બેજનની બાનુ મનીજેહ

બેજનનો અ વિલાપ અને જારી ખોદાતાલાએ સાંભળી તેની ઉપર મેહર કીધી. પીરાન વજીરનું તે જગ્યાએ આવવું થયું. તેણે કોઈને ફાંસી ચઢાવવાની તૈયારી જોઈ પુછયું કે ‘પાદશાહની ઈતરાજી કોણ પર ઉતરી છે? કસરેવજે જવાબ આપ્યો કે ‘આ બેજન છે, કે જે તુરાનના શાહનો દુશ્મન છે.’ એ સાંભળી પીરાને ઘોડાને એડ મારી અને તુરત બેજન આગળ આવ્યો, અને તેને રડતો અને હાથ બાંધેલો અને ફીકો પડી ગયલો જોઈ પુછયું, કે ઈરાનથી ત્યાં તે શા કાજે આવ્યો હતો. બેજને સઘળું પોતાનું દાસ્તાન પીરાનને કહ્યું. તેની હકીકત સાંભળી પીરાનને તેની ઉપર દયા આવી અને તેની આંખમાંથી આંસુ પડયા.
પીરાન તુરાનનો બુજોર્ગ ડાહ્યો પીરમરદ હતો. તે શાહને હમેશ સારી શીખામણ દેતો. તેણે શાહને વીઆવક્ષદે મારવાથી વાળવાની કોશેશ કરી હતી પણ તે ફોકટ ગઈ હતી. તેણે તાલમેલથી શાહ કેખુસરોનો જાન બચાવ્યો હતો.
પીરાને હુકમ આપ્યો કે ‘બેજનને ફાંસી દેવાનું હાલ થોડો વખત મોકુફ રાખો અને એને અહીંજ રાખો. હું પાદશાહને મળી અને તેને નેક માર્ગ દેખાડુ.’ તે સેતાબ ઘોડાપર અફ્રાસીઆબ આગળ ગયો અને કુનર્સ બજાવી. અફ્રાસીઆબે જોયું કે તે કાંઈ ખાહેશ રાખે છે. તેથી કહ્યું કે ‘તારી જે ખાહેશ હોય તે માંગ. જોઈએ તો જર જવાહેર માંગ.’
અફ્રાસીઆબે પીરાનને કહ્યું કે, ‘બેજનથી મને શું નુકસાન થયું છે તે તું જાણતો નથી. ઈરાન અને તુરાનમાં મારી છોકરીને લીધે મારી રૂસવાઈ થઈ છે, જેથી જાવેદાન મારા નામને ખરાબ લાગ્યું છે.’ પીરાને દુઆ દઈ કહ્યું કે ‘જયારે તું પાદશાહ કહે છે તેમ છે, ત્યારે તેને મારી નાખવા કરતાં કેદખાનામાં બંદ કરવો, એ સારૂં છે.’
ત્યારે અફ્રાસીઆબે કૈસરવજને ફરમાવ્યું કે ‘બેજનના હાથ મજબૂત જંજીરે બાંધી તેને ઉંડા ગારમાં બંદ કર, કે જ્યાં સુર્ય કે ચંદ્રના કીરણ જઈ શકે નહીં. તે ગારના મોંહ પર ભારી પથ્થર ઢાંક. પછી મનીજેહને જઈને તેણીના મહેલમાંથી બહાર કાઢ અને તે ગાર આગળ લઈ જઈ મેલી તેણીને મેહ કે તું મારી ઉપર દુનિયાની શરમીંદગી લાવી છે, માટે તું હવે આ ગારમાં નેગાહ કર્યા કર.’ કસરેવજે એ પ્રમાણે કર્યુ. બેજનને ગારમાં બંધ કીધો અને મનીજેહને તેણીનું તાજ અને ઝહવેર સઉ લઈ, ગાર આગળ જંગલમાં એકલી મેલી તેણી રાત દહાડો ત્યાં રહેતી અને દરરોજ રખડી રઝડી કેથેથી ખાણું લાવી બેજનને તે ગાર પરના પથ્થરના સુરાખમાંથી આપતી.
હવે પેલી બાજુ ગુર્ગીને બેજનની એક દહાડો રાહ જોઈ, અને જ્યારે તે પાછો ફર્યો નહીં, ત્યારે પોતાના કામ માટે પસ્તાવા લાગ્યો. જે જંગલ તરફ તેણે બેજનને મોકલ્યો હતો, ત્યાં તે તેને શોધવા ગયો. તેણે ત્યાં બેજનના ઘોડાને જ્યારે સવાર વગર ખાલી જોયો, ત્યારે ઘણો દલગીર થઈ પસ્તાવા લાગ્યો અને રડવા લાગ્યો. પછી તેણે શાહપર બેજન ગુમ થવાને પેગામ મોકલ્યો. શાહે તે પહેલા ગેવથી છુપાવ્યો પણ પછી જ્યારે ગેવને પણ તે બાબેની ખબર થઈ ત્યારે રડતી આંખે સવાર થઈ તે સામે ગયો કે બેજનની ખબર કાઢે. તેને શક ગયો કે કદાચ ગુર્ગીને તેને કેથે ફસાવ્યો હશે. સામે જતાં તેને ગુર્ગીન મળ્યો તે ઘોડા પરથી ઉતરી ગેવ આગળ
શરમીંદો અને દલગીર થતો આવ્યો. જ્યારે ગેવે ગુર્ગીનના હાથમાં બેજનનો ખાલી ઘોડો જોયો ત્યારે ઘણો દલગીર થયો અને જારી કરવા લાગ્યો. તે ખોદાતાલાને અરજ કરવા લાગ્યો કે, ‘ઓ ખોદા! જ્યારે મારો એક પુરો છોકરો જતો રહ્યો છે, ત્યારે મને પણ તેડી લે.’ એમ ઘણી મીનતજારી કરી તેણે ગુર્ગીનને બેજનની હકીકત પુછી તે તેનું શું થયું? અને તેનો ઘોડો તેના સવાર વગર તેના હાથમાં કેમ આવ્યો? ગુર્ગીને ગેવને બેજન માટે કેટલીક ખોટી વાતો જણાવી. તેણે કહ્યું કે ‘અમો અર્માનીઅન લોકોના મુલકમાં ગયા અને ત્યાં સંખ્યાબંદ ભૂંડો અમારી સામે આવ્યા અને અમો સિંહની માફક તેઓ સાથે લડયા અને તેઓનો નાશ કર્યો. એમ તેઓનો નાશ કરી અમો ઈરાન તરફ પાછા ફરતા હતા, કે માર્ગમાં એક સુંદર ગોરખર અમુને મળ્યું. તેના બાલ ગોદરેજના ગુલગુન ઘોડાના બાલ જેવા સુંદર હતા. તેનો ચહેરો ફરહાદના ખન્ગે શબાહન્ગ ઘોડા જેવો હતો. તેનું કદ સીમોર્ગ જેવું હતું અને તેની ખરી પોલાદ જેવી હતી.
(ક્રમશ)

Leave a Reply

*