રાતના 11.30 વાગ્યા હતા. સંદેશ ચિંતામાં હતો. થોડીવારમાં એનો ફોન રણક્યો. ડોક્ટરનો ફોન હતો. ડોક્ટરે કહ્યું સાંભળ ધીરજ રાખ બધુ બરાબર થઈ જશે તારો કેસ હજી ફર્સ્ટ સ્ટેજમાં છે થોડીવારમાં એમ્બ્યુલન્સ આવશે. તને કોરોનાના સ્પેશિયલ વોર્ડમાં શિફટ કરવામાં આવશે. તારા પરિવારને પણ કોરનટાઈનનો ઓર્ડર છે. એ બધાને પણ અલગ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રહેવું પડશે
સંદેશ સોફા, પર ફસડાઈ પડ્યો. એણે સીમાને બોલાવી અને આખી વાત કહી. સીમા એના ખભે હાથ મૂકવા ગઈ. સંદેશ દૂર થઈ ગયો. એણે ચીસ પાડી. હું કોરોના પોઝિટિવ છું. ડોન્ટ ટચ મી.
સાત વર્ષના સંકેતનું શું થશે. મમ્મી પપ્પાને કયા લઈ જવાશે. સીમા આ બધાને કયા અને કેવી રીતે સંભાળશે. એક બીજાની ખબર અંતરની ખબર કેવી રીતે પડશે. સંદેશનુ મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું.
સંદેશે સીમાને ઈશારો કરી મમ્મી પપ્પાને જગાડી આ વાત કરવા કહ્યું. સીમા દરવાજો નોક કરી રહી હતી કે રૂમમાંથી બંને જણા બહાર આવ્યા. કદાચ એ લોકો પણ જાગી જ રહ્યા હતા સીમાએ પૂરી વાત કરી. મમ્મી જમીન પર ઢળી પડી. પપ્પા સંદેશ સામે જોઈને કોઈ ઉપાય માટે જોઈ રહ્યા.
સંદેશે કહ્યું કોઈ રસ્તો નથી. હમણાં સરકારી હોસ્પિટલવાળા આવશે. મને કોરોના વોર્ડમાં લઈ જવામાં આવશે. તમને બધાને કોરનટાઈન કરવામાં આવશે. 14 દિવસ સુધી તમે પણ એ વોર્ડમાં લોક રહેશો અને રહી વાત મારી. જો હું સાજો થયો તો ઠીક નહિતર તમને મારુ મોઢું પણ આજ પછી જોવા નહીં મળે.
સંકેત આ બધુ સમજી નહોતો રહ્યો. એને આ બધુ અજુગતું લાગ્યું. એ પોતાના પપ્પાને આવી હાલતમાં કદી નહોતા જોયા. એ સંદેશને પકડવા જઈ રહ્યો હતો. સંદેશ દૂર હટી ગયો અને એણે સીમાને બૂમ મારી, આને મારાથી દૂર રાખ. એને જ નહીં, તમે બધા મારાથી, મારા પડછાયાથી પણ દૂર રહો.
ડોરબેલ વાગી અને સીમાએ દરવાજો ખોલ્યો. મેડિકલ એપ્રનમાં સજ્જ બે અધિકારીઓએ પૂછ્યું. મિસ્ટર સંદેશ. અમે તમને લેવા આવ્યા છીએ. કપડાંની બે જોડી લઈ અમારી સાથે આવો. આ આખું બિલ્ડિંગ સીલ કરવામાં આવી રહ્યું છે, અને તમારા આખા પરિવારે પણ અલગ હોસ્પિટલમાં ચૌદ દિવસ માટે એડમીટ થવું પડશે. તમે બધા પણ તમારા થોડા કપડાં, વગેરે લઈને ઘરને ખાલી કરો. અમારે આ ઘરને પણ સેનિટાઈઝ કરવાનું છે.
સર, અમને બે મિનિટનો સમય આપો. સંદેશ બસ આટલું જ બોલી શક્યો.
ચિંતા નહીં કરો. અમે બનતા પ્રયાસ કરી રહ્યા છીએ. વિશ્વાસ રાખો, તમે સારા થઈને પાછા આવશો. પણ હમણાં અમારી સાથે ચાલો અને સારવાર અને દરેક બાબતમાં સહકાર આપો.
સંદેશે પોતાના કપડાંની થેલી ભરી, મમ્મી પપ્પાને દૂરથી નમન કર્યા. મમ્મીને બહુ મન થયું એણે છાતી સરસો ચાંપવાનું. પિતાને પણ ઈચ્છા થઈ આવી, એણે ખભે હાથ મૂકી હિંમત આપવાની. પણ પગથી માથા સુધી એપ્રનમાં સજ્જ અધિકારીઓએ બધાને એકબીજાની નજીક જતાં અટકાવ્યા.
