સોદાગર જીનની રાહ જોવા લાગ્યો!!

જ્યારે તેઓએ તેની આ દુ:ખ દાયક કહાણી સાંભળી ત્યારે તેઓ ઘણાજ નાસીપાસ થયાં અને તેની બાયડી માહેતમમાં પડી બાલ ખેચવા ને છાતી કુટવા લાગી અને તેજ પ્રમાણે તેના બચ્ચાંઓ તેની સાથે રડીને આખા ઘરમાં શોર મચાવવા લાગ્યા અને પેલો સોદાગર પણ તેમની સાથે માહેતમ કરવા માંડયો.

બીજા દિવસથી તે સોદાગર પોતાના સઘળા કારભાર તથા વહિવટની સફાઈ કરવા લાગ્યો. સર્વથી પહેલા તેણે પોતાનું જે કરજ હતું તે ચુકવી આપ્યું. દોસ્ત આશનાવમાં અમૂલ્ય કિમતી વસ્તુઓની ભેટ-સોગાદ કીધી અને ગરીબ ગુરબાને મોટી રકમની ખર-ખેરાત આપી. પોતાના ઘરબારને લગતા ગુલામો તથા બાંદીઓને આજાદ કીધા, પોતાની માલ મિલકત પોતાના બચ્ચાંઓને તેઓ ખુશી થાય એવી રીતે વહેંચી આપી. જે બચ્ચાંઓ કુમળી વયના હતા તેઓને માટે સમય મુકરર કરી રાખ્યો. પોતાની મોહરદાર પોતાની સાથે પરણતી વેળા જે રીત લાવી હતી તે તેણીને પાછી આપી અને ધર્મની શરત પ્રમાણે જેટલી પણ વધારે દોલત તેણીને બક્ષી શકાય એટલી બીજી દોલત તેણીને પોતાની તરફથી આપી. એમ કરતાં એકવર્ષ તો પૂરૂં થવા આવ્યું તેથી રવાનગી લેવાની તેને ફરજ પડી. તેની પહેલીવારની મુસાફરીની વખતે તેને ઝોળીમાં ખજુર અને રોટી ભરી હતી પણ હાલની સફરમાં ઝોળીમાં પોતાના કફનનાં કપડાં ભરયા, જ્યારે તે પોતાની બાયડી તથા છોકરા પાસે રજા માગવા ગયો ત્યારે  તેના ગમથી તેઓ એટલા તો ગાફેલ થયેલા હતા કે તેઓના મોઢામાંથી એક હરફ વટીક નીકળી શકયો નહીં. તેમનાં ઘરનો વડો આવી રીતે ઘરબાર છોડી પોતાનું વચન પાળવા મોતને શરણ થવા ચાલી ચલાવી જાય એ દુ:ખ તેઓથી ખમાયું નહીં,  જેથી તેઓએ ઠરાવ કીધો કે તેની સાથે જવું અને તેની સાથે પોતાનો પણ પ્રાણ આપવો. જ્યારે તેણે જોયું કે તેઓથી છૂટું પડયા વગર તેનો છુટકો નથી ત્યારે તેઓને તેણે કહ્યું કે ‘મારા વ્હાલા બચ્ચાઓ આ રીતે તમને મેલી જતા હું ખોદાના હુકમને માન આપું છું. એજ પ્રમાણે તેમાં પણ ચાલજો અને આ તમારી આફતને આપણા ભાગ્યનો વારસો કરી ગણજો. યાદ રાખજો કે આદમીને કમે મરણ સરજેલું છે અને તે વગર કોઈનો પણ છૂટકો નથી. મોડે કે વહેલે એક દિવસ મરવું તો છેજ.’ એટલું બોલી તેઓથી તે છૂટો પડયો અને શહેર  બહાર ચાલતો થયો. જે જગાએ જે દિવસે જઈ પહોંચવાની તેણે કબુલાત આપી હતી તેજ દિવસે તે ત્યાં જઈ પહોંચ્યો. તે તેના ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને પેલા ફુઆરા પાસે બેસીને ગમગીન વિચાર સાથે તે જીનની રાહ જોવા લાગ્યો.

(ક્રમશ)

Leave a Reply

*