સુલતાનની પધરામણી થયા પછી બીજે દિવસે તેણે પોતાના દરબારીઓને દરબારમાં એકઠા કીધા અને તેની મરજી ઉપરાંત કેટલાક ન ધારેલા બનાવોથી તેને જે અટકી રહેવું પડયું હતું તેનો તેઓને વિગતવાર ખુલાસો કહી સંભળાવ્યો. પછી તેણે તેઓને જાહેર કર્યુ કે તેની મરજી તેનો સઘળો મુલક કાળા ટાપુના શાહજાદાને આપી જવાની છે કારણ કે તે શાહજાદો પોતાનો તમામ મુલક છોડીને આપણા મુલકમાં આવી રહ્યો છે. તે સાથે મારા જે દરબારીઓ એ આજ સુધી ઈમાનદારીથી મારી સેવા બજાવી છે તેનો પુરતો બદલો વાળવાને હું આ તક હાથ ધરૂં છું. એટલું બોલી સુલતાને તેઓની નોકરીના પ્રમાણ અને તેમના દરજ્જા પ્રમાણે પેલો માછી જવાન શાહજાદાના છુટકારાનો મૂળ સબબ થયો હતો તેથી ઈનામો ઉપર ઈનામો આપી તે માછીને એટલી દોલત બક્ષી કે જેથી તે તથા તેનો બાળગોપાળ આખા ભવ સુધી સુખી અને આબાદ થઈ ગયા અને માછીની પદવી ઉપરથી તે એકદમ ઉમરાવમાં ખપવા લાગ્યો. નસીબની બલિહાર ઓર છે!
ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા
ખલીફ હાઉન અલ રસીદના રાજમાં બગદાદ શહેરમાં એક હેલકરી રહેતો હતો જો કે તેનો ધંધો હલકો અને મહેનત ભરેલો હતો તો પણ તે જાતે ઢોંગી અને લટરાજકોર હતો. એક દિવસે તે પોતાનો ટોપલો પોતાની આગળ રાખી ઉભો હતો અને તે જગ્યા આગળથી તેને હંમેશ કામ મળતું જ હતું ત્યાં ખુશનુમા ચહેરાની એક જવાન સ્ત્રી, જેણીએ ચહેરા ઉપર મજલીનનો મોટો બુરખો નાખેલો હતો તે આવી લાગી અને હસ્તી હસ્તી તે હેલકારીને કહેવા લાગી કે ‘એ હેલકારી! તારો ટોપલો ઉંચક અને મારી પાછળ આવ.’ આ શબ્દો જે તેણીએ ઘણાજ ધીરા અને મધુર અવાજથી કહ્યા હતા તે સાંભળીને તે મજુર ઘણોજ ખુશી થયો અને ટોપલો પોતાને માથે મૂકી કહેવા લાગ્યો ‘આજનો દિન મુબારક! આજનો દિન મુબારક!’
તે સ્ત્રી એક બંધ કીધેલા દરવાજા આગળ ઉભી અને તે ઠોકવા લાગી. એક બુઝર્ગ કિશ્ર્ચિયન, જેની દાઢી લાંબી અને સફેદ હતી તેને દરવાજો ઉઘાડયો. એક પણ શબ્દ બોલ્યા વગર તેણીએ તેના હાથમાં કાંઈ પૈસા મૂકયા. તે કિશ્ર્ચિયન સારી પેઠે જાણતો હતો કે તેણીને કંઈ ચીજ જોઈએ છીએ તેથી તેજ વેળા તે અંદર ગયો અને ઘણો સરસ શરાબનો એક શીસો ભરી લાવ્યો. તે સ્ત્રીએ તે મજુરને કહ્યું કે ‘આ શીસો લે અને તારા ટોપલામાં મેલ!’ તેમ તેને કીધા પછી તેણીએ પોતાની પુઠે આવવા તેને ફરમાવ્યું અને પોતે આગળ ચાલતી થઈ, તે હેલકરી પોતાના મનમાં તે દિવસની ફત્તેહના ફરીથી શુકરાના કરવા લાગ્યો.
તે સ્ત્રી એક મેવા અને ફલ વેચનારની દુકાન આગળ આવી અને ત્યાંથી ભાતભાતના મેવા તથા તરેહવાર ફળ ફળાદી ખરીદ કીધા અને તે સર્વે ચીજો ટોપલામાં મેલાવી આગળ ચાલી. ત્યારબાદ એક ખાટકીની દુકાને ગઈ, ત્યાંથી પચીસ રતલ ગોશ્ત ખરીદ કરી તે પણ તે ટોપલામાં મેલાવ્યું.
એક બીજી દુકાન પરથી તે સ્ત્રીએ સુકો મેવો તથા અચાર ખરીદ કીધાં અને તે પણ તેણીએ ટોપલામાં મેલ્યા. એ સખળું તે ટોપલામાં મેલતાં તે ભરાઈ ગયો.
(ક્રમશ)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024