પાંચ મિનિટમાં બધા તૈયાર થઈ ગયા. સંદેશ પોતે ગળગળો થઈ ગયો હતો, આવામાં એ સીમાને કે મમ્મી પપ્પાને કે સંકેતને શું કહે કે શું હિમત આપે.
સંદેશે ઘરની ચાવી લીધી અને બહાર નીકળી હિમતભાઈના ઘરની ડોરબેલ મારી. પરમ દિવસ સાંજ સુધી, લોક ડાઉનમાં રોજ આખા ફ્લોરના લોકો રોજ ટેરેસ પર મેળાવડા કરી રહ્યા હતા. આખું શહેર લોક ડાઉન હતું પણ આ સોસાયટીમાં તો જાણે ઉતરાણ કે નવરાત્રિનો ઉત્સવ હતો. સવારે યોગા માટે, તો સાંજે એમ જ અંહી તહીંની વાતો માટે આખી સોસાયટીની લેડીસો અને જેન્ટસના રોજ બે અલગ વર્તુળ રોજ મહેફિલો કરતાં.
સંદેશની આંખ સામે બધુ થોડીક ક્ષણોમાં ફ્લેશ બેક થઈને આવી ગયું. બે વાર ડોરબેલ મારી પણ હિંમતભાઈનો દરવાજો ન ખૂલ્યો. સંદેશ માત્ર ઘરની ચાવી આપવા માંગતો હતો. એણે ચાવીનો એક સેટ હિંમતભાઈના જાળિયામાં નાખી દીધો.
સીમા, હિંમતભાઈ સૂઈ ગયા લાગે છે. દરવાજો ખોલતા નથી. એક ચાવીનો સેટ એમને ત્યાં નાખી દીધો છે. સંદેશ આગળ કઇં બોલવા ઊભો ન રહ્યો. એનો પોતાનો સ્પર્શ, એના પરિવાર માટે ઘાતક થઈ શકે, એ વિચારથી એ સડસડાટ દાદરા ઉતરી ગયો. બિલ્ડિંગમાં નીચે ઉભેલા અન્ય અધિકારીઓએ સંદેશને ઇશારાથી એક એમયુલન્સમાં બેસવા કહ્યું. એણે થોડું કરગરી અધિકારીને થોડીક મિનિટ થોભવા કહ્યું.
થોડીક મિનિટમાં સીમા, સંકેત, મમ્મી અને પપ્પા બધા, નીચે ઉતર્યા. અધિકારીઓએ એમને બીજી એમ્બ્યુલન્સ તરફ જવા ઈશારો કર્યો.આખો પરિવાર થોડીક ક્ષણો માટે થોભી ગયો. નાના સંકેત સિવાય બધા સમજી રહ્યા હતા કે કદાચ આ મહામારી પછી હવે સંદેશને પાછો જોવા પણ નહીં મળે. સંદેશને ફરી એકવાર મન થઈ આવ્યું કે સંકેતને ગળે લગાડે, બકકીઓ ભરે, કઇં નહીં તો એણે માથે હાથ તો ફેરવે. પણ પોતાની હાલત જોઈ, એ ફરી જમીન પર ઘૂંટણીયે બેસી ગયો.
ઓફિસરોએ પરિસ્થિતિ સમજી લીધી. એમણે ફરી માસ્ક પાછળથી ઘોઘરા અવાજમાં કહ્યું કે કુછ નહીં હોગા. સબ અચ્છે હોકે જલ્દી વાપસ આ જાયેંગે. બસ આપ લોગ હમકો ટ્રીટમેન્ટ કરનેમે સ્પોર્ટ કરો. ચલો સબ લોગ એમ્બ્યુલન્સમે બેઠો. સીમા, સંકેત, મમ્મી, પપ્પા બધા બીજી એમ્બ્યુલન્સમાં બેઠા. એમ્બયુલન્સ સ્ટાર્ટ થતાં ફરી એકવાર સાઇરન વાગી. સંદેશે પોતાની અલગ એમ્બ્યુલન્સમાં બેસતા પહેલા ફરી પોતાના ઘર તરફ, બિલ્ડિંગ તરફ નજર કરી. બધા ઘરમાં લાઇટ ચાલુ હતી.
હિંમતભાઈ પણ જાગી રહ્યા હતા. એમના હાથમાં મોબાઈલ હતો અને એ ગેલેરીમાંથી વિડીયો શુટ કરી રહ્યા હતા. થોડીવારમાં એમના તમામ ગ્રૂપમાં એક વિડીયો પહોંચી ગયો.
અમારી બિલ્ડિંગમાં પણ એક કોરોના કેસ. અમારું બિલ્ડિંગ પણ સીલ. આ કદાચ એક સત્ય ઘટના પણ હોઈ શકે. આપણી બેદરકારી આ પરિસ્થિતિ સર્જી શકે. જાગો મિત્રો હજુ સમય છે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024