તેણીએ સર્વેથી પહેલાં તો પોતાની બહેન દીનારજાદીએ ખુણામાં લઈ જઈ કહ્યું મારી પ્યારી બહેન જે જોખમ ભર્યુ મહાભારત કામ મેં માથે ઉઠાવ્યું છે તેમાં તારી મદદની મને અતિ ઘણી જરૂર છે અને મને પુરતી ખાતરી છે કે તેવી મદદ આપવાને તું પ્યારી બહેન મને કદીબી ના પાડશે નહીં. જેવી હું સુલતાનની હજુર જઈ પહોંચીશ તેવીજ હું તેને પહેલી અરજ એ કરીશ આજ રોજે છેલ્લો દિવસ છે તેથી છેલીવારનો મેળાપ કરી લેવા સારૂ મારી પ્યારી બહેન દીનારજાદીને બોલાવી મંગાવવાની રજા આપવી. હું ઉમેદ રાખું છું તે પ્રમાણે સુલતાન એ રજા ખચીત આપશે કે ત્યાં તું તરત આવજે પછી તે રાત તું મારી સાથે જ રહેજે અને આવતી કાલે બામદાદની એક કલાક આગમચ મને ઉંઘમાંથી ઉઠાડવાની યાદ રાખજે. અને આ રીતે મને કહેજે કે મારી બહેન તું જો ઉંઘાયેલી ન હોય તો તે ઘણીક સરસ વાર્તાઓ વાંચી છે તે માહેલી પોહ ફાટે ત્યાં સુધી એક દિલપસંદ વાત તો કર. તેજ વેળા હું તારા આગળ એક વાત કરીશ અને ઉમેદ રાખું છું કે તેમ કરતા આ શહેરના લોકોમાં જે ભારી ધાસ્તી પેઠી છે તેમાંથી લોકોનો છુટકો કરીશ એવી મને પુર આશા છે.
જ્યારે આરામગાહમાં જવાનો વખત થયો ત્યારે વડો વજીર શેહરાજાદીને મહેલમાં લઈ ગયો અને તેણીને ત્યાં મેલી અતિ ઘણો દુ:ખી થઈ ચાલતો થયો. તે ઓરડામાં સુલતાન તથા શેહરાજાદી એકલા પડયા ત્યારે સુલતાને તેના ચહેરા ઉપરનો બુરખો કાઢી નાખવા કહ્યું તેણીનો ખુબસુરત ચહેરો જોઈ સુલતાનઘણોજ ખુશી થયો પણ તેણીને રડતી જોઈ તેને પૂછયું કે પ્યારી! તું રડે છે કેમ? શેહરાજાદીએ જવાબદીધો કે નામદાર શાહ મારી એક બહેન છે જેને હું ઘણીજ ચાહું છું. અને તેમજ તે મને પણ ઘણીચાહે છે. તેથી મારી મરજી છે કે તેની સાથે આ ઓરડામાં એક રાત ગુજારૂં કે તેણીની હાજરીથી હું ખુશ રહુ અને છેલ્લી સલામ કરી મારી સરજતને તાબે થાઉ, માટે મહેરબાની કરીને મારી પ્રીતની આ છેલ્લી ઈંધાણી જાહેર કરવાની મને તક આપો. શાહ શહેરીયારે તેની અરજ કાંઈબી આનાકાની વગર કબુલ રાખી અને દીનારજાદીને તરત બોલાવી મંગાવી. તેણી તે જ વેલા આવી પહોંચી. સુતલાન અને શહેરાજાદીએ તે રાત એક ઉંચા પલંગ પર ગુજારી અને દીનારજાદી તે પલંગ ેંઠળ જે ગાલીચો પાથરેલો હતો તે ઉપર સુતી. ખુરશેદ તલુ થયાની એક કલા આગમચ દીનારજાદી જાગી ઉઠી અને પોતાની બહેને જેમ ફરમાવ્યું હતું તે પ્રમાણે તેણીને એક વાર્તા કહી સંભળાવવાની અરજ કરવા લાગી.
પોતાની બહેનને જવાબ આપ્યા વગર શેહરાજાદીએ દીનારજાદીની મરજી માફક એક વાત કરવાની પરવાનજી સુલતાન પાસે માગી. શાહ શેહરીયારે તે કબુલ રાખી. શેહરાજાદીએ પોતાની બહેન તથા સુલતાન તરફ ફરી કહ્યું કે બહેન તું ધ્યાન ધર અને તેણીએ નીચે મુજબ પડેલી રાતની વાર્તા શરૂ કીધી.
(ક્રમશ)
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024