હવે જ્યારે લોહોરાસ્પ તખતે આવ્ો, ત્યારે તેણે કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓનો હક બાજુએ મેલી તે ગાદી ઉપર આવ્યો હતો, તેઓ તરફ મેહેરબાની દેખાડવા માંડી. તેણે ધાર્યું કે “ગાદી ઉપર ખરો હક તો તેઓનો હતો, પણ જ્યારે તે હક બાજુ મેળી કએખુશરૂએ મને રાજ આપ્યું છે, ત્યારે મારે કાંઈ નહીં તો તેઓ તરફ, પાદશાહી ખાનદાનના નબીરાઓ તરીકે મેહેરબાની દેખાડવી જોઈએ.”
તેની એ વર્તણુંકથી તેનો પોતાનો બેટો ગુશ્તાસ્પ નારાજ થતો. તે ચીંતા રાખતો, કે જેમ કએખુશરૂએ પોતાના બપાવા કૌસનાં ખાનદાનના નબીરાઓનો હક બાજુએ મેલી બીજી શાખાના શાહાજાદાને રાજ આપ્યું, તેમ રખેને મારો બાપ લોહોરાસ્પ મારો હક મેલી દઈ, કૌસનાં ખાનદાનના નબીરાઓ, જેઓ તરફ તે મારા કરતાં વધુ મેહેરબાની દેખાડે છે, તેઓને રાજ આપે. એવી ચિંતાથી, જ્યારે લોહોરાસ્પ, કૌસનાં ખાનદાનીઓ તરફ સભ્યતા ખાતર પણ મેહરબાની દેખાડતો, ત્યારે ગુશ્તાસ્પ તે નાપસંદ કરતો, અને બાપ તરફથી પોતાનો ગેરઈનસાફ થતો માનતો, જો કે લોહોરાસ્પનાં મનમાં રાજગાદી ઉપરથી ગુશ્તાસ્પનો હક દૂર રાખવાનો કાંઈ પણ વિચાર નહિ હતો.
એક દિવસ પાદશાહ લોહરાસ્પે પોતાના મહેલના બાગમાં ખુશીખુશાલીની એક મિજલસ – હાલના શબ્દોમાં બોલીએ તો એક ગાર્ડન પાર્ટી બોલાવી હતી. ત્યાં શરાબનો દોર ચાલતો હતો. શાહના બેટા ગુશ્તાસ્પે શરાબ જરા વધારે લીધો હતો. તેની ખુરમીમાં તેને પોતાની ઉપલી ચીંતાનો ખ્યાલ આવ્યો. તેને લાગ્યું કે પાદશાહ તેનાં કરતાં કૌસનાં ખાનદાનીઓ તરફ વધારે મેહેરબાની દેખાડે છે, તેથી તેણે શરાબની ખુમારીમાં ત્યાં ને ત્યાંજ બાપ પાસે રાજ્યગાદીની તેની હૈયાતીમાંજ નીચે મુજબ માંગણી કીધી –
(ક્રમશ)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024