દાંપત્યજીવનના સ્વીટ 60માં વેલેન્ટાઈન ડે ઉજવવાનું ભુલશો નહીં!

દાંપત્યજીવનમાં પણ એક પછી એક વર્ષો વીતતાં જાય છે. સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાની ભૂમિકામાં પરોવાતાં જાય છે. પુરુષ વ્યવસાયમાં-કારર્કિદીમાંં અને બહારની દુનિયામાં વ્યસ્ત રહે છે, તો સ્ત્રી એની પારંપરિક ગૃહિણી અને માતાની ભૂમિકામાં-ઘરસંસારમાં ખૂંપી જાય છે. હવે સંતાનો મોટાં થઈ જાય છે. ક્યારેક પરણીને કે અભ્યાસાર્થે બહાર જતાં રહે છે, ઘર ખાલી થઈ જાય છે બંનેને શું કરવું, શું થઈ ગયું, કશી જ સમજ પડતી નથી. બંને એકબીજાંથી ખોવાઈ ગયા હોય એમ લાગે છે. બંનેને જીવનમાં કશુંક ખૂટતું લાગે છે-ખાલિપો લાગે છે. એમને થાય છે, એમનાં શરૂઆતના સંબંધમાં જે કંઈ મધુર તત્ત્વ હતું એ ક્યાં ગયું? ક્યાં ગઈ એ આત્મીયતા? ક્યાં ગઈ એ મિલનની ઝંખના? આવું કેમ થયું!
દાંપત્ય સંબંધના આ સ્વરૂપને સમજવામાં જ આપણી ઘણી વખત ભૂલ થતી હોય એટલે જ જે સંબંધ અન્યોન્ય માટે સ્નેહપૂર્ણ અને આધ્યાત્મિક બની રહેત, જીવન હર્યુંભર્યું બનત અને જીવનપથ વધુ સોહામણો અને સુંવાળો બનત તેને બદલે દુષ્કર બની રહે છે.
ગમેતેવો કરમાયેલો છોડ પણ પ્રેમભર્યાં જતનથી-સુંવાળા સ્પર્શથી ફરી પાંગરી ઊઠે છે, દાંપત્ય સંબંધને પણ આ વાત લાગુ પડે છે. હવે ફરી પાછો એકબીજાંની સંગે વધુ સમય વીતાવવાનો હોય છે. સાથે પર્યટન-પિકનિક-સિનેમા જોવાનો આનંદ માણવાનો હોય. સંતાનો અને તેમનાં સંતાનો-પૌત્ર-પૌત્રીઓ સાથે હળવા-મળવાનો આ આનંદભર્યો સમય છે. આ રીતે દાંપત્ય સંબંધને નવું પરિમાણ આપવાનું હોય છે. એમ જ કહોને કે નવો યુગલધર્મ આચરવાનો હોય છે. સંબંધમાં સ્નેહ-સાથ-સાહચર્ય બધું ખરું પણ સાથે સ્વતંત્રતા અને મોકળાશ ઉમેરવાના હોય છે. દબાવ કે તાણ વગરનો મૈત્રી સંબંધ હોય. સફળ, સુખદ અને સંવાદી દાંપત્ય માટે કોઈ એક ફોર્મ્યુલા નથી પણ એક વાત તો સુનિશ્વિત છે કે સફળ લગ્નજીવનમાં કશુંય એકતરફી કે એક પક્ષીય હોતું નથી. આ યાત્રા પતિપત્ની બંનેની સહિયારી છે. હેપ્પી વેલેન્ટાઈન ડે!

Leave a Reply

*