાસ કરવા માંડી. તેણે કહ્યું કે ‘જો તું મારી ખાતરી કરી આપે કે મરતા માણસને સફરજન સુંઘાડતા તે સાજો થાય છે તો હું તારા મ્હોં માગ્યા દામે સફરજન લેવા તૈયાર છું.’
સફરજન વેચનારે કહ્યું, ‘મહેરબાન સાહેબ, આ સફરજન બનાવનાર માણસે ઘણાં વરસો સુધી જાત જાતની જંગલની વનસ્પતિઓનો અભ્યાસ કરી, આ એકજ સફરજન બધી બીમારીઓ એકદમ દૂર કરવા બનાવી શકયો છે. ઘણા માણસો મોતને બિછાનેથી ઉઠયા છે તેઓજ તેની ખાતરી આપશે. થોડો વખત પહેલાં, એ સફરજન બનાવનાર ગુજરી જવાથી તેનું કુટુંબ પૈસાની મુશ્કેલીમાં એકાએક આવવાથી, તેના કુટુંબને આ બેમૂલ ચીજ વેચવી પડે છે.’
શાહજાએ હસતા હસતા પૂછયું કે મૂળ સફરજનનો બનાવનાર પોતેજ કેમ બીમારીથી બચી ના શકયો ને મરી ગયો?
પેલાએ જવાબ આપ્યો કે ‘બીમારી એકાએક આવી. સફરજન લઈ આવવામાં આવે અને તેને તે સુંઘાડવામાં આવે તે પહેલાંજ તેનું મરણ નિપજ્યું.’
આસપાસ ભેગા થયેલા માણસોમાંથી એકે કહ્યું, કે ‘મારો ભાઈ ઘણા લાંબા વખત થયા માંદગીને બિછાને પડયો છે. ઘણા હકીમોની દવા કરી પણ તેની તબિયત સુધરતી નથી. અમે તો હવે તેની આશા મૂકી છે. પણ આ સફરજન સુંઘાડવાથી તે બચતો હોય ને તેની માંદગી બિલકુલ જતી હોય તો આ સફરજન હઝારો નહીં પણ લાખોની કિંમતનું ગણાય! મારી પાસે એટલા પૈસા નથી કે તે હું ખરીદ કરી શકું પણ લેનારને જો ખાતરી કરવી હોય તો હમણાં ને હમણાં મારા ભાઈને આવીને સુંઘાડે.’
શાહજાદા આહમદે પેલા સફરજનવાળાને કહ્યું, ‘બોલ છે કબૂલ? આ મરવા પડેલા માણસને ઉઠાડે અને એની બીમારી દૂર કરે તો હુું ચાલીસ હજાર રૂપિયા આપી સફરજન ખરીદવા તૈયાર છું.’ પેલાએ કબૂલ કર્યુ. માંદા માણસ પાસે જઈ શાહજાદાની હાજરીમાં જ તે સુંઘાડવામાં આવ્યું. તરતજ તે સફરજન સુંઘતા તે બિમાર માણસ તંદુરસ્ત બની બિછાનામાંથી ઉભો થયો! મોતના ડાચામાંથી બચ્યો!!
પણ આમાં કોઈપણ જાતની દગલબાજી કે બનાવટ નથી તેની ખાતરી કરવા, બીજા બે ચાર માણસો કે જેઓ જુદી જુદી બીમારીથી પટકાઈ પડેલા હતા તેમને પણ સફરજન સુંઘાડવામાં આવ્યું. તેઓ સર્વે સફરજન સુંઘતાંજ બીમારીથી મુકત થયા.
હવે શાહજાદા આહમદની પુરે પુરી ખાતરી થઈ ગઈ કે સફરજન ખરેખર બહુ કીંમતી હતુ અને એની જોડી આખી દુનિયામાં મળવી મુશ્કેલ. તે સફરજનના ચાલીસ હજાર રૂપિયા તેણે ગણી આપ્યા. પછી તેજ દિવસે તેણે સમરકંદ છોડયું અને હિન્દુસ્તાનથી વાટ લીધી.
થોડા દિવસની બહુ રંજ ભરી મુસાફરી કર્યા પછી, તે પેલી પોતાના ભાઈઓ સાથે મળવાની નકકી કરેલી જગ્યાએ આવી પહોંચ્યો અને ભાઈઓને ભેટયો.
ત્રણે શાહજાદાઓ ભેગા થયા એટલે તેઓએ પોત પોતાની અજાયબી ભરી ચીજોની વાતો કરી અને તેની કિંમતો કહી.
મોટા શાહજાદાએ કહ્યું કે ‘આ મેલા જેવો લાગતો ગાલીચો એવો જાદુઈ છે કે તમે તેના ઉપર બેસી જ્યાં ચાહે ત્યાં પલકવારમાં જઈ શકો.’
શાહજાદા અલિએ કહ્યું કે ‘ખરેખર તે બહુજ અજાયબી ભર્યો ગાલીચો હતો. પણ તેની પાસે એક એવી ચીજ હતી કે તેબી કંઈ થોડી અજાયબી ભરી ન હતી.’ તેણે શાહજાદા હુસેનને હાથીદાંતની દૂરબીન આપતા કહ્યું, ‘મોટાભાઈ જુઓ તો ખરા. આ કેવી અજાયબી ભરી વસ્તુ છે કે તમે જે ચાહો તે તેમાં જોઈ શકો છો.’
હુસેને નળી હાથમાં લીધી અને પોતાની પ્યારી શાહજાદી શું કરે છે તે જોવા ઈચ્છા કરી.
(ક્રમશ)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024