સવારના પોરમાં જ્યારે આફતાબ તલુ થયો, ત્યારે કએસરે પોતાના મહેલમાં એક મીજલસ ઉપર મુજબ મોટા દરજજાના જવાનીઆઓની બોલાવી કે તેઓમાંથી કેટાયુન પોતાને માટે એક ખાવિંદ પસંદ કરે. કેટાયુન પોતાની સાથે 60 સાહેલીઓ લઈ હાથમાં ગુલાબના ફુલનો એક તોરો લઈ, પોતાના મહેલમાંથી ત્યાં આવી. તેણી તે મોટા મેળાવડામાં ઘણી ફરી અને થાકી જવા લાગી પણ પોતાને પસંદ પડતો કોઈ જવાન તેણીના દીઠામાં આવ્યો નહીં. તેણી ત્યાંથી પોતાના મહેલમાં પાછી ફરી. તેણી પોતાના મનમાં ઘણી ગમગીન થઈ હતી, કારણ કે તેણી પોતાને લાયકનો એક ખાવિંદ મેલવવામાં નિષ્ફળ નિવડી હતી.
હવે પાદશાહે જ્યારે એમ જોયું કે પોતાના દેશના પહેલી પંકતીના તવંગર અને અમીર જવાનોમાંથી કોઈપણ જવાન કેટાયુનને પસંદ પડયો નથી, ત્યારે તેણે બીજી પંકતીના દરજ્જાના જવાનોની એક મીજલસ બોલાવી, કે તેઓમાંથી કેટાયુનન ગમે તે ધણીને પોતાના ખાવિંદ તરીકે પસંદ કરે. એવી અંજુમન બોલાવવાની ખબર શહેરમાં અને આજુબાજુના ગામોમાં ફેલાઈ. તે ખબર, પેલો ધણી કે જેને ત્યાં ગુશ્તાસ્પ ઉતર્યો હતો અને રહ્યો હતો તેને પડી ત્યારે તેણે ગુશતાસ્પને કહ્યું કે ‘તું કયાં સુધી ઘરમાં એમ ભરાઈ રહેશે? પાદશાહના મહેલમાં જા, કે ત્યાં તારૂં દિલ બે ઘડી રીઝાય અને તારો ગમ દૂર થાય.’ ગુશ્તાસ્પે જ્યારે એ સખુન સાંભળ્યા ત્યારે તે પોતાના એ મેજબાન સાથે પાદશાહના મહેલમાં ગયો અને મહેલમાં જઈ એક બાજુએ ગમગીન દિલે બેઠો.
હવે કેટાયુન પોતાની સાહેલીઓ સાથે પાછી મહેલમાં આવી મીજલસમાં ભેગા મળેલા બધા જવાનોમાં અહીં તહીં ફરતાં તેણી દૂરથી ગુશ્તાસ્પને દીઠો. અને તુરત મનમાં બોલી ઉઠી કે, ‘મારા સ્વપ્નાનો ભેદ હવે ખુલ્લો થયો’ એટલે તેણીએ આગળ વર્ણવ્યા મુજબ, સપનામાં જે ધણીને જોયો હતો તેના જેવોજ ચહેરો હાલમાં તેણીએ ગુશ્તાસ્પનો જોયો. તુરત તેણીએ પોતાનું તાજ ગુશ્તાસ્પના માથા પર મેલ્યું એટલે તેને પોતાના ખાવિંદ તરીકે પસંદ કીધો જેવું કએસરના વજીરે આ જોયું કે તુરત તે કએસર આગળ દોડયો અને કહ્યું કે ‘કેટાયુનને મીજલસમાંથી એક એવો નર પસંદ કર્યો છે કે જે બાગ માહેલા સરવનાં ઝાડ જેવો સુંદર છે, ચહેરામાં તે ગુલાબના બાગ મીસાલ છે અને બાજુ અને ખભામાં એવો કદાવર છે કે જે તેને જોયે તે અજબ થાય. તું કહેશે કે જાણે ખોદાતાલનું નુર તેના મોહ પર છે. પણ અમે જાણતા નથી કે તે કોણ છે.’
(ક્રમશ)
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025