સદાય આનંદમાં રહેવાની, હંમેશા સ્મિતનાં ફૂલડાં વેરતા રહેવાની કળા જેને આવડી જાય છે તેની પાસે દુ:ખ, શોક, હતાશા જેવી લાગણીઓ કદી પણ ફરકતી નથી.
એક ચિંતક કહે છે, ‘દુ:ખને ધિક્કારવાની જરૂર નથી, આનંદને આવકારવાની જરૂર છે.’ વાત સાચી છે. હૈયામાં આનંદના ધોધ ઊછળતા હશે, પ્રસન્નતાના તરંગો ઊઠતા હશે તો શોકને દૂર કરવાના કોઈ પ્રયાસોની તમને જરૂર નહિ પડે. શોક સ્વયં તમારા માર્ગમાંથી હટી જશે. પ્રકાશ હોય ત્યાં અંધારૂ ન હોય. આનંદ હોય એટલે શોકનું અસ્તિત્વ આપોઆપ નાશ પામે. જરૂર દુ:ખનો નાશ કરવાની નથી, સુખને – આનંદને – પ્રસન્નતાને પ્રગટાવવાની છે અને તે થોડા સમય માટે નહિ, કાયમ માટે.
સ્મિત ભર્યા ચહેરે ફરતું અને સુખનું ગુલાબ ઊડાડતા ફરવું તે એક કલા છે. આ કલા કંઈ બધાને હસ્તગત થતી નથી પણ જેને હસ્તગત થઈ જાય છે તેના જીવનમાં દુ:ખ કે શોકનો પડછાયો સુદ્ધાં પડતાં નથી.
જીવતાં શીખો. યાદ રાખો કે સોગિયુ ડાચું રાખીને કે ચિંતાભર્યો ચહેરો રાખીને ફરવાથી દુ:ખો અને ચિંતાઓની
વીંછણો તમારો કેડો છોડવાની નથી એ તો સદાય તમારી પાછળ પડેલી જ રહેવાની. ને જો એમ હોય તો શા માટે હસતા ચહેરે હાસ્યની છોળો ઊડાડતાં ઊડાડતાં ન ફરવું? પ્રાપ્ત સ્થિતિને પલટી શકાય તેમ નથી. તો શા માટે મનની મોજ સાથે ન જીવવું? જિંદગી જીવવાનો શ્રેષ્ઠ તરીકો શા માટે ન અપનાવવો?
હું એક એવી સ્ત્રીને ઓળખું છું જે એક શાળામાં શિક્ષિકા છે. એને જુઓ એટલે લાગે કે જીવતી જાગતી ખુશી જઈ રહી છે. એના ચહેરા પર હોય હાસ્ય અને આનંદ – કદી કંટાળો નહિ, કદી જિંદગીની કોઈ ફરિયાદ નહિ, ઉત્સાહનો જીવંત ફૂવારો જાણે! વર્ગમાં દાખલ થાય એટલે બાળકોમાં ખોવાઈ જાય. એને મેં પૂછ્યું કે: ‘તમે શી રીતે આમ આનંદી રહી શકો છો? તમને કંટાળો આવતો નથી? તેણે જવાબમાં હસીને કહ્યું, ‘ના. કારણકે હું જિંદગીને ચાહું છું.’ છે, એનો જવાબ ટૂંકો, પણ સચોટ. રોદણાં રડનારા, જિંદગીને ચાહતા નથી,
ધિક્કારે છે.
જે જિંદગીને ચાહે છે તે કામને ચાહે છે ને કામમાંથી પ્રેરણા મેળવે છે. એકએક પળ એના માટે ખુશીની છાબ લઈને આવે છે. એકએક દિવસ એના માટે આનંદની ખુશનસીબીનો સંદેશો લઈને આવે છે. જિંદગીને ચાહે છે તે જિંદગીને ધિક્કારતો નથી, રોદણાં રડતો નથી. બીજા આગળ સુખોના અભાવનાં, શોકનાં ગાણાં ગાતો નથી. જિંદગીને ચાહવાની વાત છે. આપણામાં કેટલા જિંદગીને ચાહતા હોય છે? જે શ્રેષ્ઠ જિંદગી પરમાત્મા તરફથી આપણને મળી છે, તેને આપણામાંના ઘણા બધા મહદઅંશે ધિક્કારતા હોય છે. પોતે કદરૂપો છે, રૂપાળો નથી, પોતે ગરીબ છે -અમીર નથી, પોતે દુર્બળ છે- શક્તિશાળી નથી, પોતાને ઝૂંપડું મળ્યું છે – મહેલ નથી, પત્ની સામાન્ય છે – રૂપ રૂપનો અંબાર નથી, ઓછું ભણતર છે – મોટી મોટી ડિગ્રી નથી, સામાન્ય કારકૂન છે – મોટો અધિકારી નથી. બસ અભાવનાં ગાણાં !
જે નથી તેના ગાણાં ગાઈએ છીએ જે છે તેની વાત નથી કરતા. આપણે નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યા છીએ. આપણે જે લૂંટાઈ ગયું છે તેના પર અશ્રુપાત કરીએ છીએ જે બચી ગયું છે તેનો આનંદ ઊજવતા નથી. આપણે એક જોખમી નકરાની બુનિયાદ પર ઊભા છીએ. રાતના અંધારાની નહિ, શીતળ પ્રકાશ રેલાવતા ચંદ્રની વાત કરો. વરસાદથી થતા કીચડની નહિ, ધરતીમાંથી ઊગી નીકળતા લીલા છોડવાની વાત કરો. એ આપણે કરતા નથી.
આ વાત માત્ર કોઈ સ્ત્રી કે પુરુષની નથી, જિંદગીના ચહેરાને આંસુથી ખરડીને ફરનારા સહુ કોઈની છે. તમને નથી લાગતું કે આપણે ખોટી રીતે જીવી રહ્યા છીએ ?
- જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં નવરોઝની ઉજવણી - 5 April2025
- ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા પાણી બચાવો પર્ફોર્મન્સ - 5 April2025
- આવાં યઝદના પરબની ઉજવણી - 5 April2025